મારા જેવી ગોળ રોટલી કોણ કરી બતાવશે?

22 April, 2020 03:45 PM IST  |  Mumbai | Rashmin Shah

મારા જેવી ગોળ રોટલી કોણ કરી બતાવશે?

સિંગર, પર્ફોર્મર અને મ્યુઝિક-ડિરેક્ટર જિગરદાન ગઢવીનાં ગીતો અઢળક ગુજરાતી ફિલ્મોમાં હિટ થયાં છે, તો તેમનાં અનેક સિંગલ્સ અત્યારે સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મોનાં ગીતો હિટ થવાનું શરૂ થયું એનો જશ જાણીતા મ્યુઝિક-કમ્પોઝર સચિન-જિગર જિગરદાનને આપે છે. જિગરા તરીકે વધારે ઓળખાતાા જિગરદાન ગઢવીએ ગાયેલું લવની ભવાઈનું વાલમ... સૉન્ગ આજે પણ
ટૉપ-થ્રી ગુજરાતી સૉન્ગ પૈકીનું એક છે. લૉકડાઉનના આ પિરિયડમાં જિગરદાન તેના અમદાવાદના ગોતા ખાતેના સ્ટુડિયોમાં અટવાયો છે. તે એકલો છે, તેને ફૂડ બનાવતાં આવડતું નથી, પણ લૉકડાઉનમાં તે પોતાને માટે ફૂડ બનાવવાનું શીખ્યો છે. પોતાના આ અનુભવ જિગરાએ રશ્મિન શાહ સાથે શૅર કર્યા છે, જાણીએ એ અનુભવોનો રસથાળ...

હું અત્યારે ગોતા છું, અમદાવાદનો એક વિસ્તાર કહો તો ચાલે. ગોતામાં મારો સ્ટુડિયો છે. અહીં અગાઉ પણ ખાસ્સો સમય હું રહ્યો છું. મારાં મમ્મી તો એવું જ કહે છે કે આ તારું બીજું ઘર છે. જો અમે તને બોલાવીએ નહીં તો તને સાચું ઘર યાદ ન આવે.
વાત ખોટી નથી, પણ સાચું કહું, આ વખતે એ ઘર બહુ યાદ આવે છે. લૉકડાઉન ચાલુ થયું ત્યારથી હું અહીં છું. બન્યું એવું કે એક દિવસના જનતા કરફ્યુ વખતે મને થયું કે હું આ ઘરે એટલે કે સ્ટુડિયો આવી જાઉં અને અહીં કંઈ ક્રીએટિવ કામ કરીશ. આવી ગયો. એક દિવસ પૂરતો નાસ્તો ને એવું બધું લાવ્યો, પણ એ જ રાતે ગુજરાત ગવર્નમેન્ટે સ્ટેટમાં લૉકડાઉન અનાઉન્સ કરી દીધું અને સવારથી અમલ પણ ચાલુ કરી દીધો. આપણને તો એમ કે બે-ચાર દિવસની વાત છે એટલે મેં પણ ઘરે કહી દીધું કે હવે હું અહીં જ છું. મંગળવારે વડા પ્રધાન ટીવી પર આવ્યા અને તેમણે ૨૧ દિવસનું લૉકડાઉન અનાઉન્સ કર્યું. એ રાતે હું બહાર જઈને રેડી-ટુ-કુક પૅકેટ્સ લઈ આવ્યો, જેની ખાસ જરૂર નહોતી, કારણ શરૂઆતમાં ફૂડ-પાર્સલ ડિલિવર થતાં હતાં. હું ઑર્ડર કરી દઉં અને આવી જાય. મારે માટે તો આ બેસ્ટ પિરિયડ બની ગયો. નવી-નવી રિધમ પર કામ કરું. ગીતો લખું અને રફ સ્કૅચ તૈયાર કરીને ફ્રેન્ડ્સના સજેશન લઉં, પણ પછી પાર્સલ ડિલિવરી પણ બંધ થઈ અને ખાવાનું બનાવવાનું આવ્યું મારા પર અને સાચું કહું તો એક્સાઇટમેન્ટનું આખું લેવલ બદલાઈ ગયું.
સ્ટુડિયોમાં કિચનની વ્યવસ્થા છે. અગાઉ અનેક વખત હું અહીં મારી ટીમ સાથે એક-બે નહીં, ચાર-છ દિવસ રોકાયો છું એટલે ચા-કૉફી બનાવવાની વ્યવસ્થા હોય અને ફૂડ બહારથી ઑર્ડર કરવાનું હોય. ડિસ્પોઝેબલ પ્લેટ્સ ને બોલ્સ હોય પણ આ વખતે તો બાકાયદા કિચન ચાલુ કર્યું છે. રૅશન આવ્યું છે. વાસણોની વ્યવસ્થા કરી લીધી છે અને હવે મૅક્સિમમ ટાઇમ સ્ટુડિયોનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સને બદલે કિચનનાં વાસણો સાથે પસાર થાય છે. હજી હમણાં બે દિવસ પહેલાં જ મેં મારા ઍક્ટર ફ્રેન્ડ્સ પ્રતીક ગાંધી, મલ્હાર ઠાકર, દેવર્ષી શાહથી માંડીને પાર્થિવ ગોહિલ, ધ્વનિ ગૌતમ, સચિન-જિગરને ઇન્સ્ટાગ્રામ ચૅલેન્જ આપી કે મારા જેવી ગોળ રોટલી બનાવીને દેખાડે.


હા, આને તમે કુદરતની બક્ષિસ કહેશો તો પણ ચાલશે, પણ મારી રોટલી એકદમ ગોળ બને છે, જરા પણ આડીઅવળી નહીં. એવું જ લાગે જાણે મમ્મીએ બનાવી છે. ખબર નથી, આ કેવી રીતે થાય છે, પણ હા, મારી એજની છોકરીઓ બનાવે તો તેમની રોટલી આવી ગોળ ન બને. ગૅરન્ટી અને બીજી ગૅરન્ટી એ કે લૉકડાઉન પૂરું થશે ત્યાં સુધીમાં હું બહુ સારો કુક બની જવાનો છું. ચા કે કૉફી સિવાય મને બીજું કશું આવડતું નહોતું અને અત્યારે મને અનેક વરાઇટી બનાવતાં આવડે છે. એ બધી હું માત્ર ફોન પર પૂછીને કે પછી યુટ્યુબ પર જોઈને શીખ્યો છું. પહેલાં હું મમ્મી જનકબહેનને ફોન કરીને તેમની પાસેથી શીખી લેતો, પણ યુ સી મમ્મી, એ મને કહેતાં-કહેતાં એટલી વાર જીવ બાળે કે મારો દીકરો એકલો રહી ગયો છે. તે શું ખાતો હશે અને કેવી રીતે જીવતો હશે. વાત કરતાં-કરતાં બિચારાં રડે પણ ખરાં. મને થયું કે તેમને તો હું સમજાવી નહીં શકું એટલે હું સમજી આઇ મીન, સુધરી ગયો અને મેં યુટ્યુબ પર વિડિયો જોઈ-જોઈને શીખવાનું શરૂ કરી દીધું. મને થયું કે ખાવાનું મારે છે, બીજા પર કોઈ એક્સપરિમેન્ટ્સ થવાનાં નથી તો પછી ગભરાવું શાનું? રવિવારની વાત કહું તમને. સન્ડે મેં ભજિયાં બનાવ્યાં. ભજિયાં બન્યાં સરસ પણ એમાં તેલ એટલું હતું કે એવું જ લાગે કે તેલના રસાવાળાં ભજિયાં લાગે. ભજિયાં ઉતારવાં એ પણ એક કળા હોય છે એ મને રવિવારે સમજાયું.
ટિશ્યુ પેપરથી પહેલાં તો એ વધારાનું તેલ શોષવાનું કામ કર્યું અને પછી ખાવા બેઠો ત્યારે બીજા ટિશ્યુથી એ ભજિયાં લૂછવાનું કામ કર્યું. હોય, થાય ક્યારેક આવું, પણ બાકી વાંધો નથી આવતો અને આવે તો પણ એ બનાવતી વખતે એટલી મહેનત કરી હોય છે કે તમને સહેજઅમસ્તી બગડેલી વરાઇટી પણ તમારી હોય એટલે એનો સ્વાદ અનેરો જ લાગે. આ દિવસોમાં મને ચાર-છ શાક બનાવતાં આવડી ગયું છે. બટાટાની સૂકી ભાજી અને કોબી-બટાટાનું શાક પણ સરસ બનાવું છું; તો રોટલી, ભાખરી અને પરોઠાં પણ મને ફાવે છે. મારાં પરોઠાં સહેજ જુદાં હોય છે. એ લગભગ તણાયેલાં હોય એવું કહું તો ચાલે અને ભાખરી પણ મારી જુદી હોય છે.

અહીં સ્ટુડિયો પર મારી પાસે તાવડી નથી એટલે ભાખરી પણ હું તવી પર બનાવું છું તો એમાં એક્સપરિમેન્ટ્સ કરી લેવાનાં. કોઈ વાર ભાખરીને ઘીમાં સાંતળી લઉં તો કોઈ વાર તવી પર બને એવી સૂકી ભાખરી બનાવું. કોઈ વાર મૂડ આવે તો બેબી ભાખરી બનાવું. આપણો એક કોળિયો થાય એવડી ભાખરી હોય એ. ટુકડા કરવાના જ નહીં, ભાખરીમાં શાક લઈને એ સીધી ખાવાની. કોઈ પૂછે ત્યારે કહેવાની પણ મજા આવે કે આજે તો બાર ભાખરી ખાધી... પૂછનારાને ખબર ન હોય કે ભાખરી આપણી ટચલી આંગળીથી પણ નાની હતી.
મારી ત્રણ-ચાર વરાઇટી બહુ સરસ બને છે. એ વરાઇટી હું આવતા સમયમાં બધાને ખવડાવવાનો છું. આમાંથી એક છે મારા હાથના પૌંઆ. આ પૌંઆની ખાસિયત એ કે એ તીખા નહીં પણ ખાટામીઠા હોય છે. પૈસાની રીતે જ એને બનાવવાના, પણ એ બની જાય એટલે એમાં ખાંડ ઉમેરવાની અને પછી ફરી થોડા ગરમ કરી લેવાના. ગરમ કરશો એટલે એ ખાંડ ઓગળી જશે. પછી એ પૌંઆ ઉતારીને એમાં ઉપર લીંબુ નિચોવી દેવાનું અને બાજુમાં ટમૅટો કૅચઅપ લઈ લેવાનો અને બન્ને સાથે ખાતા જવાનું. એક વાર ટ્રાય કરજો, બહુ મજા પડશે. મૅગીમાં પણ હું ટમૅટો કૅચઅપ યુઝ કરું છું અને એ પણ જુદી રીતે. પહેલાં મૅગી બનાવવાની. આખી મૅગી રેડી થઈ જશે એટલે એમાં પાણી નહીં રહે. પાણી વિનાની આ મૅગીમાં કૅચઅપ નાખવાનો અને એને ગરમ થવા દેવાની. મૅગીમાં નાખેલો કૅચઅપ પણ એમાં શોષાઈ જશે અને પછી જ્યારે એ તમે ખાશો ત્યારે તમને એવું લાગશે જાણે તમે ટમૅટો નૂડલ્સ ખાઓ છો. ભેળમાં પણ મારે માટેના અનુભવો જુદા છે. ભેળ તૈયાર કરીને એને વઘારવાનું વિચાર્યું છે ક્યારેય. એક વખત એ કરજો. આપણી રાબેતા મુજબની ભેળ બનાવીને પછી જે રીતે તમે વઘાર કરતા હો એ રીતે કાંદા, મરચાં, ટમેટાં અને લસણની પેસ્ટ સાથે એનો વઘાર કરવાનો. આખો ટેસ્ટ બદલાઈ જશે.
આવા તો અનેક એક્સપરિમેન્ટ્સ મેં આ લૉકડાઉનમાં કરી લીધા છે. આવા એક્સપરિમેન્ટ્સથી થાકું એટલે ફરી
પાછો આવી જાઉં આપણી ઓરિજિનલ વરાઇટી પર. એ રોટલી-શાક, દાળ-ભાત, દહીં-ખીચડી ને એવું બધું.
લૉકડાઉનમાં મને અત્યારે જો કંઈ સૌથી વધારે યાદ આવતું હોય તો એ છે મમ્મીના હાથનો રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા. આ મારે માટે વર્લ્ડસ્ બેસ્ટ આઇટમ છે અને એ પણ મમ્મીના હાથની. ધારો કે લૉકડાઉન લંબાઈ જાય અને આમ જ ચાર-છ મહિના હજી નીકળી જાય અને મને બધેબધું બનાવતાં આવડી જાય તો પણ હું આ બન્ને વરાઇટી ક્યારેય નહીં શીખું, ક્યારેય એટલે ક્યારેય નહીં. એ તો મમ્મીના હાથની જ ખાવાની, બીજા કોઈના હાથની નહીં.

પહેલાં ચા કે કૉફી સિવાય મને બીજું કશું આવડતું નહોતું અને અત્યારે મને અનેક વરાઇટી બનાવતાં આવડે છે. એ બધી હું માત્ર ફોન પર પૂછીને કે પછી યુટ્યુબ પર જોઈને શીખ્યો છું. પહેલાં હું મમ્મી જનકબહેનને ફોન કરીને તેમની પાસેથી શીખી લેતો, પણ યુ સી મમ્મી એટલે મમ્મી. તે એટલો જીવ બાળે કે મારો દીકરો એકલો રહી ગયો છે. તે શું ખાતો હશે અને કેવી રીતે જીવતો હશે. વાત કરતાં-કરતાં બિચારાં રડે પણ ખરાં. મને થયું કે તેમને તો હું સમજાવી નહીં શકું એટલે હું સુધરી ગયો અને મેં યુટ્યુબ પર વિડિયો જોઈ-જોઈને શીખવાનું શરૂ કરી દીધું.

Jigardan Gadhavi life and style Gujarati food indian food