મારા બનાવેલા ગુલાબજાંબુ અમારી પાંચ ગાયોએ પીધા

20 May, 2020 10:40 PM IST  |  Mumbai | Rashmin Shah

મારા બનાવેલા ગુલાબજાંબુ અમારી પાંચ ગાયોએ પીધા

અત્યારે લૉકડાઉનમાં તે મમ્મી પાસેથી અને ઑનલાઇન રેસિપી શીખી રહી છે.

લોકગાયક ગીતા રબારી એકની એક દીકરી હોવાને કારણે નાનપણથી તેને કિચનમાં જવાની મનાઈ એટલે અને સાથોસાથ નાનપણથી ગાયકીની કરીઅર પણ શરૂ થઈ જતાં ગીતાને કુકિંગ એક્સપર્ટ બનવાનો ચાન્સ મળ્યો નહીં. જોકે અત્યારે લૉકડાઉનમાં તે મમ્મી પાસેથી અને ઑનલાઇન રેસિપી શીખી રહી છે. ગીતા રબારી અહીં પોતાના કુકિંગ એક્સ્પીરિયન્સ રશ્મિન શાહ
સાથે શૅર કરે છે

હું મમ્મી-પપ્પાની એકની એક દીકરી એટલે નાનપણથી તેમણે મને લાડકોડથી ઉછેરી છે. આ લાડકોડમાં ઘણં નિયમો પણ ખરા. કોઈ કામ દીકરીને કરવાનું નહીં, દીકરી માગે એ બધું હાજર કરવાનું, તેની આંખમાં આંસુ આવવાં ન જોઈએ, તેને કોઈ વાતની રોકટોક નહીં કરવાની અને બીજા બધા માટે સૌથી અઘરો નિયમ કે ગમે એવા સંજોગોમાં પણ એને રસોડામાં પગ મૂકવા નહીં દેવાનો. હા, આ સાચું છે અને મને રસોડામાં મોકલતાં રીતસર લોકો ડરતા. મારાં મમ્મી વેજુબહેન ખૂબ જ સરસ અને ખાસ તો મને ભાવે એવી એકદમ મસ્ત રસોઈ બનાવે. મને કંઈ ખાવાનું મન થાય તો મારે તેમને જ કહી દેવાનું. કહી દઉં અને રસોઈ મને મળી જાય એટલે આમ પણ દીકરીને રસોડામાં પગ મૂકવો પડે નહીં. હું એક વાત કહીશ તમને કે આ નિયમો બનાવ્યા હતા પપ્પાએ, પણ મારાં મમ્મીની પણ આ જ ઇચ્છા હતી એટલે રસોડામાં ન જવાની બાબતમાં મારે અને મમ્મીને પણ ક્યારેય કોઈ વાતનું ઘર્ષણ થયું નથી. બન્નેની એકમાત્ર વાત કે કામ કોઈ કરવાનું નહીં અને મારે માત્ર ગાવા પર ધ્યાન આપવાનું.
મારી સિન્ગિંગ-કરીઅરની શરૂઆત લગભગ પાંચ વર્ષની ઉંમરથી જ થઈ ગઈ હતી. સૌથી પહેલાં મે ગાવાની શરૂઆત સ્કૂલથી કરી. સ્કૂલમાં હું પ્રાર્થના કરાવતી. એ પછી નવરાત્રિમાં ગરબા ગાવાનું શરૂ કર્યું અને નવરાત્રિ પછી નાના-મોટા પ્રોગ્રામ શરૂ થયા. મેળામાં પણ કોઈ પ્રોગ્રામ હોય તો કરવાના અને બીજાં ગામોમાં મેળા થાય તો ત્યાંથી પણ બોલાવવામાં આવે એટલે ત્યાં પણ ગાવા જવાનું. નાનપણથી ગાવાની આ જે સફર શરૂ થઈ એ આજે પણ અવિરત આગળ વધી રહી છે અને એને માટે જેટલા ઈશ્વરના આશીર્વાદ કામ લાગ્યા છે એટલો જ માબાપનો પ્રેમ અને તેમના આશીર્વાદ પણ કામ લાગ્યા છે. હમણાં થોડા સમય પહેલાં હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી ત્યારે તેમને પણ મેં આ જ કહ્યું હતું. કહ્યું હતું કે ભગવાન અને માબાપ વિના ગીતા રબારી કોઈ દિવસ આ સ્થાને પહોંચી ન હોત.
પ્રોગ્રામોને કારણે મારે ગામેગામ અને
દેશ-વિદેશ બધે જવાનું બને. ગુજરાતમાં કે પછી મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં પ્રોગ્રામ હોય તો બહુ વાંધો ન આવે, જમવામાં કોઈ પ્રૉબ્લેમ ન આવે પણ એમ છતાં હું પ્રોગ્રામ માટે જતાં પહેલાં થોડી ચીજવસ્તુ મારી સાથે અચૂક રાખું. રખેને કંઈ ન મળે કે પછી ભાવે એવું ન મળે તો વાંધો ન આવે અને નાહકના બીજા કોઈને હેરાન ન કરવા પડે. મમરા અને લાડવા સામાન્ય રીતે મારી સાથે હોય જ હોય. એમાં સીઝન મુજબ ઉમેરો થાય. શિયાળાના દિવસો હોય તો ચીકી સાથે રાખી હોય. ઉનાળામાં કેરી મારી ભેગી હોય. ટૂંકમાં આવું કંઈ ને કંઈ મારી સાથે હોય. એવી વરાઇટી હોય જે મારી ભાવતી હોય. બાકી મેં કહ્યું એમ, જમવાનું આપણે ત્યાં સહેલાઈથી મળી જાય. હું ક્યાંય પણ હોઉં મારું જમવાનું સાદું જ હોય. રોટલા-રોટલી કે પરોઠાં, સેવ-ટમેટાંનું શાક, દહીં, સીઝન હોય તો રીંગણનો ઓળો અને પાપડ.
વિદેશમાં પ્રોગ્રામ હોય ત્યારે થોડો પ્રૉબ્લેમ થાય, પણ હવે સૌથી સારી વાત એ છે કે ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ હોય એટલે આયોજક ગુજરાતી હોય. તકલીફ પડે ત્યારે એ લોકોની મદદ લઈને જમવાની અરેન્જમેન્ટ થઈ જાય, પણ હા, એવા સમયે મારા ફેવરિટ એવાં રોટલો-કઢી અને ઢોકળીનું શાક ન મળે. હું ફૉરેન જઈને આવું એ પછી થોડા દિવસ સુધી મારું આ ભાવતું ભોજન જ ખાવાનું રાખું. એકદમ ટેસ્ટી હોય અને થોડું તીખું હોય એ ફૂડ મારું ફેવરિટ છે. મને શાક તીખું જોઈએ. મારા વતન ટપ્પર કે પછી મોટા ભાગના કચ્છમાં તીખાશવાળું ફૂડ વધારે ખવાતું હોય છે. હું માનું છું કે જમવામાં તીખાશ હોવી જ જોઈએ. અમેરિકા, ઇટલી, બ્રિટન જેવા દેશોમાં મેં ત્યાંનું ખાવાનું પણ ચાખ્યું. મને તો એ સાવ મોરુંફક્ક જેવું લાગ્યું છે. આપણને તો ભાવે જ નહીં. જમવાના સ્વાદમાં ગામડું બહાર આવવું જોઈએ. ઘણી વખત તો મને શહેરની વાનગી પણ ભાવતી નથી.
જમવાની વાત જ્યારે પણ કરું ત્યારે મને એક કિસ્સો અચૂક યાદ આવે. નાની હતી ત્યારની વાત છે. સાતમ-આઠમની રજા હતી ત્યારે એક વખત અમે મારા મામાના ગામ નડાપા ગયાં હતાં. મામાના ઘરે હોઈએ એટલે લાડકોડ રહેવાના જ. બધા ઘરમાં કામ કરતાં હતાં. મને પાક્કું યાદ છે કે એ સમયે મારાં મામી પૂરી તળતાં હતાં. મામીને જોઈને મને થયું કે હું પણ પૂરી તળીશ. મેં જીદ કરી એટલે મને નાની પૂરી બનાવીને તળવા માટે આપી. દેખાવે સાવ સહેલું લાગતું કામ ખરેખર અઘરું હતું એ મને ત્યારે ખબર પડી જ્યારે પૂરી અંદર નાખતાં તેલનાં ટીપાં મારા હાથ પર ઊડ્યા અને મારો હાથ દાઝી ગયો. એ દિવસથી મનમાં એવો ડર પેસી ગયો કે આજ સુધી મેં ક્યારેય મારા હાથે તેલમાં તળી શકાય એવી કોઈ વાનગી બનાવવાની નથી અને જો ફરજિયાત હોય તો હું મમ્મીને સાથે રાખું અને જેવી વરાઇટી તળવાની આવે કે તરત જ હું તેમને એ કામ સોંપી દઉં.
રસોડામાં નહીં જવાનું નક્કી થયા પછી પણ એક વાત હું કહીશ કે હું મારી જાતે થોડું બનાવવાનું તો શીખી છું, પણ હા, એમાં તળવાની વરાઇટી હું શીખવા રાજી નથી. મને રોટલા બનાવતાં આવડે. રોટલી પણ ફાવે. અમુક શાક ફાવે અને સાથોસાથ મને શીરો, લાડવા અને મોહનથાળ પણ બનાવતાં આવડે. આ બધું મમ્મી પાસેથી જ શીખી છું અને છેલ્લાં બે વર્ષથી તેમણે મને આ શીખવવાનું શરૂ કર્યું. મમ્મી પાસેથી શીખવા ઉપરાંત લૉકડાઉનના પિરિયડમાં ઑનલાઇન વિડિયોમાંથી પણ રેસિપી શીખું છું. ઑનલાઇનને કારણે બને એવું ખરું કે ગોટાળા પણ થઈ જાય.
હમણાંની વાત કહું. હમણાં મેં ઑનલાઇન ગુલાબજાંબુની રેસિપી જોઈ. મને થયું કે આ બનાવવાનું તો સાવ સહે છે. ગુલાબજાંબુ બનાવવા માટે માવો લઈને મેં ગુલાબજાંબુ બનાવવાનું શરૂ કર્યું, પણ તકલીફ પછી શરૂ થઈ. ગુલાબજાંબુ બનાવતી વખતે એ માવાને ખૂબ મસળવો પડે. જો એ સરખી રીતે મસળો નહીં તો ઘીમાં તળતી વખતે એ છૂટો પડી જાય. મારી સાથે એ જ થયું. એક પણ ગુલાબજાંબુ આખા રહ્યા નહીં. છૂટા પડી જાય અને બધા ઘીમાં તળી લીધા હતા એટલે એવું થયું કે બધા ઘીમાં છૂટા પડી ગયા અને એને લીધે ખાઈ શકાય એવા રહ્યા નહીં. એમ છતાં ભાંગેલાતૂટેલા એ ગુલાબજાંબુ મેં ચાસણીમાં નાખીને ચાખ્યા તો ટેસ્ટમાં બરાબર હતા‍, પણ આકાર ગુલાબજાંબુનો નહોતો. અમે ઘીમાં તળેલો ચાસણીવાળો એ મીઠો માવો બધો ગાયને આપ્યો. અમારા ઘરમાં પાંચ ગાય છે એ બધી ગાયોએ જાંબુની લિજ્જત માણી. હું એ પણ કહીશ કે પહેલી વખત જાંબુ ખરાબ થયા પણ પછી બીજી વખત જાંબુ પર્ફેક્ટ બન્યા.
ગુલાબજાંબુ પરથી શીખવા મળ્યું કે નવું કંઈ પણ બનાવો ત્યારે પહેલું ધ્યાન એ રાખવાનું કે ભૂલ બીજી વાર ન થવી જોઈએ. બટાટાની સૂકી ભાજી મારી ફેવરિટ પણ છે અને હું એ બહુ ટેસ્ટી અને સ્પાઇસી બનાવું છું. બટાટાની સૂકીભાજી મારી સૌથી બેસ્ટ રેસિપી છે. એ બનાવતી વખતે હું એમાં ઝીણાં મરચાં કાપીને એમાં નાખું એટલે સહેજ કરકરી પણ લાગે અને તીખાશ પણ આવે. મને જો કોઈ એક વાતનો અફસોસ હોય તો એ કે મારાથી એક વાનગી બનતી નથી, દૂધની કઢી. મારી બા ખૂબ જ સરસ દૂધની કઢી બનાવે છે. હું જેટલી પણ વખત પ્રયત્ન કરું એટલી વખત દૂધ ફાટી જાય છે. બાના હાથમાં જાદુ છે એ તો નક્કી, એકદમ ટેસ્ટી અને બેસ્ટ દૂધની કઢી બનાવે છે. મને ખૂબ જ ભાવે છે. અત્યારે આ લૉકડાઉનના પિરિયડમાં હું મમ્મી સાથે મળીને બધું બનાવું છું અને ઘરના બધાને એ ભાવે પણ છે.

ગુલાબજાંબુ બનાવતી વખતે એ માવાને ખૂબ મસળવો પડે. જો એ સરખી રીતે મસળો નહીં તો ઘીમાં તળતી વખતે એ છૂટો પડી જાય. મારી સાથે એ જ થયું. એક પણ ગુલાબજાંબુ આખા રહ્યા નહીં. છૂટા પડી જાય અને બધા ઘીમાં તળી લીધા હતા એટલે એવું થયું કે બધા ઘીમાં છૂટા પડી ગયા અને એને લીધે ખાઈ શકાય એવા રહ્યા નહીં. એમ છતાં ભાંગેલાતૂટેલા એ ગુલાબજાંબુ મેં ચાસણીમાં નાખીને ચાખ્યા તો ટેસ્ટમાં બરાબર હતા‍, પણ આકાર ગુલાબજાંબુનો નહોતો. અમે ઘીમાં તળેલો ચાસણીવાળો એ મીઠો માવો બધો ગાયને આપ્યો. અમારા ઘરમાં પાંચ ગાય છે એ બધી ગાયોએ જાંબુની લિજ્જત માણી.

Rashmin Shah Gujarati food