ઇસ ચીકી દા જવાબ નહીં

11 February, 2020 01:32 PM IST  |  Mumbai | Rashmin Shah

ઇસ ચીકી દા જવાબ નહીં

ચીકી

તમારી આંખમાં ત્યારે અચરજ અંજાશે જ્યારે તમને ખબર પડશે કે રાજકોટની ચીકીનો વેપાર વર્ષેદહાડે ૧૦૦ કરોડના આંકડાને પાર કરી જાય છે. તમને આશ્ચર્ય ત્યારે થશે જ્યારે તમને કોઈ કહેશે કે જગતભરના ગુજરાતીના હાથમાં વર્ષમાં એક વાર તો રાજકોટની ચીકી પહોંચે જ છે અને તમને અંચબો ત્યારે થાય જ્યારે તમને કહેવામાં આવે કે અમિતાભ બચ્ચનથી માંડીને શાહરુખ ખાન, સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજકોટની ચીકીના ફૅન છે. શું ખાસિયત છે આ રાજકોટની ચીકીની અને કેવો રોમાંચક એનો ઇતિહાસ છે, ચાલો જાણીએ...

ચીકીનું નામ પડે એટલે તમારી આંખ સામે મહાબળેશ્વરની ચીકી આવી જાય એવું બની શકે, પણ એક વાતની સ્પષ્ટતા કરવાની કે ચીકીનું જનક રાજકોટ છે. ચીકીની વરાઇટી જ સ્વાદશોખીનોને રાજકોટે આપી. શરૂઆતના તબક્કે એક જ વરાઇટીની ચીકી બનતી હતી, પણ હવે એવું રહ્યું નથી. અત્યારે ઑલમોસ્ટ ૫૦થી પણ વધારે વરાઇટીની ચીકી બને છે અને એ ખવાય પણ છે. એક સમય હતો જ્યારે ચીકી સીઝનલ આઇટમ ગણાતી, પણ હવે ચીકી બારેમાસ મળે છે અને એ ખરીદનારાઓ છે, પણ શિયાળાની શરૂઆતની આલબેલ જો કોઈ ગણાય તો એ ચીકી ગણાય. શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થાય કે તરત ચીકી દેખાવાની ચાલુ થઈ જાય અને ગુજરાતમાં તો ઘરેથી પણ ચીકી લાવવાનું કહેણ શરૂ થઈ જાય. કાઠિયાવાડમાં દરેક બીજું ઘર એવું છે જ્યાં શિયાળાના ચારમાંથી ત્રણ મહિના ઘરમાં ચીકી હોય જ હોય. આગળ કહ્યું એમ, એક સમય હતો  જ્યારે ચીકી એક જ વરાઇટીમાં બનતી અને ખવાતી. એ વરાઇટી હતી સિંગની ચીકી પણ એ પછી તલ અને દાળિયાની ચીકી બનવી શરૂ થઈ અને એની પણ ડિમાન્ડ નીકળી. રાજકોટમાં ચીકી બનાવતા સ્વાદ ચીકીના માલિક મનોજ શેઠ કહે છે, ‘પહેલાં ગોળની જ ચીકી બનતી, આજે પણ મેઇન આઇટમ તો ગોળની જ ચીકી ગણાય છે, પણ હવે ફૅન્સી ચીકી બનતી થઈ છે અને ખાંડમાં પણ ચીકી બનાવવામાં આવે છે અને એમ છતાં ૧૦ કિલો ચીકીની ખપતમાં ૮ કિલો ચીકી ગોળની જ હોય છે. ગોળની ચીકી, મગફળીના દાણા અને શિયાળો એ ત્રણેત્રણ આયુર્વેદનું અદ્ભુત કૉમ્બિનેશન છે.’

તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર આયુર્વેદ જ નહીં, કૃષિ ઉત્પાદનોને બળ મળે એ માટે ચીકી બનાવવામાં આવી હોવાનું પણ ઇતિહાસના જાણકારોનું કહેવું છે તો સાથોસાથ ચીકી બનવાની શરૂઆત કેવા સંજોગોમાં થઈ એની પણ રસપ્રદ વાતો છે. રાજકોટમાં ત્રીજી અને ચોથી પેઢી ચીકીનું વેચાણ કરતી હોય એવી અનેક પેઢીઓ છે, જે દર્શાવે છે કે ૫૦-૭૫ વર્ષ પહેલાં ચીકી વેચાતી હતી તો એની સામે કાઠિયાવાડના ઇતિહાસમાં તો એનાથી પણ વધારે જૂની નોંધ ચીકીની છે. કાઠિયાવાડના ઇતિહાસ પર રસપ્રદ રિસર્ચ કરનારા જૂનાગઢના ઇતિહાસકાર જિતુદાન ગઢવીના કહેવા મુજબ, ઈસવી સન ૧૮પ૦ના અરસામાં કાઠિયાવાડમાં ડફેરોનો ત્રાસ હતો. ડફેર ગામમાં આવીને લૂંટફાટ કરતા અને મહિલાઓને ઉપાડી જતા, જેને લીધે રાજા-મહારાજાઓએ ડફેરો જ્યાં હુમલો કરતા એ ગામને કૉર્ડન કરીને સેનાને બેસાડવાનું કામ કર્યું. આ સૈનિકો રાઉન્ડ ધ ક્લૉક પહેરો ભરતા. ઘણી વખત ડફેર આ સેના પર હુમલો કરે તો એ ૮-૧૦ દિવસ છાવણીએ પાછા પણ ન આવી શકે. આવા સમયે સૌથી કફોડી હાલત એ ખાદ્ય સામગ્રીની થતી. આ પ્રશ્નના નિરાકરણ માટે મહારાજાઓએ ચર્ચાવિચારણા કરી, જેમાં વિચારણામાં આયુર્વેદાચાર્યોને પણ સાથે રાખવામાં આવ્યા જેથી સૈનિકોના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં રાખી શકાય. એ વિચારણા દરમ્યાન એનર્જી આપનારા ગોળની પણ વાત થઈ અને થોડું ખાવાથી પણ પેટ ભરાઈ ગયાની તૃપ્તિ આપી શકે એવા મગફળીના દાણાની પણ વાત થઈ. આ બન્ને આઇટમના કૉમ્બિનેશનના ફળસ્વરૂપે સૌથી પહેલાં તો માત્ર ગોળના ભીલા અને મગફળી આખી મોકલવામાં આવતી હતી. એક આડવાત, મગફળી અને ગોળનું કૉમ્બિનેશન ઑલરેડી ખેડૂતોમાં તો ફેવરિટ હતું જ. એનો જ સીધો ઉપયોગ કરવામાં આવ્યો, પણ પછી એમાં સુધારો કરવાના હેતુથી પહેલાં મગફળીના દાણાના ગોળના લાડુ બનાવવામાં આવ્યા. આ લાડુ પણ જાડા થઈ જતા હોવાથી ચાવવામાં તકલીફ પડતાં થાળીમાં એને ઢાળીને સુખડી તથા ગોળપાપડીની જેમ ચકતાં બનાવવામાં આવ્યાં અને આમ ચીકીની શરૂઆત થઈ.

આગળ કહ્યું એમ, કૃષિ ઉત્પાદનોને પણ બળ મળે એ માટેની નીતિ સમજાવતાં જાણીતા સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ કહ્યું હતું કે શિયાળામાં ગોળ અને મગફળી બન્ને નવાં બનતાં હોય એટલે ભાવમાં સસ્તાં પણ હોય અને મગફળીના દાણામાં વૅલ્યુ એડિશન પણ થાય. વૅલ્યુ એડિશનને લીધે દાણાની ખપત વધે તો ઊગતો પાક પણ ઝડપથી બજારમાં વેચાતો જાય એવી નીતિ પણ અપનાવી હોય એવી ધારણા મૂકી શકાય ખરી. અહીં ચીકી સાથે જોડાયેલા ત્રીજા દૃષ્ટિકોણને પણ જોઈ લઈએ.

આયુર્વેદમાં કહેવાયું છે કે સીઝનલ વરાઇટી ખાવી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. મગફળી અને ગોળ બન્ને શિયાળુ ઉત્પાદન છે, જેને લીધે બન્ને સીઝનલ હોવાથી એનો રો ઉપયોગ તો વધારે થતો જ, પણ ચીકીનું ફોમ આવતાં એ ખાવાની માત્રા વધે એવા ઇરાદાથી પણ વેદાચાર્યોએ ચીકીના કૉમ્બિનેશનને બળ મળે એવી સલાહ આપવાનું ચાલુ રાખ્યું, જેનો સીધો લાભ એ થયો કે ચીકી એ કાઠિયાવાડ અને ખાસ તો રાજકોટમાં શિયાળુ પાક બની ગયો. શરૂઆત મગફળીની ચીકીથી એટલે કે સિંગની ચીકીથી થઈ એ પછી લાંબા સમયે બીજી વરાઇટી જો કોઈ ઉમેરાઈ હોય તો એ તલની ચીકી ઉમેરાઈ. તલની ચીકી પણ આયુર્વેદના દૃષ્ટિકોણથી જ બનાવવાની શરૂ થઈ હશે એવું અનુમાન મૂકવામાં આવે છે. શિયાળામાં તલનો પાક ઉતારવામાં આવે છે એ એક કારણ, તો બીજું કારણ શિયાળામાં તલનું તેલ ખાવાની સલાહ આપવામાં આવે છે. તલના તેલ ઉપરાંત જો તલ પણ ખાવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાથી તલ અને ગોળના કૉમ્બિનેશનને અમલમાં મૂકીને તલસાંકળી એટલે કે તલની ચીકી બનાવવામાં આવી અને એ પણ પૉપ્યુલર થઈ. આ તલની ચીકી પણ શરૂઆતમાં એકલી બજારમાં નહોતી મૂકવામાં આવી. સિંગની ચીકીમાં તલ ઉમેરીને એને ‘મિક્સ પાક’ તરીકે બજારમાં મૂકવામાં આવ્યો અને એની ડિમાન્ડ વધતાં તલસાંકળી બનાવવામાં આવી. સિંગ અને તલની ચીકી પછી ઇન્ટ્રોડ્યુસ થઈ દાળિયાની એટલે કે ફોતરા વિનાના ચણાની ચીકી. આ ત્રીજા કૉમ્બિનેશનમાં પણ આયુર્વેદ અકબંધ રહ્યું છે. ચણા અને ગોળ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાથી એને પણ પ્રોત્સાહન મળ્યું અને આ ત્રીજી ચીકીને પણ સૌકોઈએ હોંશે-હોંશે સ્વીકારી.

૧૯પ૦ સુધી ચીકી માત્ર રાજકોટમાં કે પછી કહોને કાઠિયાવાડમાં બનતી હતી, પણ એ પછી આ ચીકી બહાર નીકળી અને ગુજરાત તથા અન્ય રાજ્યોમાં બનવાની શરૂ થઈ. મહાબળેશ્વરમાં પણ ત્યાર પછી જ ચીકી શરૂ થઈ અને ઉત્તર પ્રદેશમાં પણ એ પછી જ ચીકી બનવાની શરૂ થઈ. જોકે એ પછી એ ચીકી રાજકોટની તોલે તો નથી જ આવી એ પણ હકીકત છે.

સેલિબ્રિટીઝની ફેવરિટ છે આ ચીકીઓ

રાજકોટની ચીકી બહારગામ જનારાઓ તો પોતાની સાથે લઈ જ જાય છે, પણ સેલિબ્રિટી પણ રાજકોટની ચીકી ક્યારેય ભૂલ્યા નથી. રવીન્દ્ર જાડેજા થકી ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ પણ રાજકોટની ચીકીના દીવાના બન્યા છે તો ‘ખુશ્બૂ ગુજરાત કી’ના કૅમ્પેન સમયે કાઠિયાવાડ આવેલા અમિતાભ બચ્ચન પણ રાજકોટથી ચીકી લઈ ગયા હતા. આઇપીએલની મૅચ માટે રાજકોટ આવેલા શાહરુખ ખાનને હોટેલના માલિકોએ ખાસ ચીકી ગિફ્ટ આપી હતી તો રાજકોટથી જ્યારે પણ બીજેપીના સિનિયર નેતા દિલ્હી જાય ત્યારે ભૂલ્યા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે રાજકોટની ચીકી લઈ જાય. આ ચીકી નરેન્દ્ર મોદીને બહુ ભાવે છે.

મહાદેવભક્તોને ખબર હશે કે સોમનાથ મંદિરમાં આપવામાં આવતા પ્રસાદમાં ત્રણ વરાઇટી છે, જેમાં એક વરાઇટી ચીકી છે. આ ચીકી રાજકોટમાં જ બનાવવામાં આવે છે અને રાજકોટની સંગમ ચીકી દ્વારા તૈયાર કરવામાં આવે છે.

આવી ફૅશનેબલ ચીકી

મગફળી, તલ અને દાળિયાની ચીકી કે પછી આ ત્રણના કૉમ્બિનેશન સાથે બનતી મિક્સ ચીકી સિવાયની તમામ ચીકીને ફૅશનેબલ ચીકી કહી શકાય. રાજકોટની સંગમ ચીકીના માલિક સલીમ મુસાણી કહે છે, ‘એ ચીકી નુકસાનકર્તા છે એવું નથી, પણ એ ચીકી કરતાં મૂળ ચીકીના લાભ અનેકગણા વધારે છે.’

અત્યારે રાજકોટમાં ભાતભાતની અને જાતજાતની ચીકી બને છે. ડ્રાયફ્રૂટ ચીકીથી માંડીને માવા, કોપરા, વરિયાળી, કાજુ-ગુલકંદ અને કૅડબરી ચીકી પણ બને છે. જોકે આ ફૅશનેબલ ચીકીની મોટા ભાગની વરાઇટી ખાંડમાં બનાવવામાં આવે છે. રેગ્યુલર ચીકીનો ભાવ ૧૫૦થી ૨૫૦ રૂપિયા જેવો હોય છે જ્યારે ફૅશનબેલ ચીકીનો ભાવ ૪૦૦ રૂપિયાથી ૧૫૦૦ રૂપિયા જેટલો છે.

બિઝનેસ અનલિમિટેડ

રાજકોટની ચીકી એટલી પૉપ્યુલર છે કે ચીકીના વેપારીઓ દાવા સાથે કહે છે કે જગતમાં ક્યાંય પણ વસતો ગુજરાતી વર્ષમાં એક વાર તો રાજકોટની ચીકી ખાય જ ખાય. ચીકીના વેપાર માટે કોઈ કશું કહેવા રાજી નથી. વેપારીઓ હજી પણ એવું ઇચ્છે છે કે જાયન્ટ બની ગયેલો ચીકીનો બિઝનેસ હજી પણ ગૃહઉદ્યોગ સ્વરૂપે જ રહે. એક અનુમાન મુજબ બારમાસી બની ગયેલી રાજકોટની ચીકીનો વેપાર વર્ષેદહાડે ૧૦૦ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી જાય છે.

Rashmin Shah Gujarati food mumbai food