ખાંડવીમાં થયા લોચા અને બની ગયો સુરતનો લોચો (મારા કિચનના પ્રયોગો)

01 December, 2011 07:45 AM IST  | 

ખાંડવીમાં થયા લોચા અને બની ગયો સુરતનો લોચો (મારા કિચનના પ્રયોગો)



(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)

મૂળ ખંભાતનાં મોઢ વાણિયા જ્ઞાતિનાં નૈના શાહ બાળકોને ઘરમાં ટ્યુશન કરાવે છે. તેઓ રસોઈમાં તેલ ઓછું વાપરવામાં માને છે અને કહે છે કે હેલ્થની હેલ્થ અને બચતની બતચ. ૫૮ વર્ષનાં નૈનાબહેનને પરંપરાગત ગુજરાતી તેમ જ બીજી ભારતીય ટેસ્ટની રસોઈ બનાવવાનો ભરપૂર શોખ છે. જોઈએ આવા જ તેમના શોખ જેવા કામમાં તેમનાથી કેવા ગોટાળા થયા છે.

ખાંડવીમાં કર્યો લોચો

રવિવારનો દિવસ હતો અને ઘરે બધાને મેં નાસ્તામાં ખાંડવી બનાવું છું એવું કહી દીધેલું. મારા હાથે ખાંડવી મોટા ભાગે સારી જ બને છે, પણ એ દિવસે લોટ ઢીલો થઈ ગયો. ખાંડવીના મિશ્રણને ગરમ કરી અને થાળી પર પાથર્યું, પણ એ થાળી પરથી જાણે છૂટું પડવા માગતું જ નહોતું. ઘરમાં બધા ખાંડવીની રાહ જોઈને બેઠા હતા. આવામાં શું કરવું એ ખરેખર મૂંઝવણ હતી. વિચાર્યા બાદ મને યાદ આવી સુરતની ફેમસ આઇટમ લોચો. મેં એ ખાંડવીના મિશ્રણમાં થોડો વધારે ચણાનો લોટ નાખ્યો અને એને ઢોકળાની જેમ બાફી લીધું. ત્યાર બાદ એને બરાબર ગાર્નિશ કરી ઘરનાઓને કહ્યું કે આજે ખાંડવી તો નહીં પણ આ લોચો ખાઈ લો. ઘરનાઓ મારા આ ગોટાળા વિશે સાંભળીને ખૂબ હસ્યા હતા. એ ખાંડવીમાં કરેલો લોચો અને પછી બનેલો ફેમસ સુરતી લોચો મને આજેય યાદ આવી જાય છે.

બીજા પણ અનેક ગોટાળા

રસોઈ કરવામાં ગોટાળા તો બધા જ કરે અને મેં પણ કર્યા છે, પણ હંમેશાં કોઈ પણ બગડેલી વાનગીને વેસ્ટ કરવા કરતાં એમાંથી કંઈક બીજું બનાવી દેવાની મને ટેવ છે. એક વાર હું રસોઈ કરતી હતી ત્યારે પાડોશનાં બહેન વાતો કરવા આવ્યાં અને વાતોમાં વધારે ધ્યાન આપવાને લીધે મેં દાળમાં બે વાર મીઠું નાખી દીધું અને ચાખી ત્યારે ખબર પડી કે એ ખારી દાળ દાળની રીતે ખવાય એવી નહોતી રહી. એટલે મેં એમાં દૂધી અને લોટ નાખી મૂઠિયાં બનાવી દીધાં અને આ રીતે બનાવેલાં મૂઠિયાં ખરેખર ખૂબ સારાં બનેલાં. આ જ રીતે એક વાર મેં ખમણ બનાવેલાં. આમ તો મારા હાથનાં બનેલાં ખમણ ઘરમાં બધાનાં ફેવરિટ છે, પણ એ દિવસે ખમણ કડક થઈ ગયાં એટલે મેં એનો ભૂકો કરી એમાં ઘરમાં પડેલું દાડમ, કોથમીર નાખી તેમ જ તીખો વઘાર કરી બનાવીને પીરસી દીધાં. આમ હું જો કંઈ પણ ગોટાળો થાય તો એને શક્ય હોય ત્યાં સુધી સુધારી લેવાની કોશિશ કરું છું.

બધું જ ઘરે બનાવો

હું બધા જ ટાઇપના ઢોસા ઘરે બનાવવાનું પસંદ કરું છું. મૈસૂર મસાલા ઢોસો પણ હું બનાવું છું. મારા હાથે બનેલું પાણી-પૂરીનું પાણી ઘરમાં બધાને ખૂબ ભાવે છે અને એ મોટા ભાગે કોઈ બહારનું ખાવાનું પસંદ નથી કરતું. બાકી ગુજરાતી રસોઈ બનાવવાનો મને ભરપૂર શોખ છે અને પંજાબી, સાઉથ-ઇન્ડિયન બનાવવું પણ ગમે. બાકી ચાઇનીઝ બનાવવું કે ખાવું ઓછું પસંદ છે એટલે મોટા ભાગે નથી જ બનાવતી. બાકી મારા હાથના મેથીના ગોટા અને ખંભાતની સ્પેશ્યલિટી એવા ખંભાતી દાબડા મારા હસબન્ડના ફેવરિટ છે. દાબડા એ એક પ્રકારનાં ભજિયાં છે જેમાં જુદા પ્રકારે બનાવેલી લસણની ચટણીને બટાટાની બે સ્લાઇસની વચ્ચે મૂકીને ત્યાર બાદ એને ચણાના લોટમાં બોળીને તળવામાં આવે છે.

રસોઈ સજાવવાનો શોખ

મેં એક વાર એક કૉમ્પિટિશન માટે રવા-પાલક મૂઠિયાં બનાવેલાં અને એ વાનગીને ખૂબ સારી રીતે સજાવીને પ્રેઝન્ટ કરી હતી, જેમાં મને મારા ગાર્નિશિંગ માટે પ્રાઇઝ પણ મળ્યું હતું. મને ખબર નહીં કેમ પણ રસોઈમાં લાલ રંગનો સમાવેશ થાય એ ખૂબ પસંદ છે. મારો મંત્ર એ જ છે કે જો રસોઈ રંગે-રૂપે સારી હોય તો ખાવી ગમે, નહીં તો નહીં.

હેલ્થ અને બચત

વઘાર હોય, ઢોસા બનાવવાના હોય કે રેગ્યુલર કોઈ શાક બનાવવામાં તેલનો ઉપયોગ કરવાનો હોય; મને તેલના રેલા ઊતરે એ નથી ગમતું. હું તેલ કે બટર ઓછા પ્રમાણમાં વાપરવાનું જ પસંદ કરું છું. મારું માનવું છે કે આમ પણ વધારે તેલ હેલ્થ માટે સારું નથી. એટલે હેલ્થની હેલ્થ અને બચતની બચત થશે.

- તસવીર : અતુલ કાંબળે