સ્ક્રીન પર ભલે સ્ટૉક એક્સપર્ટ બન્યો પણ રિયલ લાઇફમાં તો હું શેફ છું

11 November, 2020 10:05 PM IST  |  Mumbai | Rashmin Shah

સ્ક્રીન પર ભલે સ્ટૉક એક્સપર્ટ બન્યો પણ રિયલ લાઇફમાં તો હું શેફ છું

માય મુડ : મસાલા ભીંડી બની રહી છે

ધ સ્કૅમ ૧૯૯૨-ધ હર્ષદ મહેતા સ્ટોરીમાં હર્ષદ મહેતાના નાના ભાઈ અશ્વિનનું કૅરૅક્ટર કરીને બધાની વાહવાહી કમાઈ લેનારા હેમંત ખેરને ભલે દુનિયાએ પહેલી વાર સ્ક્રીન પર જોયો હોય પણ હેમંત એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું મંજાયેલું નામ છે. ‘ઇન્ડિયા’ઝ બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ’, ‘ઇન્ડિયા’ઝ બેસ્ટ ડ્રામેબાઝ’, ‘એન્ટરટેઇનમેન્ટ કી રાત’ જેવા અનેક શો હેમંતે ડિરેક્ટ કર્યા છે, ‘નોટબુક’ અને ‘મિત્રોં’ ફિલ્મમાં હેમંત ઑફિશ્યિલ ઍક્ટિંગ કોચ રહ્યો છે તો અનેક ટીવી-સિરિયલ અને રિયલિટી શો તેણે લખ્યા પણ છે. મિડ-ડેના રશ્મિન શાહ પાસે મન મૂકીને વાત કરતાં
હેમંત ખેર કહે છે, ‘ફૂડ કે ઍક્ટિંગ, આ બેમાંથી પહેલા નંબરે કયું પૅશન આવે એ નક્કી કરવું મારા માટે અઘરું છે’

મારી લાઇફમાં બે જ પૅશન છે. એક એક્ટિંગ અને બીજું ફૂડ. કોને પહેલા ક્રમે મૂકવું એ હું અત્યારે નક્કી નથી કરી શકતો પણ હા, બેમાંથી એક પણ ન હોય તો મને ચાલે નહીં એટલું તો શ્યૉર છે. હું જેટલું શીખ્યો એ બધું જ મેં સરસ રીતે બનાવ્યું પણ અને લોકોને ખૂબ ભાવ્યું પણ. આની માટેનો બધો જશ મારાં મમ્મી ઉષાબહેનને જ આપવો પડે. સાચું કહું તો માત્ર ફૂડની જ બાબતમાં નહીં પણ મને આવડે છે એ બધી વાતનો જશ મારે મારી મમ્મીને જ આપવો પડે પણ ફૂડ એક એવું છે જેમાં મારા ગુરુ મારાં મમ્મી છે એટલે મને જે કંઈ રાંધતાં આવડે છે એ બધાનો જશ મારાં મમ્મીને આપીશ. મેં નાનપણથી જ મમ્મીને બહુ ઑબ્ઝર્વ કરી છે. તે અન્નપૂર્ણા પણ રહી છે અને મારી ગુરુ પણ રહી છે.
મમ્મી મારી ધ ગ્રેટ
મમ્મીએ મને હાથ પકડીને ક્યારેય બનાવતાં શીખવ્યું નથી, બધું હું તેમને ઑબ્ઝર્વ કરીને જ શીખ્યો છું. પણ એમ છતાં કહીશ કે મમ્મી ન હોત તો હું કદાચ આ દિશામાં ગયો જ ન હોત. માંડીને વાત કહું તમને. મમ્મી-પપ્પા બન્ને ટીચર અને એમાં પણ મમ્મી સ્કૂલે પણ જાય અને ઘરે પણ સવાર-સાંજ ટ્યુશન કરાવે. એને લીધે મમ્મીને કામની બહુ ભાગાભાગી હોય. બધાં કામ તે ફટાફટ પૂરાં કરે પણ મેં જોયું છે કે મમ્મી જેવી કિચનમાં પગ મૂકે કે આખો સીન બદલાઈ જાય. એટલી શાંતિથી અને મગ્ન થઈને તે રસોઈ બનાવે કે ન પૂછો વાત. મમ્મી પાછી રસોઈ બનાવતાં કોઈ ધૂન કે ભજન પણ ગણગણતી જાય એટલે એ ભાવ પણ ભોજન સાથે ભળી જાય. મમ્મીને બહુ કામ રહે એટલે નાનપણથી જ મને થતું કે મમ્મીને મારે કામમાં મદદ કરવી જોઈએ. મમ્મી જ્યારે કિચનમાં જાય એટલે તેની સાથે હું પણ જાઉં અને મમ્મીને હેલ્પમાં લાગી જાઉં. શરૂઆતમાં હું તેમને વાસણ સાફ કરવામાં હેલ્પ કરતો અને તેમને બહારથી કંઈ લાવવાનું હોય તો એ લાવી આપું. એ પછી મેં શાક કાપવામાં અને લોટ બાંધવા પર હાથ અજમાવ્યો. મમ્મીને ઑબ્ઝર્વ કરવાનું તો સતત ચાલુ જ હોય. મમ્મીને પણ કુકિંગ એટલું વહાલું કે આજે ૬પ વર્ષની એજ પર પણ તે ઑનલાઇન વિડિયો જોઈને નવી-નવી વરાઇટી ઘરે બનાવે છે. મમ્મીએ તો નાનકડું કિચન ગાર્ડન પણ સેટઅપ કર્યું છે જેમાં તે મેથી, ધાણા, ભાજી જેવી આઇટમ ઉગાડીને ઘરમાં એ જ વાપરે. મમ્મીનો સીધેસીધો આ કુકિંગનો શોખ મારામાં આવ્યો અને મેં એ શોખને મારામાં ડેવલપ એવો કર્યો કે તમે વિચારી પણ નહીં શકો.
નવ વર્ષે બનાવ્યો પુલાવ
હા, હું એ ટાઇમે ચોથા ધોરણમાં મણતો હતો. બન્યું એમાં એવું કે એક દિવસ મમ્મી બહાર ગયાં હતાં અને પપ્પા પણ ઘરમાં નહીં. મને થયું કે બન્નેને આવતાં વાર લાગશે અને પછી મમ્મીએ દોડાદોડી કરવી પડશે, એના કરતાં હું કંઈક બનાવીને તેમને સરપ્રાઇઝ આપું. એ દિવસે મેં પુલાવ બનાવ્યો, લાઇફમાં પહેલી વાર. મમ્મી-પપ્પા બન્ને ઘરે આવ્યાં એટલે મેં તેમની સામે પુલાવ મૂક્યો અને બન્ને રીતસરના શૉક્ડ થઈ ગયાં. તેમને માનવામાં જ ન આવે કે મારી એજનો છોકરો આ બનાવી જ કેવી રીતે શકે. પણ મેં તો મમ્મીને ઑબ્ઝર્વ કરી-કરીને એ બનાવ્યો હતો. એ પુલાવ જોઈને બન્ને ઘણાં ખુશ થયા અને મજા તો ત્યારે આવી જ્યારે તે બન્નેને બહુ ભાવ્યો પણ ખરો પુલાવ. પપ્પાએ તો મમ્મીને કહ્યું પણ ખરું કે પુલાવ તો તારા કરતાં પણ વધારે સારો બનાવ્યો છે.
લાઇફના એ પહેલા ફૂડ મેકિંગના એક્સ્પીરિયન્સ પછી તો હું ઘણું શીખ્યો. શીખવાને લીધે એવું થયું કે મારી ફૂડ માટેની સેન્સ ડેવલપ થઈ. મને ખ્યાલ આવવા લાગ્યો કે કઈ રસોઈમાં કેટલો મસાલો હોવો જોઈએ અને કયા મસાલાને લીધે ટેસ્ટ કેવો આવશે. કઈ આઇટમ નાખવાથી તીખાશ તોડી શકાય કે પછી આઇટમ ખાટી કે ખારી બની ગઈ હોય તો શું કરવું જોઈએ જેથી આઇટમ ફેંકવી ન પડે વગેરે. આજે હું થેપલા, પરાઠાં, પૂરી અને રોટલીથી માંડીને કુલ્ચા, નાન જેવી વરાઇટી એકદમ બેસ્ટ બનાવી શકું. બધાં જ શાક બનાવતાં મને આવડે અને ચાઇનીઝ, પંજાબી, કૉન્ટિનેન્ટલ, ઇટાલિયન વરાઇટી પણ હું બનાવી શકું. ત્યાં સુધી કે મારી રેસ્ટોરેન્ટના મેનુમાં જે કોઈ આઇટમ હતી એ બધી હું જાતે બનાવી શકું.
જી હા, મેં મારી પોતાની રેસ્ટોરાં શરૂ કરી હતી.
બ્લન્ડર્સ બેફામ
સારું બનાવી જાણતા હોય તેનાથી બ્લન્ડર્સ ન લાગે એવું બને જ નહીં. મારાથી પણ ભૂલો થઈ છે. મારું એક સર્વ સામાન્ય બ્લન્ડર કહું તમને. હું જ્યારે પણ દૂધ ગરમ કરવા મૂકું ત્યારે એ મારાથી બળી જ જાય. એવું ક્યારેય નથી બન્યું કે દૂધ બળ્યું ન હોય. હું ભૂલી જ જાઉં કે મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે. આવી જ ભૂલ એક વખત મારાથી થઈ હતી. મેં ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કર્યા જમવા માટે. હું પુલાવ બનાવવાનો હતો. મેં બધું કુકરમાં ઍડ કર્યું, વેજિટેબલ્સ, મસાલા, રાઇસ બધું નાખીને કુકર બંધ કરી બીજા કામે લાગ્યો. થોડી વાર પછી મને બળવાની સ્મેલ આવી, જોયું તો પુલાવ બળી ગયો અને રાઇસ કાળા થઈ ગયા હતા. બન્યું એવું હતું કે હું એમાં તેલ નાખવાનું ભૂલી ગયો હતો. એ બધો પુલાવ જવા દીધો અને નવેસરથી મારે પુલાવ બનાવવો પડ્યો. કુકિંગનો એક બેસ્ટ એક્સ્પીરિયન્સ હોય તો એ મારી રેસ્ટોરેન્ટ સાથે જોડાયેલો છે. એક વાર રેસ્ટોરેન્ટના કુકને કોઈ કારણોસર ઓચિંતી રજા લેવાનું થયું. મેં તો આપી દીધી રજા અને એપ્રન પહેરીને હું ગોઠવાઈ ગયો કિચનમાં. એ દિવસે જેટલા પણ ઑર્ડર આવ્યા એ બધા મેં પૂરા કર્યા અને બધેબધી આઇટમ મેં બનાવી. તમે માનશો નહીં પણ મારી રેસ્ટોરાંનો હાઇએસ્ટ બિઝનેસ એ દિવસે થયો હતો.
મારી વાઇફ ઉર્વશી બહુ સારી કુક છે એટલે મૅરેજ પછી ઘરમાં કુકિંગ કરવાનું બહુ આવતું નથી પણ હા, હમણાં લૉકડાઉનમાં મેં બધા માટે ખૂબ કુકિંગ કર્યું. મેં અમારા ફાર્મમાં આમળા વાવ્યાં છે, હમણાં એમાંથી આમળાનું અથાણું પણ બનાવ્યું.

હેમંત ખેરે હાથે બનાવેલા રાઇસ લબાબદાર અને પાસ્તા.

સફર, શેફ સે ઍક્ટર તક...

સુરતથી પચાસ કિલોમીટર દૂર કોસંબા નામનું એક ગામ છે. મારું ઘર ત્યાં. અહીં જ અમારું ફાર્મ પણ છે. ફૂડના મારા પૅશનને એક સ્ટેપ આગળ લઈ જવા માટે મેં નક્કી કર્યું કે મારે રેસ્ટોરાં ચાલુ કરવી. મમ્મી-પપ્પા બન્ને એ નિર્ણય સાથે સહમત પણ થયાં એટલે અમારા બંગલોની નીચેના ભાગમાં મેં રેસ્ટોરેન્ટ શરૂ કરી, નામ એનું બડી બેઠક. રેસ્ટોરાં માટે મેં કોઈ જાતની લોન લીધી નહોતી, મારી બચતમાંથી જ એ શરૂ કરી. મેં એ ચાલુ કરી ૨૦૧૪ના એન્ડમાં અને ૨૦૧૭ની શરૂઆતમાં એ બંધ કરી. બંધ કરવાનું કારણ તમને કહું એ પહેલાં રેસ્ટોરાંની તમને વાત કહું.

પુરાની યાદેંઃ મારી રેસ્ટોરાં, આ ફોટો આજે પણ મને અતિશય સંતોષ આપે છે

રેસ્ટોરાં મારી પોતાની એટલે મેં બધા પ્રકારના એક્સ્પીરિયન્સ એમાં શરૂ કરી દીધા. ફૂડથી માંડીને ઈવન બેઠક વ્યવસ્થામાં પણ. મેં એ જગ્યાએ આઠ પ્રકારની સિટિંગ થીમ બનાવી હતી. બીન બૅગ્સથી લઈને હીંચકા પર, ટેબલ-ખુરશી પર કે પછી મોટા ખાટલા પર અને ઇચ્છો તો ગુજરાતી બેઠક વ્યવસ્થા મુજબ પલાંઠી મારીને નીચે બેસીને પણ તમે જમી શકો. રેસ્ટોરાં ચાલુ હતી એ દરમ્યાનની જ એક વાત કહું તમને. સ્ટાર પ્લસના ‘માસ્ટર શેફ’ના એપિસોડ હું લખતો હતો. મેં સેલિબ્રિટી શેફ રાજીવને એક વખત પૂછયું હતું કે ફૂડ બિઝનેસમાં સૌથી વધારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, ફૂડની ક્વૉલિટીમાં, ક્વૉન્ટિટીમાં, ઍમ્બિયન્સમાં કે પછી સિટિંગ અરેન્જમેન્ટમાં?
તેમનો જવાબ બહુ સરસ હતો. તેમણે કહ્યું હતું, ઑનેસ્ટીમાં. ફૂડની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ અહીં કરવાની, ક્યારેય ખોટું બોલવાનું નહીં, ક્વૉલિટીના નામે કંઈ પણ પીરસવાનું નહીં. રેસ્ટોરાંના બિઝનેસ માટે મેં આ વાતને મારો ગુરુમંત્ર બનાવી લીધો અને એ જ ગુરુમંત્રને ધ્યાનમાં રાખીને મેં રેસ્ટોરાં વાઇન્ડઅપ કરી. બન્યું એમાં એવું કે મારા ડિરેક્શન અને ઍક્ટિંગ ફીલ્ડના કમિટમેન્ટના કારણે મારે મુંબઈ વધારે રહેવાનું શરૂ થયું અને મને લાગ્યું કે મારે રેસ્ટોરાં કોઈ હિસાબે બીજા લોકોના ભરોસે ન મૂકવી જોઈએ અને મેં નિર્ણય કર્યો કે હું એ બંધ કરીશ. મેં રેસ્ટોરેન્ટ બંધ કરી પણ આજે પણ રેસ્ટોરાંનો બધો સમાન મેં સાચવી રાખ્યો છે. મારો દીકરો શિવાંક પણ મારા રસ્તે છે અને બહુ સરસ કુકિંગ કરે છે. બને કે ભવિષ્યમાં હું મારું રેસ્ટોરાં ફરી પાછું મારા દીકરા સાથે મળીને શરૂ કરું.

મારા પપ્પા ગણપતસિંહની એક શિખામણ લાઇફટાઇમ યાદ રાખવા જેવી છે. અચ્છા જીના હૈ તો કમ ખાના, ગમ ખાના.

Rashmin Shah Gujarati food