મારી ચા એટલે માશાલ્લાહ એમ કહે છે નૈતિક નાગડા

19 August, 2020 09:49 PM IST  |  Mumbai | Rashmin Shah

મારી ચા એટલે માશાલ્લાહ એમ કહે છે નૈતિક નાગડા

નૈતિક નાગડા

હા, નવરાત્રિ કિંગ નૈતિક નાગડાના હાથની ચા જો તમે પણ પી લો તો તમે પણ આમ જ કહેશો. નૈતિકનો હાથ જેટલો ઢોલ પર સરળતાથી પડે છે એવો જ રિધમ સાથે એ કિચનમાં પડે છે. નૈતિક માને છે કે દરેકને કંઈક ને કંઈક બનાવતાં આવડવું જ જોઈએ. દેશી ફૂડનો આશિક એવો નૈતિક ફાઇવસ્ટાર હોટેલમાં શો માટે ગયો હોય તો પણ પોતાની સાથે ઘરેથી ટિફિન લઈ જાય અને જો બહારનું ફૂડ ખાવાની પરમિશન ન મળે તો બહાર ગાડીમાં બેસીને પણ તે ટિફિન જમે. પોતાના ફૂડ-એક્સ્પીરિયન્સ અને ફૂડ-મેકિંગના અનુભવો વિશે નૈતિક અહીં મિડ-ડેના રશ્મિન શાહ સાથે વાત કરે છે

આમ જોઈએ તો વાંધો એક પણ પ્રકારના ફૂડ સામે નહીં. ક્યારેય નહીં, પણ જો ઇચ્છા પૂછો તો સૌથી પહેલાં આપણું ટિપિકલ દેશી ફૂડ યાદ આવે. રોટલો, કઢી, ખીચડી, લસણની ચટણી, રીંગણનો ઓળો અને એવું બધું. આ બધા સાથે કાંદા જોઈએ અને એ પણ રૉ ફૉર્મેટમાં હોવા જોઈએ, ચાકુથી સુધારેલા નહીં. સાવ રૉ ફૉર્મેટ. દેશી ફૂડ સાથે એ રીતે કાંદા ખાવાની મજા જુદી છે. આ થઈ ઇચ્છાની વાત, પણ જો સામે મૂકી દેવામાં આવે તો કંઈ પણ ખાઈ લઉં. ફૂડની બાબતમાં ના કહેતાં મને નથી આવડતું. કંઈ પણ હોય તો હું ખાઈ લઉં. હું લેબનીઝ, મેક્સિકન, જૅપનીઝ, ચાઇનીઝ, થાઇ, કૉન્ટિનેન્ટલ બધા પ્રકારનાં ફૂડ ખાઈ લઉં પણ એ બધામાં ઇન્ડિયન અને ખાસ તો આપણું દેશી ફૂડ મને વધારે પસંદ છે. તમને એક બીજી વાત કહું.
મને ફાઇવસ્ટારનું ફૂડ પસંદ નથી. એની સામે મારો કોઈ વિરોધ નથી પણ મને એ ફૂડની સરખામણીએ આપણું ઘરનું ફૂડ વધારે ભાવે. નવરાત્રિ કે પછી બીજી ઇવેન્ટમાં ફાઇવસ્ટારમાં હોય ત્યારે ફૂડ પણ ત્યાં જ લેવાનું હોય. પણ તમને નવાઈ થશે, એવા સમયે હું મારું ટિફિન સાથે લઈને જ જાઉં. મારી સાથે આપણા ઘરે બનેલું ફૂડ હોય. થેપલાં, દાળઢોકળી, બિરયાની જેવી વરાઇટી લઈને જાઉં અને જરૂર પડે તો દહીં કે પછી દૂધ કે એવું કશું આજુબાજુમાંથી મંગાવી લઉં અને જમી લઉં. તમને કહ્યું એમ, દેશી ફૂડ મારી નબળાઈ છે. મને વીકમાં એકાદ વાર તો જોઈએ જ. દેશી ફૂડ જેમ મારી નબળાઈ એમ મારા હાથે બનેલી ચા મારી સાળી અને મારા બીજા ફ્રેન્ડ્સની નબળાઈ છે.
હા, હું એવી ચા બનાવું છું કે મારી સાળી શ્વેતા ઘરે આવે ત્યારે તે વાઇફ ઈશિતાને બદલે મને જ ચા બનાવવાનું કહે. મારી ચા એકદમ કડક અને સુસ્તી ઉડાડી મૂકે એવી હોય છે. ચામાં હું ઓછામાં ઓછી આઠથી નવ વરાઇટી નાખું છું. એમાં તજ હોય, લવિંગ, તુલસી અને ફુદીનો વાટીને તૈયાર થયો હોય એ અર્ક, ગ્રીન ટીનાં પાન હોય, કેસર હોય, ઇલાયચી હોય. આ ચા બન્યા પછી એની ઉપર જરાક અમસ્તો ચાનો મસાલો છાંટવાનો. એકદમ જરા. ગરમ ચા પર છંટાયેલા એ મસાલાને કારણે ચાની જે ખુશ્બૂ હોય છે એ ખુશ્બૂમાં વધારો થઈ જાય અને તમને ચા પીવાની અંદરથી ઇચ્છા જાગે. મારી આ ચા અનેક લોકોને ભાવે છે. હું તો કહીશ, કેટલાક તો આ ચાના દીવાના છે. ચા માટે ખાસ ઘરે આવવાનો પ્રોગ્રામ બનાવે.
યુઝ્અલી હું કિચનમાં નામ પૂરતો જતો, પણ લૉકડાઉન દરમ્યાન કિચન સાથે મારો ઘરોબો વધ્યો એવું કહું તો ચાલે. લૉકડાઉનમાં કશું કરવાનું નહોતું, બહાર જવાની મનાઈ હતી અને ઘરમાં પણ ખાસ સમય જાય નહીં એટલે હું કિચનમાં નવા-નવા અખતરા કર્યા કરતો. આ લૉકડાઉનની એક ખાસિયત હતી, જો તમે નોંધ્યું હોય તો તમને દેખાશે કે લોકો પાસે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા માટે કશું હતું જ નહીં. બહાર જાય કે કોઈને મળે તો પોસ્ટ કરીને પોતાના ફૅન્સ-ફ્રેન્ડ્સને દેખાડી શકે પણ બહાર જ નીકળવાનું નહોતું એટલે બન્યું એવું હતું કે બધા કંઈ પણ કુક કરીને સૌથી પહેલાં વૉટ્સઍપને ધરતા. જેમ આપણાં ઘરોમાં પહેલાં ભગવાનને ભોગ ધરાવાતો એવી જ રીતે, કંઈ પણ હોય એનો પહેલાં ફોટો પડે અને પછી વૉટ્સઍપ કે સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવે અને એ પછી ખાવાનું શરૂ કરે. આ જ કારણે મને લાગે છે કે ડૅલ્ગોના કૉફી લૉકડાઉનમાં ઇનથિંગ બની ગઈ હતી. તમે યાદ કરો, એ દિવસોમાં ડૅલ્ગોના કૉફી બહુ ચાલી હતી. બધા ડૅલ્ગોના કૉફી બનાવીને સોશ્યલ મીડિયા પર ફોટો અપલોડ કરે કે જોઈ લેજો, અમે પાછળ નથી રહી ગયા. મેં પણ બનાવી કે લ્યો ભાઈ, મને પણ આવડે છે ડૅલ્ગોના કૉફી. મારું નામ લખી લો એ લિસ્ટમાં.
ડૅલ્ગોના કૉફી બનાવી એની પહેલાં હું કિચનમાં મને આવડે એવાં નાનાં-નાનાં કામ કરતો. વટાણા ફોલી આપવા, બાફેલા બટાટાની છાલ કાઢવી, ગુવાર ફોલવાનો હોય કે પછી ગાજર ખમણવાનાં હોય પણ એ પછી ધીમે-ધીમે મને રસ પડવાનો શરૂ થયો એટલે મેં કિચનમાં એક્સપરિમેન્ટ કરવાના શરૂ કર્યા. મૅગી તો પહેલાં પણ બનાવી હતી પણ લૉકડાઉનમાં ચીઝ બૉઇલ્ડ મૅગી બનાવી, જેનો ટેસ્ટ એટલો અદ્ભુત હતો કે લિટરલી મેં એ પછી ત્રણચાર વાર બનાવી. ચીઝ મૅગી તો બધા બનાવતા હોય છે. મૅગી બનાવીને એની ઉપર છીણીને ચીઝ નાખી દો એટલે ચીઝ મૅગી તૈયાર પણ ચીઝ બૉઇલ્ડ મૅગી જુદી છે અને એ બનાવવાની રીત પણ સાવ નોખી છે.
પાણી લઈ એમાં બટર અને ચીઝના ઝીણા પીસ નાખી દેવાના અને એને મેલ્ટ કરી નાખવાનું. ચીઝ એકદમ મેલ્ટ થઈને એમાં ઓગળી જશે અને એ પછી એમાં મૅગી નાખી એને બરાબર પાકવા દેવાની. આ મૅગી તમે ખાતા હો ત્યારે તમને ચીઝના પીસીસ મોઢામાં નહીં આવે પણ એનો ટેસ્ટ ગળામાં ફીલ થશે. ખાવાની બહુ મજા આવશે. બર્મીઝ ખાઉસે પણ મેં બનાવ્યું હતું. મશરૂમ સાથે મેલ્ટ થયેલા ચીઝમાં બનેલું ખાઉસે તમે હોટેલમાં ખાઓ એના કરતાં પણ વધારે ટેસ્ટી મારા હાથે બન્યું હતું.


ફૂડ બનાવતી વખતે મેં ખાસ કોઈ બ્લન્ડર નથી કર્યા પણ હા, એક વખત માઇક્રોવેવ વાપરવામાં મેં જે ગોટાળો કર્યો હતો એ મને યાદ છે. એ બ્લન્ડર તો હું જ્યારે-જ્યારે માઇક્રોવેવ જોઉં ત્યારે-ત્યારે મને યાદ આવે છે.
બન્યું એમાં એવું કે હું ઘરમાં એકલો હતો અને મારે મારા જમવાની વ્યવસ્થા કરવાની હતી. બહારથી આવ્યો ત્યારે હું પાર્સલ સાથે લઈને આવ્યો અને પછી ફ્રેશ થઈ મેં કન્ટેનર માઇક્રોવેવમાં ગરમ કરવા માટે મૂક્યું. હું બિલકુલ ભૂલી ગયો કે ખાવાનું કાઢીને અવનની પ્લેટ કે પછી અવનમાં યુઝ કરી શકાય એ બાઉલમાં લેવાનું હોય. મેં તો બહારથી આવેલા કન્ટેનરને જ માઇક્રોવેવમાં મૂકી દીધું અને પંદર-વીસ સેકન્ડમાં તો એ પેપરબાઉલ માઇક્રોવેવમાં ઓગળવાનું શરૂ થયું. ફટાફટ માઇક્રોવેવ બંધ કર્યું અને બાઉલ બહાર કાઢી લીધું. સમજી ગયો કે હવે આ ખાઈ શકાશે નહીં એટલે નૅચરલી મેં એ ફેંકી દીધું પણ એ દિવસથી એ વાત બરાબર મનમાં સ્ટોર થઈ ગઈ કે માઇક્રોવેવમાં કંઈ પણ મૂકતી વખતે ચેક કરી લેવું કે એના માટે વપરાયેલું વાસણ કયું છે.
હું માનું છું કે લોકોને બેઝિક ફૂડ બનાવતાં આવડવું જ જોઈએ. મારી વાઇફ બહુ સારી કુક છે. તમને એક વાત કહું. હમણાં લૉકડાઉનમાં મારો બર્થ-ડે ગયો ૧૧મી જૂને. એ દિવસે ઈશિતાએ ફાઇવસ્ટાર હોટેલમાં હોય એટલી વરાઇટીઓ બ્રેકફાસ્ટમાં મારા માટે બનાવી હતી. હું લિટરલી સ્તબ્ધ થઈ ગયો હતો કે આટલું બધું કેવી રીતે બનાવી શકાય, પણ તેણે બનાવ્યું. લૉકડાઉન હજી આમ તો ચાલુ જ છે અને આ વર્ષે તો નવરાત્રિ પણ થાય એમ છે નહીં એટલે મેં નક્કી રાખ્યું છે કે હું બેથી ત્રણ શાક બનાવતાં શીખીશ. મને ડિઝર્ટ બહુ ભાવે છે એટલે મેં સ્મૂધી બનાવવાનું પણ નક્કી કર્યું છે. સ્મૂધી હું રૂટીનમાં પણ બનાવતો હોઉં છું પણ આ વખતે નવા એક્સપરિમેન્ટ્સ સાથે મારે એ બનાવવી છે અને આ સિવાય મને આપણા રોટલા બનાવતાં શીખવું છે.
લેટ્સ સી, કેવા બને છે રોટલા.

તમે ક્યારેય લેઝ સૅન્ડવિચ ખાધી છે?
હા, આપણી જે લેઝ ચિપ્સ આવે છે એ ચિપ્સ નાખેલી સૅન્ડવિચની વાત કરું છું. બ્રાઉન બ્રેડમાં ગ્રેટેડ ચીઝ નાખીને એની ઉપર ચિપ્સ પાથરીને એની ઉપર ચિલી ફ્લેક્સ અને હર્બ્સ નાખી દેવાના. એ પછી બ્રાઉન બ્રેડને ગ્રિલ કરવા મૂકી દેવાની. બરાબર ગ્રિલ થઈ જાય એટલે મેલ્ટ થયેલું ચીઝ અને ચિપ્સની ક્રન્ચીનેસ એકબીજામાં એવા તે મર્જ થઈ જાય છે કે મજા પડી જાય. મેં સૉલ્ટેડ ચિપ્સ વાપરેલી, તમે બીજી ચિપ્સ પણ ટ્રાય કરી શકો છો.
એ ઉપરાંત મેં બર્મીઝ ખાઉસે પણ બનાવેલું, જે રેસ્ટોરાં કરતાંય મસ્ત બન્યું હતું.