તમે ફિરફિર, સમ્બુસા, ફલસોલિયા ખાધું છે?

06 February, 2020 04:29 PM IST  |  Mumbai Desk | Sejal Patel

તમે ફિરફિર, સમ્બુસા, ફલસોલિયા ખાધું છે?

જો તમે ફૂડી હશો તો મુંબઈમાં ઇટાલિયન, મેક્સિકન, લેબનીઝ, થાઇ, જૅપનીઝ, રશિયન એમ જાતજાતનું ક્વિઝીન ખાધું હશે, પણ શું તમે ઇથિયોપિયન ક્વિઝીન ખાધું છે? મોટા ભાગે તમારો જવાબ નામાં જ હશે. ચાલો, આજે મુંબઈના એકમાત્ર ઇથિયોપિયન કૅફેમાં જઈએ. અહીં માત્ર ફૂડની જ નહીં ઇથિયાેપિયન ફૂડ-કલ્ચરની પણ વાતો મજાની છે. વેલ, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી કે અહીં વેજિટેરિન ફૂડ મળશે કે નહીં. અહીં માત્ર અને માત્ર વેજિટેરિયન ફૂડ જ મળશે. અને જૈન ઑપ્શન પણ ખરો. એનું કારણ એ છે કે આ કૅફેના જનક છે ગોંડલના કાઠિયાવાડી પિતા-પુત્રી મહેન્દ્ર દામાણી અને ચાર્મી દામાણી.
કૅફે એકદમ નાનુંમજાનું છે. ગણીને સાત-આઠ ટેબલ્સ છે, પરંતુ ચોમેરની દિવાલો ઇથિયોપિયન કલ્ચરની ઝાંખી કરાવે એવી છે. જાણે લિટરલી ઇથિયોપિયન કલ્ચરલ મ્યુઝિયમ જ જોઈ લો. મૂળે સ્થાનિક ઇથિયોપિયન લોકોમાં ક્રિશ્ચિયનોની સંખ્યા વધારે છે, પરંતુ ત્યાં વેપાર અર્થે ગુજરાતીઓની સંખ્યા પણ ઘણી મોટી છે. મહેન્દ્ર દામાણી લગભગ ચાર-પાંચ દાયકાથી ઇથિયોપિયા, સોમાલિયા અને જિબૂટી જેવાં પૂર્વ આફ્રિકાના દેશો સાથે ટેક્સ્ટાઇલ એક્સપોર્ટનું કામ કરે છે. લગભગ અડધું-પોણું વર્ષ ઇથિયોપિયામાં જ રહેવાનું થાય. વર્ષોથી એ જ કલ્ચરમાં રહેવાને કારણે મહેન્દ્રભાઈને જ્યારે મુંબઈ પાછા આવે ત્યારે ઇથિયોપિયાનું ફૂડ સાંભરે અને અહીં તો દૂર-દૂર સુધી કંઈ જ ઇથિયોપિયા જેવું મળે જ નહીં. દીકરી ચાર્મીએ ત્યાંની વાનગીઓ બનાવતાં શીખી લીધેલી એટલે ઘરે બધું જ બને.

સ્ટાર્ટર તરીકે લેન્ટિલ સમ્બુસા અને ગ્વાવા જૂસનો ઑર્ડ આપીને અમે વાતો આગળ ચલાવી. આ કૅફે શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એની વાત કરતાં ચાર્મી આગળ કહે છે, ‘અમે ઘરમાં તો જોઈએ એ બનાવી લઈએ, પણ પછી વિચાર આવ્યો કે પપ્પા જો આ ફૂડ મિસ કરે છે એમ ઇથિયોપિયાથી કામસર અહીં જે લોકો આવે છે તેમને પણ પોતાનું ઘરનું ફૂડ કેટલું મિસ થતું હશે? એટલે જ પપ્પાએ મને ત્યાંનું લોકલ ફૂડ અહીં સર્વ કરી શકાય એવું કૅફે ખોલવાની પ્રેરણા આપી. મારા ફિયાન્સેએ પણ એમાં સાથ આપ્યો અને એમાંથી શરૂ થયું આ નવું વૅન્ચર.’

આ કૅફેમાં એકપણ ઇથિયોપિયન શેફ નથી. બધું જ ચાર્મીની રેસિપીથી બને છે. રસોઈયાઓ બંગાળી અને સ્થાનિક મુંબઈના જ છે. ઘણો સમય ગોંડલ, રાજકોટ અને મુંબઈમાં રહેલી ચાર્મીના હાથમાં ઇથિયોપિયાનો સ્વાદ એટલો મજાનો બેસી ગયો છે કે મુંબઈની ઇથિયોપિયન એમ્બસીના અધિકારીઓએ પણ અહીંના ફૂડને તેમના દેશનું ઑથેન્ટિક ફૂડ ગણાવ્યું છે. ચાર્મી કહે છે, ‘ત્યાંની ખાસિયત કહેવાય એવા ઘણાબધા પલ્સીસ, ટેફ જેવું ગ્રેઇન અને મસાલા અહીંના લોકલ માર્કેટમાં મળતા નથી, પરંતુ પપ્પાને કારણે ઘણી ચીજો ત્યાંથી મગાવવામાં તકલીફ નથી પડતી.’

એટલામાં જૂસ અને સમ્બુસા આવી ગયા. મસૂરની દાળને પલાળીને બાફીને એનું પૂરણ ભરીને આપણા સમોસા જેવી જ આઇટમ. જોકે મસાલા થોડાક જુદા હોવાને કારણે સ્વાદ જુદો પડે. અહીંના મસાલામાં બે પ્રકારનાં મરચાં બહુ વપરાય. મીતા નામનું મરચું ખૂબ તીખું હોય જ્યારે બરબરે ઓછું તીખું હોય અને એમાં લવિંગ, તજ જેવાં તેજાના પણ મિક્સ કરેલાં હોય. આ ક્વિઝીનમાં કાળાં મરીનો ઉપયોગ પણ છૂટથી થાય. ગ્વાવા જૂસના ગ્લાસની કિનારી પર નમક અને બરબરેની રિન્ગ બનાવેલી એને કારણે જામફળની મીઠાશ અને નમક-મરચાંની તીખાશથી તરસ છીપાવવા માટે પર્ફેક્ટ પીણું લાગ્યું.

આફ્રિકન દેશોની ખાવાપીવાની પોતાની આગવી શૈલી હોય છે. એ શૈલી અહીં પણ જોવા મળશે. ઇથિયોપિયામાં પરિવારજનો એકસાથે જમવા બેસે. એ માટે વાંસનું એક મોટું ટોપલી જેવું હોય છે જેને મેસોબ કહેવાય છે. આ મેસોબની ફરતે બધા લોકો લાકડાની બાજોઠ જેવું લઈને બેસી જાય અને એક જ થાળીમાંથી ખાય. વેજિટેરિયન પ્લૅટરને અહીં બયનેતુ કહેવાય છે. ઇથિયોપિયામાં કેમ વેજિટેરિયન ફૂડ પ્રચલિત છે એનું રાઝ ખોલતાં ચાર્મી કહે છે, ‘એ વાત સાચી છે કે ત્યાંના લોકો ખૂબ મીટ ખાય છે. લિટરલી કાચું મીટ પણ ખાય. જોકે ત્યાં ખાસ ફાસ્ટનું પણ બહુ મહત્ત્વ છે. એને કારણે વર્ષમાં લગભગ બે મહિના જેટલો સમય એવો હોય છે જેમાં તેઓ ઉપવાસ કરે. આ ઉપવાસમાં ઑન્લી વેજિટેરિયન ફૂડ ખાવાનું. ત્યાં કોઈ પણ જગ્યાએ જઈને તમે કહો કે ફાસ્ટ માટેનું ફૂડ આપો તો એ વેજિટેરિયન જ હશે.’

ઇથિયોપિયામાં ગ્રીન વેજિટેબલ્સ બહુ ઓછા મળે છે, પરંતુ પલ્સીસ અને ધાન્યમાંથી અવનવી વાનગીઓ બને છે. અહીંનું સ્ટેપલ ફૂડ છે ઇન્જેરા. આ વાનગી આમ તો ટેફ નામના ધાન્યમાંથી બને, પરંતુ ભારતમાં આ ધાન્ય ઇમ્પોર્ટ કરવાની છૂટ નથી એને કારણે અહીં જુવાર-બાજરી અને રાગીના લોટમાંથી ઇન્જેરા બને. આ ઇન્જેરા આપણા સાઉથ ઇન્ડિયન ઢોસા જેવું હોય, પરંતુ ઓરિજિનલી એ બહુ જ ખાટો હોય. કેમ કે આ માટેનું ખીરું એકાદ દિવસ માટે નહીં, અઠવાડિયાંઓ સુધી આથવા મૂકવામાં આવેલું હોય. એને કારણે આથાવાળા પાતળા ખીરાને ઢોસાની જેમ પાથરો એટલે જાળીવાળો જાડો ઇન્જેરા બને.

ઇથિયોપિયન મેઇન ડિશની તમામ વાનગીઓ ટ્રાય કરી શકાય એ માટે અમે બયનેતુ પ્લૅટર ટ્રાય કર્યું. વાંસના મેસોબની અંદર મોટી થાળીમાં લગભગ પચીસેક વાનગીઓ સજાવીને આવી. લાલ, લીલો, પીળો, સફેદ એમ દરેક રંગનું ફૂડ એમાં હતું. નાસ્તામાં ખવાતું ફિરફિર પણ એમાં હતું અને શાકભાજીમાંથી બનતા ડિબ્લિક અને ફસોલિયા જેવી વાનગીઓ પણ હતી. આ થાળીમાં બધી જ વાનગીઓને મસ્ત સજાવેલી હતી. કિનારી પર પીત્ઝાની જેમ ઇન્જેરાનો રોલ હતો. એ રોલમાંથી બટકું કાપીને તમે દરેક વાનગીઓ ટેસ્ટ કરી શકો. બેસનમાંથી બનતો સ્પાઇસી શીરો ઇથિયોપિયાની રોજિંદી ડિશ છે. કોબી-બટાટા-ગાજરનું શાક ટકલ ગોમેન તરીકે ઓળખાય છે. મસૂરની દાળને વાટીને એમાંથી લાલ મરચા સાથે તીખી ચટણી જેવું બનાવવામાં આવે છે એને કેમિસર કહેવાય. મશરૂમ ટિબ્સ, અતરકેક, બીટ-ગાજરની લાંબી ચીરીઓને આદું-લસણની પેસ્ટમાં મેરિનેટ કરીને તૈયાર કરેલું કેમિસર ટિબ્સ પણ મજાનું હતું. સૂકા વટાણાની દાળનો લચકો યુનિક હતો. જોકે બેસ્ટ તો ડિબ્લિક હતું જેમાં ગાજર, બટાટા, ઝુકિની અને ફણસીનું શાક જેવું હતું. ફલસોલિયા તરીકે ઓળખાતું ફણસી, ગાજર, લસણ અને બટાટાનું કાચુંપાકું શાક હતું. આ બધી જ આઇટમો ઇન્જેરા એટલે કે આથેલી રોટલી સાથે ખાવાની. વઘારેલી રોટલીની જેમ ભારોભાર કાંદા, તેલ અને બરબરેવાળી ચોળેલી ઇન્જેરા અહીં નાસ્તામાં ખવાતી હોય છે જેને ફિરફિર કહે છે. જો તમારી જીભ નવો ટેસ્ટ સ્વીકારવા તૈયાર હોય તો જરૂર આ નવી
વાનગીઓ ભાવશે.

mumbai food indian food Gujarati food