અમારે ત્યાં બપોરે RDBS જ બને: માનસી પારેખ

19 February, 2020 05:18 PM IST  |  Mumbai | Rashmin Shah

અમારે ત્યાં બપોરે RDBS જ બને: માનસી પારેખ

માનસી પારેખ

‘કસૌટી ઝિંદગી કી’, ‘ઇન્ડિયા કૉલિંગ’ અને ‘સુમિત સબ સંભાલ લેગા’ જેવી અનેક ટીવી-સિરિયલ કરી ચૂકેલી માનસી પારેખ-ગોહિલ થોડા સમય પહેલાં વિકી કૌશલ સાથે ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં જોવા મળી હતી તો પહેલી ગુજરાતી વેબ સિરીઝ ‘ડુ નૉટ ડિસ્ટર્બ’ કરવાનો જશ પણ માનસીના ફાળે જાય છે. આવતા દિવસોમાં માનસી ‘ગોળકેરી’ નામની પોતાની પહેલી ગુજરાતી ફિલ્મમાં પણ જોવા મળશે. માનસીને જમવા કરતાં જમાડવામાં વધારે ખુશી મળે છે. તેને શું બનાવતાં આવડે, શું ભાવે અને તેના હાથનું બીજાને શું ભાવે એ બધી જ વાતો સાથે તેણે શરૂઆતમાં કિચનમાં વાળેલા છબરડાની વાતો પણ રશ્મિન શાહ સાથે શૅર કરી હતી એ તેના જ શબ્દોમાં જાણીએ.

ફૂડ મારા માટે સ્પેશ્યલ છે અને ફૂડ-મેકિંગ સાથે મારું એ હદ સુધી ડીપ કનેક્શન છે કે દિવસમાં એક વાર તો હું જાતે કુક કરું જ કરું. આના માટે મારી આદત જવાબદાર છે કે પછી આ મારી હૉબી છે કે પછી આવશ્યકતા એના પર મેં ક્યારેય ફોકસ નથી કર્યું, પણ હા, એટલું કન્ફર્મ કે ફૂડ-મેકિંગ મારા માટે અટમોસ્ટ પ્રાયોરિટી છે. આનું જો શ્રેય મારે કોઈને આપવાનું હોય તો હું એ મારી મમ્મી મનીષા પારેખને આપીશ. મમ્મી એવું દૃઢપણે માને કે દીકરીઓને કુકિંગ આવડવું જ જોઈએ. આત્મનિર્ભરતાની દૃષ્ટિએ કે પછી હોમ-મેકિંગના પૉઇન્ટ ઑફ વ્યુથી પણ કુકિંગ આવડવું જોઈએ એ વાત મને હું દસેક વર્ષની હોઈશ ત્યારે જ તેમણે સમજાવી દીધી હતી. આ જ એજ પર મને કુકિંગ શીખવવાનું પણ તેમણે શરૂ કરી દીધું હતું. મમ્મીનો એક સ્વભાવ મને આજે પણ એકદમ યાદ છે. તેમને જમવા કરતાં જમાડવું બહુ ગમે. જમીએ અમે બધાં અને એનો ઓડકાર મમ્મીને આવે. આ જ કારણે માને અન્નપૂર્ણા કહેવામાં આવી હશે. અમુક દિવસોમાં તો મમ્મી મને અચૂક યાદ આવે. હમણાં ઉત્તરાયણ ગઈ ત્યારે મને જાગતાંની સાથે જ મમ્મી યાદ આવી ગઈ હતી. એ દિવસે મમ્મીએ ચાલીસ કિલો જેટલું ઊંધિયું બનાવ્યું હતું અને અમારાં બધાં સગાંઓને ત્યાં તેમણે મોકલ્યું હતું.

મમ્મીને ગુજરાતી, થાઇ, લેબનીઝ, ચાઇનીઝ, ઇટાલિયન, કૉન્ટિનેન્ટલ એમ બધાં ક્વીઝિન આવડે. સ્વીટ્સ પણ બહુ સરસ બનાવે. હું આ બધું મારાં મમ્મી પાસેથી શીખી છું. ખવડાવીને ખુશ થવાનો સ્વભાવ મને મમ્મીમાંથી આવ્યો છે. નાની હતી ત્યારથી જોતી કે કોઈ પણ પ્રસંગ હોય, મમ્મી તરત જ બધાને ઘરે બોલાવે અને મસ્ત જમવાનું બનાવે. પ્રસંગ કોઈ પણ અને કોઈનો પણ હોય, પણ મમ્મી બોલાવે એ સૌને અમારા ઘરે. આ સ્વભાવ મારો બની ગયો હોવાથી હવે બને છે એવું કે કામની કે પછી અગત્યની મીટિંગ હોય તો એ અમારા ઘરે જ રાખવામાં આવે, પાર્ટીની બેસ્ટ પ્લેસ પણ જો અમારા સર્કલમાં કોઈ હોય તો એ અમારું ઘર. ગુજરાતીમાં કહેવત છેને, જેનાં અન્ન ભેગાં એનાં મન ભેગાં. અમારા બધા માટે પણ આ જ વાત લાગુ પડે છે. બધા અમારે ત્યાં મળીએ અને બધા માટે જમવાનું બનાવવું મને ગમે પણ ખરું.

મારા દિવસની શરૂઆત મોસ્ટલી કુકિંગથી જ થાય છે. સવારે ફ્રેશ થઈ પહેલાં વર્કઆઉટ અને પછી સીધી કિચનમાં. મેં તમને કહ્યું એમ, દિવસમાં એક વાર મારે કુક કરવાનું એવો નિયમ મેં બનાવ્યો છે. વર્કિંગ વુમને આવો નિયમ રાખવો જોઈએ, જેથી ઘર સાથે તેનું કનેક્શન સ્ટ્રૉન્ગ્લી જોડાયેલું રહે. જો સવારમાં ક્યાંય બહાર ન જવાનું હોય તો લંચ મેં તૈયાર કર્યું હોય. વર્ષોથી અમારે ત્યાં બપોરે RDBS જ બને. RDBS એ કોઈ ક્વીઝિન કે નવી વરાઇટી વાનગી નથી પણ અમારું શૉર્ટ ફૉર્મ છે. રોટલી, દાળ, ભાત, શાક એટલે RDBS.

સાંજના ફૂડમાં કંઈ પણ ચાલે, કંઈ પણ એટલે કંઈ પણ. ચાઇનીઝ, ઇટાલિયનથી લઈને પાસ્તા-પીત્ઝા, પાણીપૂરી, વડાપાંઉ, મિસળ, ઉસળ, સાઉથ ઇન્ડિયન સુધીનું કંઈ પણ ચાલે; પણ બપોરે જમવામાં અમને ગુજરાતી જોઈએ. તમે પણ તમારા એક્સ્પીરિયન્સને યાદ કરશો તો ખ્યાલ આવશે કે આપણને આપણા ગુજરાતી ફૂડ જેવો સંતોષ બીજા કોઈ ફૂડમાં નથી થતો. ગરમાગરમ રોટલી, આપણી તુવેરની દાળ, ભાત અને તીખુંતમતું શાક. ખરેખર મજા આવી જાય. એક વાત કહું તમને. મને નૉર્મલ તીખાશ કરતાં વધારે તીખું જોઈએ. સ્વીટ પણ ભાવે અને તીખાશ પણ ભાવે. બપોરના વ્યવસ્થિત જમી લીધા પછી સાંજે કે રાતે બીજાં ક્વીઝિન ટ્રાય કરવાં ગમે અને અમે એવું જ કરીએ.

ફૂડ માટે મારું ગાંડપણ પણ એવું છે. કામને લીધે દુનિયા આખીમાં ફરવાનું થાય એટલે જ્યાં પણ જવાનું બને ત્યાંની લોકલ આઇટમ અને ફેમસ વરાઇટી ખાવાનું રાખું અને સાચું કહું તો માત્ર કામને કારણે કોઈ મનગમતી વરાઇટી ટ્રાય કરી હોય એવું નથી. અમે તો માત્ર ટેસ્ટ કરવા પણ બહારગામ ગયાં હોઈએ એવું પણ બને. હમણાંની વાત કરું તો અમે આમ જ વાત કરતાં હતાં. અમદાવાદના ફૂડની વાત નીકળી. અમને મન થઈ ગયું અને બીજા દિવસે કોઈ ખાસ કામ નહોતું એટલે અમે તો રવાના થયાં અમદાવાદ. સવારના નાસ્તાથી ડિનર અને છેલ્લે પાન સુધીની બધી આઇટમ જમીને અમે પાછાં આવ્યાં. સુરત પણ અમે ખાસ ત્યાંની વરાઇટી ખાવા માટે ગયાં છીએ. આને અમે ફૂડ ટ્રિપ કહીએ છીએ. સુરતની ફૂડ ટ્રિપમાં અમે આલૂ પૂરી, લોચો, ઊંધિયું, ભજિયાં, પોંક, સેવખમણી બધું મન ભરીને ખાધું.

જમવાનું બનાવવા જતાં મેં બ્લન્ડર નથી માર્યાં પણ હા, ક્યારેક કોઈ નાનકડી ભૂલ થઈ હોય એવું બન્યું છે. અત્યારે મને એક કિસ્સો યાદ આવે છે. ૧૪-૧પ વર્ષની એજ હશે ત્યારે મારા ભાગે દાળભાત બનાવવાનું આવ્યું હતું. મમ્મી અમને ટ્રેઇનિંગ આપતી એટલે મોટા ભાગનાં કામો આવડી ગયાં હોય એવું મને લાગતું હતું. કુકર મૂકતાં મને આવડી ગયું છે એવું મેં તો કહી દીધું અને મારો કૉન્ફિડન્સ જોઈને મમ્મીએ પણ ધારી લીધું કે દીકરી કહે છે તો આવડી જ ગયું હશે. બધી તૈયારી કરીને મેં દાળ અને ચોખા કુકરમાં મૂક્યાં અને કુકર ચૂલા પર મૂક્યું. થોડી વારમાં દાળ-ચોખા બફાઈ જશે એવું ધારીને હજી તો બેઠી હતી ત્યાં તો કુકરનું ઢાંકણું હવામાં ઊડ્યું અને આખું કિચન દાળ-ચોખાથી ભરાઈ ગયું. મારી લાઇફનો આ સૌથી મોટો ફિયાસ્કો કહી શકાય.

એક વાર એવું પણ બન્યું કે મારે ઘરે બ્રેડ બનાવવી હતી. સાતેક વર્ષ પહેલાંની વાત છે. ગ્લુટન-ફ્રી બ્રેડ બનાવવાનો વિચાર કરીને મેં તો બાજરો-જુવાર બધું ભેગું કરીને સરસ મજાની બ્રેડ બનાવવા અવનમાં બધું મૂક્યું. ઘરે ફ્રેન્ડ્સ આવ્યા હતા એટલે તે પણ આ બ્રેડ ટેસ્ટ કરવા વેઇટ કરતા હતા. મારી રસોઈ સારી થાય અને ગુજરાતીથી માંડીને મહારાષ્ટ્રિયન, થાઇ, ચાઇનીઝ, લેબનીઝ વરાઇટીઓ આવડે એટલે કોઈને ડાઉટ નહોતો મારા પર કે મારા હાથથી કંઈ બગડે. પણ એ દિવસે કોણ જાણે શું થયું કે બ્રેડ બેક થઈ પણ એવી કે જાણે પથ્થર. કાં તો એને હથોડીથી તોડવી પડે અને કાં તો તમારે એ ફેંકી દેવી પડે. જો ભૂલથી પણ સીધી એ ચાવવાની ટ્રાય કરી તો દાંત તૂટે પણ બ્રેડ નહીં. ફ્રૅન્ક્લી સ્પીકિંગ, એમાં મારો કોઈ વાંક નહોતો. પહેલી વારનો અટેમ્પ્ટ અને એ પણ ગ્લુટન-ફ્રી બ્રેડનો. રાહ જોતા ફ્રેન્ડ્સે બ્રેડની હાલત જોઈ એ ખાવાની હિંમત ન કરી. પણ હા, એ બ્રેડ અમારા બધા માટે કૉમિકનું સાધન ચોક્કસ બની. અમે બધા આજે પણ મળીએ છીએ ત્યારે આ બ્રેડ એક્સ્પીરિયન્સ પર બહુ હસીએ છીએ.

મારું મિસળ બેસ્ટમ‍‍‍‍‍‍‍‍બેસ્ટ બને છે

મારી સ્પેશ્યલિટીની વાત કહું તો એમાં ધાનસાક, મિસળ, બ્રાઉન રાઇસ આવે. આ બધી વરાઇટી બહુ સરસ આવડે છે મને બનાવતાં તો મિસળ માટે તો મને મહારાષ્ટ્ર સરકાર પણ અવૉર્ડ આપે એવું સરસ બને છે. મિસળ આમ તો જેમ રેગ્યુલર સ્ટાઇલ છે એમ જ બનાવું છું પણ મારી રેસિપી જરા એવી છે કે એને લીધે થોડો કુકિંગ ટાઇમ વધારે લાગે છે.

હું બધાં કઠોળને અલગ-અલગ ટ્રીટ કરું, કારણ કે મગ અને મઠને બફાતાં વધારે વાર નથી લાગતી પણ સફેદ અને કાળા ચણાને વધારે સમય જોઈએ એટલે હું બધાં કઠોળ અલગ-અલગ રીતે પ્રિપેર કરી પછી એને મિક્સ કરું. મોટા ભાગે બહારના મિસળમાં બધું સાથે જ તૈયાર થતું હોય છે એટલે કાં તો મગ અને મઠ પાણી જેવાં થઈ ગયાં હોય અને કાં તો ચણા કાચા રહી ગયા હોય. મારા મિસળમાં બધાં કઠોળ તૈયાર કરી પછી એને મિક્સ કરવાનાં અને એ પછી ગ્રેવી માટે સૂકું કોપરું, લસણ, કાંદા અને ખડો મસાલો બધું એકરસ કરી એની પેસ્ટ બનાવું. લાલ મરચું અને લીલાં મરચાં નાખવાનાં, પણ એ તીખાશની જરૂરિયાત મુજબ નાખવાનાં. જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે મરચી પણ નાખી શકો. ટુકડા કરીને નાખશો તો મિસળનો સ્વાદ જુદો થઈ જશે. એક ઍડ્વાઇસ હું આપીશ. કઠોળ તૈયાર થયા પછી એમાંથી પાણી નહીં કાઢી લેતા, કારણ કે સાચું પોષણ અને કઠોળના બધા ગુણ એ પાણીમાં હોય છે. ગ્રેવી માટે તૈયાર કરેલી પેસ્ટ, કઠોળ અને એનું પાણી આ બધું મિક્સ કરીને મિસળ તૈયાર કરવાનું. મેં કહ્યું એમ મિસળમાં તીખાશ હશે તો વધારે મજા આવશે અને આ તીખાશ કેવી રીતે ઍડ કરવી છે એ તમારે નક્કી કરવાનું છે. લાલ મરચાથી કે પછી હરી મિરચીથી, તમને જે ભાવે એ તમે એમાં ઉમેરી શકો. મિસળ સાથે પાંઉ ખાવાની મજા આવે. ગુજરાતમાં અમુક જગ્યાએ બ્રેડ આપે છે તો રાજકોટમાં મિસળ સાથે રોટલી પીરસાતી પણ જોઈ છે, પણ ઑથેન્ટિક ટેસ્ટ તો મિસળ અને બ્રેડમાં જ આવે.

manasi parekh Gujarati food indian food Rashmin Shah