એવો એકેય કલાપ્રેમી નહીં હોય જે મુંબઈની આ ખાસ જગ્યાએ નહીં ગયો હોય

19 September, 2019 03:59 PM IST  |  મુંબઈ | કૅફે કલ્ચર - દિવ્યાશા દોશી

એવો એકેય કલાપ્રેમી નહીં હોય જે મુંબઈની આ ખાસ જગ્યાએ નહીં ગયો હોય

ફૂડ ફન્ડા

જુહુમાં આવેલું પૃથ્વી થિયેટર સંગીત, સાહિત્ય, ક્લાસિક નાટકો, ડૉક્યુમેન્ટરી ફિલ્મો, ઓપન માઇક જેવી રચનાત્મક પ્રવૃત્તિઓથી ધમધમવા માટે જેટલું જાણીતું છે એટલું જ ફેમસ છે એનું કૅફે. આઇરિશ કૉફીની ચુસકી માણતાં-માણતાં કંઈ કેટલાય સર્જકોની કલમને ક્રીએટિવિટી મળી છે. કલાક્ષેત્રે કંઈક કરવા માગતા નવોદિતો માટે મક્કા ગણાતી આ જગ્યાની કલાથી કૅફે સુધીની યાત્રા પણ મજાની છે

જે વ્યક્તિને નાટકમાં રસ હોય કે પુસ્તકમાં રસ હોય અને કૉફીમાં રસ હોય તો તે વ્યક્તિ મુંબઈમાં આવેલા પૃથ્વી પર જરૂર પહોંચશે. નાટ્યપ્રેમીઓ માટે પૃથ્વી થિયેટર મક્કા સમાન છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી. એક એવું સ્થળ કે જ્યાં ક્રીએટિવ વ્યક્તિને પ્રેરણા મળી શકે. વિલે પાર્લે (વેસ્ટ)ના જુહુ વિસ્તારમાં આવેલી જાનકી કુટિરમાં આવેલું પૃથ્વી થિયેટર સ્વ. પૃથ્વીરાજ કપૂરનું સપનું હતું જે શશી કપૂર અને તેમના પત્ની જેનિફર કપૂરે પૂરું કર્યું. નાટકને વરેલા પૃથ્વીરાજ કપૂરે જમીન લીઝ પર લઈ રાખી હતી. લીઝ પૂરી થતાં કપૂર ખાનદાને એ ખરીદી લીધી. ૧૯૪૨ની સાલથી પૃથ્વી થિયેટર કે જે પ્રવાસ કરતું રહીને નાટકો કરતું હતું એને એક જગ્યાએ સ્થિર કરવાની તેમની ઇચ્છા હતી એ છેક ૧૯૭૮ની સાલમાં પૂરી થઈ. કુણાલ કપૂર જેઓ થિયેટરના એક ટ્રસ્ટી છે તેઓ જણાવે છે કે પિતા શશી કપૂર અને માતા જેનિફરની ઇચ્છા હતી કે લંડનના નૅશનલ થિયેટર જેવું એક થિયેટર મુંબઈને મળે કે જ્યાં લોકો આખો દિવસ પસાર કરી શકે. અહીં બારેમાસ દરરોજ નાટકો તો થાય જ છે, પણ એ સિવાય બીજી પણ અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે. સિમ્ફની ઑર્કેસ્ટ્રા, ડૉક્યુમેન્ટરી ફિલ્મો, મહેફિલ કે જ્યાં ઉર્દૂ સાહિત્યની ચર્ચા-રજૂઆત થાય, ઓપન માઇક વગેરે અનેક સ્તરે સતત રચનાત્મક પ્રવૃત્તિઓ થતી રહે છે. જોકે આ પ્રવૃત્તિઓનો પણ એક સ્તર સતત જળવાઈ રહે એનો ખ્યાલ રાખવામાં આવે છે એવું કુણાલ કપૂર જણાવતાં કહે છે કે કૅફે પણ મોંઘી નહીં પણ લોકોને પરવડે તેમ જ એ પણ થિયેટરનો ભાગ જ બની રહે એનું ધ્યાન રાખીને ચલાવવા આપીએ છીએ. પછી અટકીને ઉમેરે છે કે થિયેટરમાં સસ્તી ટિકિટ રાખવી અને આખા પરિસરનું મેઇન્ટેનન્સ કાઢવા માટે પણ કૅફેને વિસ્તારવી પડી. એ છતાં અમે ગુણવત્તામાં કોઈ બાંધછોડ નથી કરવા દેતા. પૃથ્વી થિયેટર ખૂબ ઊંચા આદર્શ સાથે શરૂ થયું છે, એને બરકરાર રાખવાનું આજના જમાનામાં સહેલું નથી પણ અમે પ્રયત્ન કરીએ છીએ. એમાં સરકારની કે બીજા કોઈની જ મદદ હજી સુધી નથી લીધી.

થિયેટરની બહાર ગાર્ડન કૅફેમાં શરૂઆતમાં ફક્ત ચા-કૉફી જ પિરસાતાં હતાં. ધીમે-ધીમે કૅફેમાં નાસ્તો પણ પિરસાવા લાગ્યો. આજે ત્યાં ફુલફ્લેજ્ડ રેસ્ટોરન્ટ ચાલી રહી છે એવું કહી શકાય. પરિસરમાં જ એક ખૂણામાં પેપરબૅક બુકસ્ટોર છે જ્યાં પૉપ્યુલર નહીં પણ સિલેકટેડ, સહેલાઈથી ન મળે એવાં સાહિત્યનાં પુસ્તકો મળે છે. મન થાય તો એક બુક ખરીદીને બાજુમાં જ આવેલી કૅફેમાં કડક, સુલેમાની કે કાવા કે પછી પૃથ્વીની પ્રસિદ્ધ આઇરિશ કૉફી પીતાં-પીતાં વાંચી શકો. નાટક જોવા જાઓ કે સિમ્ફનીનો આનંદ ઉઠાવ્યા બાદ સરસ કૉફી ને નાસ્તો કે પછી ભોજન જ કરી શકાય. હવે અહીં દરેક પ્રકારની વાનગી મળે છે પણ પૃથ્વી કૅફેની આઇરિશ કૉફી લોકપ્રિય છે એવું કહી શકાય. મુંબઈ બહાર રહેતા કેટલાય નાટ્યપ્રેમીનું સપનું હોય છે કે એક વાર પૃથ્વી થિયેટરમાં નાટક જોવું અને આઇરિશ કૉફી પીવી. આઇરિશ કૉફીમાં આમ તો બ્લૅક કૉફીમાં આઇરિશ વ્હિસ્કી, સાકર અને વિપ્ડ ક્રીમ હોય છે એટલે કે આ કૉફી આલ્કોહૉલિક પીણું છે; પણ હવે અહીં પૃથ્વી કૅફેમાં ફક્ત એની ફ્લેવર ઉમેરાય છે, આલ્કોહૉલ નહીં. એ છતાં આઇરિશ કૉફી એક વાર પીવા જેવી છે. કૉફી ન ભાવતી હોય તો બીજાં પીણાં તો છે જ, પણ કાશ્મીરી કાવા પણ અદ્ભુત સ્વાદ ધરાવે છે. અહીં બમ્બૈયા સ્ટાઇલના ગ્લાસમાં ચા અને બન મસકા પણ મળે છે. ૨૪ રૂપિયાની ચા અને ૪૦ રૂપિયાના બન મસ્કા અને નાટકોના ક્રીએટિવ પોસ્ટરો સહિતનો તરવરાટભર્યો માહોલ મફતમાં. જોકે આઇરિશ કૉફી ૧૪૦ રૂપિયાની છે.

પૃથ્વી થિયેટરના પરિસરમાં પ્રવેશતાં જ તમને અહીંના વાઇબ્રેશન અસર કરે જ. મનની બંધિયારતાને તોડીફોડીને અહીંનો તરવરાટ તમને રચનાત્મકતાની દુનિયામાં જવા મજબૂર કરે. એક જમાનો હતો કે કોઈ ખૂણામાં સત્યદેવ દુબે બેસતાં અને તેની પાસે નાટક શીખવા માગતા અનેક નવ યુવાનો આવતા. નાટકોની વાતો કરતાં અનેક જાણીતા અજાણ્યા ક્રીએટિવ વ્યક્તિત્વો હજી પણ આસપાસ બેઠેલા હોઈ શકે. કૅફેમાં બે વ્યક્તિઓ ૫૦૦ રૂપિયામાં પેટ ભરીને જમી શકે છે. શનિ-રવિ દરમિયાન અહીં ટેબલ મેળવવા માટે લાઇન લગાવવી પડે. ખાલી ટેબલ મળવું મુશ્કેલ હોવા છતાં લોકોને દસ-પંદર મિનિટ કે અડધો કલાક રાહ જોવામાં વાંધો નથી આવતો. બેઠક વ્યવસ્થા એકદમ હટકે  કૅફે સ્ટાઇલ છે. પથ્થરનું ટેબલ, એની આસપાસ પથ્થરની નાની-નાની બેઠક. તમને સતત સતર્ક રાખે. હવે સાઇડમાં લાકડાની બેન્ચ અને ટેબલ પણ મૂક્યાં છે. વરસાદમાં અહીં તાડપત્રી બાંધી હોય નહીં તો ખુલ્લા આકાશ અને વૃક્ષોની નીચે બેસવાનું હોય. પેટ ભરીને ખાવું હોય તો પરાંઠાં મંગાવી શકો. અમૃતસરી કુલચા સાથે દહીં રાઈતું, અથાણું અને છોલે પીરસાય. ચિલી, ચીઝ કે મિક્સ મસાલા પરાઠાં સાથે દાલમખની, દહીં રાઈતું પીરસાય. એક પ્લેટમાં બે મોટાં પરાંઠાં હોય. આ બધામાં તેલ કે ઘી ખૂબ જ ઓછું. હેલ્ધી પંજાબી ભોજનને ખાઈને તમારું પેટ ભરાય ખરું પણ ભારે નહીં થાય કે ન તો ખિસ્સું હળવું થશે. પરાંઠાં થાળી ફક્ત ૧૩૦ રૂપિયામાં. આમ તો અહીં રોજ તાંબાની થાળીમાં આ પીરસાય છે, પણ શનિ-રવિમાં ખૂબ ગિરદી હોય ત્યારે પતરાળીમાં પીરસાય છે. રાજમા-ચાવલ ખાવા હોય તો એ પણ મળે છે. સ્વાદ અસલ પંજાબી. પાંઉભાજી પણ મળે છે. એનો સ્વાદ મુમ્બૈયા હોવા છતાં કંઈક જુદો છે. ટેક્સચર એકદમ ક્રીમી અને સ્વાદિષ્ટ તો ખરું જ. કૉન્ટિનેન્ટલ ખાવું હોય તો પાસ્તા કે હમસની વરાઇટી મંગાવી શકો. જોકે હમસ અહીં થોડું માઇલ્ડ લાગ્યું. એના ગુણધર્મથી થોડું ઓછું લસણ અને ઑલિવ ઑઇલમાં સ્વાદ ઓછો પડ્યો હોય એવું લાગ્યું. પણ પાસ્તા, નાચોઝ અને પીત્ઝા પર પસંદગી ઉતારી શકાય. એ સિવાય કેક્સ, પફ મળે જ છે પણ હેલ્ધી ઑપ્શન પરાંઠાં અને કાવા અને આઇરિશ કૉફી માટે વારંવાર જવા તૈયાર છીએ. 

આ પણ વાંચો : બનાવો જૈન મેક્સિકન ટાકોસ

આઇરિશ કૉફીને પૃથ્વીની કૅ‍ફેના મેનુમાં મૂકવાનો વિચાર આવ્યો ઍડમૅન પ્રહલાદ કક્કરને. વાચકોની જાણ ખાતર પ્રહલાદ કક્કર પોતે ખૂબ સારા કુક છે. તેમણે શરૂઆતમાં પૃથ્વી કૅફેનું મેનુ સેટ કરવામાં મદદ કરી હતી, પણ હવે એમાંથી પરાંઠાં અને આઇરિશ કૉફી જ બચ્યાં છે. દુખદ વાત એ છે કે એક જમાનામાં આ પૃથ્વી કૅફે કલાકારોનું મિલનસ્થાન ગણાતી, પણ હવે યુવાનોની ગિરદી એટલી થાય છે કે કલાકારો માટે કૅફેમાં જગ્યા બચી નથી. શાંતિથી બેસી શકાય, રચનાત્મક કામ કરી શકાય એવું ન રહેવાને કારણે કલાકારોએ અડ્ડો બદલ્યો હોય એવું લાગ્યું. પહેલી વાર જનારા માટે આજે પણ પૃથ્વી હૅપનિંગ પ્લેસ છે, પણ અમારા જેવા જે વરસોથી અહીં જતાં હોય તેમને કંઈક ખૂટતું લાગે. એ શાંત માહોલ જ્યાં કોઈ વાંચતું હોય, લખતું હોય કે ચર્ચા કરતા કલાકારો હોય. આવી બીજી જગ્યાઓ ઊભી થવી જોઈએ એવી કપૂર ખાનદાનની ઇચ્છા છે.

mumbai food