દિવાળીમાં બનાવવા જેવી દિલચસ્પ વાનગીઓ

21 October, 2011 06:22 PM IST  | 

દિવાળીમાં બનાવવા જેવી દિલચસ્પ વાનગીઓ



જાફરાની પનીર બૉલ

સામગ્રી

 

- ૨૦૦ ગ્રામ પનીર
- ૮-૧૦ બદામ
- ૮-૧૦ કાજુ
- ૮-૧૦ પિસ્તા
- ૧૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
- પા ચમચી એલચી પાઉડર
- થોડું કેસર
- એક ચમચી દૂધ
- બરફ


રીત : -

કેસરને થોડા દૂધમાં ઉકાળીને અલગ રાખો. પનીરને ખમણી લો. બદામ, કાજુ અને પિસ્તાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાઉડર બનાવો. એક પૅનમાં કન્ડેન્સ્ડ મિલ્ક ગરમ કરો. કન્ડેન્સ્ડ મિલ્ક બૉઇલ થાય એટલે એમાં ખમણેલું પનીર અને ડ્રાયફ્રૂટ્સનો પાઉડર નાખીને હલાવો. પછી ઓગાળેલું કેસર અને એલચી પાઉડર નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ગૅસ પર હલાવો. હવે એને ગૅસ પરથી ઉતારીને ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લો. ઠંડું થાય એટલે એના બૉલ્સ બનાવી વરખ લગાવી પેપર-કપ્સમાં ગોઠવો અને ઠંડું સર્વ કરો.

ડેટ ઍન્ડ વૉલનટ ઘૂઘરા

સામગ્રી

- લોટ બાંધવા માટે
- એક કપ મેંદો
- બે ચમચા ઓગાળેલું ઘી
- અડધો કપ દૂધ
- તળવા માટે ઘી
- ભરવા માટેની સામગ્રી
- ૧૦૦ ગ્રામ ખજૂર
- ૧૦-૧૨ અખરોટ
- ૫-૬ કાજુ
- ૫-૬ પિસ્તા
- ૬-૮ કિસમિસ
- પા ચમચી એલચી પાઉડર


રીત

એક બાઉલમાં મેંદો લઈ એમાં ઓગાળેલું ઘી મિક્સ કરો. પછી દૂધ નાખીને મિડિયમ લોટ બાંધો. એને થોડું મસળીને અડધો કલાક રહેવા દો. ખજૂરને બારીક સમારો. અખરોટ, કાજુ અને પિસ્તાને અધકચરાં વાટી લો. હવે એક બાઉલમાં ખજૂર, કાજુ-પિસ્તાનો પાઉડર, કિસમિસ અને એલચી પાઉડર મિક્સ કરો. મેંદાના લોટના લૂઆ કરીને નાની પૂરી વણો. એમાં ખજૂરનું સ્ટફિંગ ભરીને ઘૂઘરાની જેમ વાળો. એક કડાઈમાં ઘી ગરમ કરો. તૈયાર કરેલા ઘૂઘરાને એમાં ધીમા તાપે તળો.

સાત પડી ખાજા

સામગ્રી

- બે કપ મેંદો
- પા કપ ઘી
- અડધો કપ દૂધ
- ૬-૮ ચમચી સાકર
- ચાર ચમચા ચોખાનો લોટ
- ચાર ચમચા ઓગાળેલું ઘી
- અડધો કપ દળેલી સાકર
- તળવા માટે ઘી અથવા તેલ


રીત

મેંદાના લોટમાં પા કપ ઘી ઉમેરી મસળો. પછી એમાં દૂધ નાખીને લોટ બાંધો. જોઈએ તો વધારે દૂધ નાખીને નરમ લોટ બાંધો. એને અડધો કલાક રહેવા દો. હવે એના મોટા લૂઆ કરી પાતળી મોટી રોટલી વણીને અલગ રાખો. ચોખાના લોટમાં ગરમ કરેલું ઘી નાખી મિક્સ કરો. હવે વણેલી રોટલી પર ચોખાના લોટનું મિશ્રણ પાથરો. એના પર થોડી સાકર ભભરાવો. એના પર બીજી રોટલી પાથરી ફરીથી ચોખાની પેસ્ટ પાથરો અને ફરી સાકર ભભરાવો. હવે એને ફોલ્ડ કરી થોડું દબાવો અને ચોરસ ટુકડામાં કાપો. એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તરત જ થોડી સાકર ઉપરથી ભભરાવીને પીરસો.

અચારી મલાઈ પૂરી

સામગ્રી

- દોઢ કપ મેંદો
- અડધો કપ રવો
- ત્રણ ચમચા તાજી મલાઈ
- ત્રણથી ચાર ચમચા ઘી
- એક ચમચી ખાટી
- કેરીના અથાણાનો રસો
- એક ચમચી વળિયારીનો પાઉડર
- અડધી ચમચી કલોન્જીનો પાઉડર
- એક ચમચી સાકર
- એક ચમચી લાલ મરચું
- મીઠું અને મરી સ્વાદ પ્રમાણે
- તળવા માટે તેલ


રીત

મેંદાના લોટમાં રવો અને મલાઈ મિક્સ કરો. હવે એમાં ઓગાળેલું ઘી નાખીને મસળો. પછી એમાં કેરીના અથાણાનો રસો, વરિયાળી અને કલોન્જીનો પાઉડર, સાકર, લાલ મરચું, મીઠું અને મરી ઉમેરી જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને કઠણ લોટ બાંધો. એને અડધો કલાક રહેવા દો. હવે એના લૂઆ કરીને રોટલા જેવું વણો. ગોળ કટરથી એકસરખી પૂરીઓ કાપો. એક કડાઈમાં તેલ ગરમ કરી ધીમા તાપે પૂરીઓ કડક થાય ત્યાં સુધી તળો.

બિહારી મીઠા ઠેકુઆ

સામગ્રી

- બે કપ ઘઉંનો લોટ
- ચાર ચમચા તેલ
- અડધો કપ ગોળ
- એક ચમચી તેલ
- એક ચમચી વરિયાળી
- એક ચમચી સૂકું ખમણેલું નાળિયેર
- તળવા માટે તેલ


રીત

ગોળને નાના ટુકડામાં કાપી લો. એમાં થોડું પાણી નાખીને ગરમ કરો. ગોળ ઓગળે એટલે ગૅસ પરથી ઉતારી ગળણીથી ગાળીને અલગ રાખો. હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ એમાં તેલ, તલ, વરિયાળી અને ખમણેલું નાળિયેર નાખી મિક્સ કરો. ગોળના પાણીથી કડક લોટ બાંધો. એના લૂઆ કરી લંબગોળ આકારમાં જાડું વણી કાંટાથી કાણા પાડો. કડાઈમાં તેલ ગરમ કરી કડક અને બ્રાઉન થાય ત્યાં સુધી એને તળો.