ચેતજો, દૂધ સાથે આ પદાર્થો છે હાનિકારક કોમ્બિનેશન

12 January, 2019 07:26 AM IST  |  | Dirgha media news agency

ચેતજો, દૂધ સાથે આ પદાર્થો છે હાનિકારક કોમ્બિનેશન

દૂધ સાથે અન્ય ખાદ્ય પદાર્થ બની શકે છે તમારા આરોગ્ય માટે હાનિકારક.

દૂધને આમ તો સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધમાં રહેલા પોષક તત્વો અને તેનાથી થતા ફાયદાને લીધે ડૉક્ટરો પણ દૂધના પીવાની સલાહ આપતા હોય છે. જો કે ભોજનમાં જ્યારે દૂધ કે દૂધની ખીર, દૂધપાક, રબડી જેવી વાનગીઓ સાથે મરી-મસાલા, ડુંગળીવાળો ખોરાક ખાવામાં આવે તો ફૂડ પોઇઝનિંગ થવાની શક્યતા રહે છે. એકસાથે દૂધનો ગ્લાસ ગટગટાવી જવાને બદલે ઘૂંટડે ઘૂંટડે પીવું હિતાવહ છે. આમ કરવાથી તેમાં પાચક રસો ભળે છે.

કેટલાક લોકો દૂધ સાથે બ્રેડ, બિસ્કીટ, ચોકલેટ વગેરે ખાતાં હોય છે તેમાં વાંધો નથી આવતો કેમ કે આ વસ્તુઓમાં સોલ્ટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જોકે લોટમાંથી બનતી બ્રેડ, પાઉં, પરોઠા, ભાખરીને દૂધ સાથે લેતાં હોજરીમાં ફર્મેન્ટેશન જેવી પ્રક્રિયા થાય છે.   

હવે જો ભોજનની સાથે જ જેમાં દૂધ પ્રવાહી સ્વરૂપે મોજૂદ હોય તેવી ખીર, દૂધપાક જેવી વાનગી લેવામાં આવે તો તાત્કાલિક અથવા લાંબે ગાળે રોગ થવાની શક્યતા રહેલી છે. કેટલાક વૈદરાજો ત્વચાના કોઢ  અને ત્વચા પર દેખાતા ડાઘા જેવા રોગનું કારણ પણ વિરુદ્ધ આહારના નિયમિત સેવન હોઈ શકે છે. દુઃખદ બાબત એ છે કે તેમને શેની સાથે શું ખાવું અને શું ન ખાવું તે બાબતની પૂરતી સમજણ ન હોવાથી લોકો રોગનો ભોગ બનતા હોય છે.

લગ્નમાં ન આરોગો દૂધ

લગ્નના ભોજનમાં જ્યારે આદુ-લસણ-ટામેટા-ડુંગળીની ગ્રેવીમાં બનાવેલા શાક અને દાળ હોય છે અને સાથે મિલ્કની વાનગી હોય છે ત્યારે લોકોએ તકેદારી રાખવી જરૂરી બની જાય છે. આવા સંજોગોમાં દુધની વાનગી છોડીને બાકીનું ભોજન કરવું હિતાવહ છે. ગંભીર સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે મેનુમાં અનેક વ્યંજનોની સાથે દહીવડા તેમજ ખીર કે દૂધપાક રાખવામાં આવે છે .. સ્વાભાવિક છે કે દહીં અને દૂધ પેટમાં જઈને પ્રતિક્રિયા કરશે. એગ, ફિશ અને મીટ જેવા નોનવેજ ફૂડ સાથે પણ દૂધનો ઉપયોગ ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે. 

પરંપરા છે અયોગ્ય

સૌરાષ્ટ્રની કેટલીક જ્ઞાતિઓમાં સાંજે દૂધ સાથે જમવાનો રિવાજ છે, એટલે કે સાંજે ભાખરી-શાક કે શાક- રોટલી-ખીચડી સાથે દૂધ લેવામાં આવે છે; જે યોગ્ય નથી. દૂધને સ્થાને છાશ લેવી વધારે યોગ્ય છે! સાથોસાથ એવું પણ જોવા મળે છે કે લાંબો સમય સુધી એક પ્રકારનું ભોજન ખાવાની શરીરને આદત પાડવામાં આવે તો નુકસાનકારક આડઅસર ઓછી થઈ જતી હોય છે.

મિલ્ક બેઝ ધરાવતી પંજાબી, કોન્ટિનેન્ટલ તેમજ બેક્ડ ડિશથી પણ દૂર રહેવું ઇચ્છનીય છે. શરીરને અનુકૂળ ના આવે, પાચન ન થાય થાય તેવા ખોરાકને લેતાં રહેવું એ પણ કેન્સરનું કારણ બને છે ઉપરાંત એજીંગ પ્રોસેસને ઝડપી કરે છે તેવો નિષ્ણાતોનો મત છે.

દૂધનું બટર કે ચીઝ બની જાય પછી તેને કોઈપણ પ્રકારે ખાવામાં વાંધો નથી આવતો. પનીર બાબતે પણ કેટલાક લોકો સાવચેતી વર્તતા હોય છે અને પનીરનું શાક ખાવાથી દૂર રહેતા હોય છે.

આ પણ વાંચો : પર્યાવરણ માટે હાનિકારક છે ઑર્ગેનિક ફૂડ, જાણો એના વિશે

ફ્રૂટ શેઇક કે જેમાં જુદાજુદા ફળને દૂધ સાથે મિક્સ કરી આકર્ષક રીતે પીરસવામાં આવે છે અને સ્વાદિષ્ટ હોવાથી લોકો હોંશેહોંશે પીએ પણ છે. દૂધનું ફળ સાથે સંયોજન ઈચ્છનીય નથી, ફ્રુટ શેઇક પીવા કરતાં ફ્રુટ જ્યુસ પીવો સારો!