પૌંઆ કેટકેટલી રીતે ખવાય એ જાણો છો?

10 February, 2020 05:39 PM IST  |  Mumbai Desk | Pooja Sangani

પૌંઆ કેટકેટલી રીતે ખવાય એ જાણો છો?

સવારે શિરામણમાં કે સાંજે રોંઢામાં તમને હળવો નાસ્તો કરવો હોય તો તમને શું યાદ આવે? બોલો-બોલો... હું કહી દઉં? મને તો પૌંઆ બહુ ભાવે. તમને ભાવે? અને તમને ભાવે તો તમે કેવી રીતે ખાઓ? નીચે આપેલા ઈ-મેઇલ ઍડ્રેસમાં તમે જરૂર જણાવજો. જો તમે સાદા વઘારેલા પૌંઆ ખાતા હો તો આપણી પાસે હવે જાતજાતના ટેસ્ટના પૌંઆની રેસિપી છે જે તમે બહાર કે ઘરે બનાવીને ઝાપટી શકો છો. તો તમને તો આજે ખબર પડી જ ગઈ હશે કે હું આજે શેની વાત કરવાની છું. તો ચાલો આજે પૌંઆની ચટપટી વાતો અને રેસિપ વિશે વાત કરીએ.
પૌંઆ એક એવી સામગ્રી છે કે જેને હું બટાટા અને કોરા ખમણ સાથે સરખાવું છું. જેમ પાણીમાં જેવો રંગ નાખો એવું રંગીન થઈ જાય છે એવું જ ખમણનું છે. બાફ્યા બાદનાં, વઘાર્યા વગરનાં કોરાં ખમણમાંથી કેટલી વાનગી બને છે! બટાટાને મુખ્ય સામગ્રી તરીકે લઈને એમાંથી કેટકેટલી સામગ્રી બને છે એ મારે તમને કહેવાની જરૂર છે? તો કહી દઉં. સૂકી ભાજી એટલે કે રસા વગરનું બટાટાનું શાક, રસાવાળું બટાટાનું શાક, છાલવાળું બટાટાનું શાક, બાફ્યા વગર તેલમાં શૅલોફ્રાય કરીને વઘારેલું બટાટાનું શાક, જીરાઆલૂ, દહીંઆલૂ, કાશ્મીરી દમ આલૂ, બટેટી ને ભૂંગળાં, ભરેલા બટાટા, બટાટાની શિંગવાળી ફરાળી સૂકી ભાજી, બટાટાનો શીરો... ભાઈ-ભાઈ... આ લિસ્ટ તો બહુ લાંબું છે.  
એવી જ રીતે ખમણની વાત કરું તો કોરાં ખમણ સારી રીતે વઘારીને ચટણી સાથે ખાઈ શકાય, એવી જ રીતે એને છીણીમાં છીણ કરીને એના પર રાઈ, તલ અને લસણનો વઘાર કરીને સહેજ મીઠું, બુરું નાખીને હલાવીને ઉપર લીલા કોપરાનું છીણ, કોથમીર અને દાડમ નાખીને ખાઓ તો મોજ જ મોજ છે. અમદાવાદમાં એક ‘અમીરી ખમણી’ નામની સ્ટેડિયમ ચાર રસ્તા પાસે આવેલી દુકાન છે. જેમ નામ અમીરી છે એમ દિલના પણ અમીર છે ભાઈ. બહુ મર્યાદિત સ્ટૉકમાં ખમણી રાખે, પરંતુ એ ખાવાની ખૂબ મોજ આવે. તેઓ ખમણી પર ડુંગળી-કાકડીનું મસાલાવાળું સૅલડ આપે છે એ એક બાર ખાઓગે તો બાર બાર ખાઓગે જેવી આદત પડી જાય એ રીતનું હોય છે. ખમણી ઉપરાંત દહીંવાળાં ખમણ, તળેલાં ખમણ, ગ્રીન ખમણ, બટરમાં વઘારીને ચીઝ નાખેલાં ખમણ, તીખાં તમતમતાં મસાલા ખમણ અને રસાવાળાં ખમણ. એટલે ખમણ એક વાનગીમાંથી સામગ્રી બની જાય એ હદનાં વ્યંજનો એમાંથી બને છે.
બસ, તો પૌંઆ અને ખમણનો સ્વભાવ સરખો જ છે. એક ઉત્તમ ખાદ્ય સામગ્રી છે, પચવામાં સરળ અને હળવા અને આરોગ્ય માટે પ્રતિકૂળ નથી. પૌંઆ મૂળ ચોખામાંથી બને છે અને તમને ખબર નહીં હોય જેટલી ચોખાની અલગ-અલગ જાત આવે એ જ રીતે પૌંઆની પણ બાસમતી, હાજીખાની અને નાયલૉનથી લઈને અલગ-અલગ ગુણવત્તા આવતી હોય છે. અમદાવાદમાં કાળુપુર ચોખા બજારની આ બાબતે મુલાકાત લેવા જેવી ખરી. પૌંઆ ત્રણ જાતના આવે છે.
એક સાદા પૌંઆ કે જે પાણીમાં પલાળીને વઘારીને ખવાય છે, બીજા તળવાના અને ત્રીજા નાયલૉન પૌંઆ. તળવાના પૌંઆ અને નાયલૉન પૌંઆ બન્ને ચેવડો બનાવવા માટે વપરાય છે. તળવાના પૌંઆમાં પણ પાછી અલગ-અલગ ક્વૉલિટી આવે. બાસમતી ખૂબ મસ્ત આવે છે. નાયલૉન પૌંઆ એકદમ પાતળા અને ફોતરી જેવા આવે છે. એને એક વાસણમાં શેકીને બરાબર શેકાઈ જાય એટલે તમામ મસાલા એટલે કે મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, તળેલી શિંગ અને દાળિયા નાખી દેવામાં આવે તો નાસ્તાનો સરસ વિકલ્પ બને છે. એવી જ રીતે હાજીખાની પૌંઆ સાદા પૌંઆ જેવા જ આવે છે અને એ ક્રિસ્પી વધારે હોય છે. એ પણ શેકીને ખવાય છે. દિવાળીમાં અમારા ઘરે શેકેલો અને તળેલો પૌંઆનો ચેવડો હોય જ છે. પૌંઆ તળીને એની અંદર વરિયાળી, તલ, તળેલી શિંગ, ગરમ મસાલો, મીઠું, મરચું અને સહેજ ખાંડ નાખીને ખાઓ એટલે મોજ છે.
અમદાવાદમાં ઘીકાંટા ખાતે આવેલો મહારાજનો ચેવડો ખૂબ જ વખણાય છે. એ તીખો અને મોળો પૌંઆનો ચેવડો મસ્ત લચકો લીલી ચટણી સાથે પીરસે છે. એકલા પૌંઆ ન ભાવે તો અંદર સેવ, ચણાની દાળ અને મમરી નાખીને મસ્ત મોળું-તીખું ચવાણું બને છે. આ મહારાજવાળાને ત્યાં જાઓ તો મોટું વાસણ ભરીને પૌંઆનો તીખો અને મીઠો ચેવડો પડ્યો હોય તો ફોટોગ્રાફરોને એનો ફોટો પાડવાની મજા આવે એવું દૃશ્ય હોય છે. ખેડા જિલ્લામાં આવેલા ડાકોર ખાતે ડુંગળીવાળો પૌંઆનો ચેવડો મળે છે. હા, ત્યાં અમુક લારીઓ અને ફરસાણની દુકાનોમાં તીખા ચેવડા પર તળેલી ડુંગળી નાખેલી હોય છે અને અદ્ભુત ચેવડો બને છે. આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે લસણિયો પૌંઆનો ચેવડો મળે છે એ પણ અદ્ભુત હોય છે.
પહેલાંના જમાનામાં નાસ્તાના બહુ ઑપ્શન નહોતા ત્યારે પૌંઆનો ચેવડો અને પેંડા મહેમાનોને પીરસવામાં આવતા. સૌરાષ્ટ્રમાં તો ખાસ એ જોવા મળે. કોઈ પણ ચવાણું હોય તો જેમાં પૌંઆનો ચેવડો ન હોય તો એ ચવાણું ન કહેવાય. વડોદરા ખાતે પાપડ-પૌંઆનો ચેવડો પણ પ્રખ્યાત છે. અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે મમરા અને પૌંઆની અનેક ફૅક્ટરીઓ છે. ત્યાંથી આખા ગુજરાત જ નહીં ભારતભરમાં પૌંઆ સપ્લાય થાય છે.
રોજબરોજના નાસ્તાની વાત કરીએ તો વઘારેલા સાદા પૌંઆ અને બટાટાપૌંઆ તો તમે ખાતા જ હશો પરંતુ અમદાવાદના પૌંઆવાળાઓએ પૌંઆની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. ગજાનંદ પૌંઆ નામના એકાદ દાયકા પહેલાં રાજસ્થાનથી આવેલા એક ભાઈ આજકાલ અમદાવાદમાં ડઝન જેટલી દુકાનો અને લારીઓ ધરાવે છે. તેને ત્યાં પૌંઆ ખાવા માટે લોકો ટોળે વળે છે. સાદા પૌંઆ, બટાટાપૌંઆ, દહીંપૌંઆ, મસાલાપૌંઆ, ચીઝી પૌંઆ અને શિંગપૌંઆ મળે છે અને લોકો રવિવારે રાત્રે ડિનરમાં આ પૌંઆ ખાઈ જાય. વડોદરા, નડિયાદ અને સુરત ખાતે પૌંઆમાં સેવ-ઉસળનો રગડો અને સૅલડ નાખીને પીરસવામાં આવે છે. એટલે કે જેને કોરા પૌંઆ ન ભાવતા હોય તેને મોજ પડે.
મૂળ આ સામગ્રી મહારાષ્ટ્ર અને ઇન્દોરથી આવેલી છે. આ બન્ને જગ્યાએ સાદા પૌંઆ અને રસાવાળા પૌંઆ મળે છે અને લોકોનો રોજનો નાસ્તો છે. આપણે જેમ ગાંઠિયા ખાઈએ  છીએ તેમ ત્યાં એ લોકો પૌંઆ ખાય છે. પૌંઆમાં પણ ટમેટાનો રસો, છોલે ચણાનો રસો, કાળા દેશી ચણાનો રસો, સૅલડ નાખીને પીરસવામાં આવે છે. પૌંઆની પૅટીસ પણ બહુ સરસ મળે. જૈન લોકો બટાટા ન ખાય તો સાદા પૌંઆ અથવા તો કેળા પૌંઆ અથવા તો કાકડી પૌંઆ બનાવીને ખાય છે. અમદાવાદમાં સી. જી. રોડ પર ગિરીશ ચાર રસ્તા પાસે ‘કુકડાની ચા’ વખણાય છે જે રાત્રે ૧૦ વાગ્યા પછી જ આવે. ત્યાં રાત્રે ૧૨ પછી એક ભાઈ પૌંઆ લઈને આવે છે. તે સાદા પૌંઆ પર લસણની ચટણી નાખીને સર્વ કરે છે એની ચા સાથે મોજ પડે છે. બાકી મમરી, રતલામી સેવ અને ડુંગળી સાથેના પૌંઆ તો એવરગ્રીન છે જ. ગુજરાતી લોકો શ્રીનાજીની યાત્રાએ રાજસ્થાનમાં આવેલા નાથદ્વારા દર્શનાર્થે જાય છે ત્યાં સવારના પહોરમાં કુલ્હડ ચા અને ગરમાગરમ પૌંઆ બહુ ટેસ્ટી લાગે છે. વઘારેલા પૌંઆમાં રાઈનો વઘાર થાય પછી સહેજ વરિયાળી નાખી દેવાથી એનો ટેસ્ટ ઓર વધી જાય છે. પૌંઆ પલાળીને સૉફ્ટ થાય એની અંદર મીઠું, મરચું, ગરમ મસાલો અને ટમેટાં અને બીજાં ગમે તે વેજિટેબલ્સ કે બાફેલાં કઠોળ નાખીને એનું સૅલડ પણ બહુ મસ્ત બને છે.
પૂનમના દિવસે દૂધપૌંઆ અને કસાટા પૌંઆ ખાવાની મોજ છે. ચાંદની રાતે ચંદ્રમાને ધરાવીને ખાવામાં આવતા પૌંઆ શરીરને શીતળતા બક્ષે છે. તેમ છતાંય ઓર ઠંડક જોઈતી હોય તો કોઈક દિવસ દૂધપૌંઆ અને ઉપર વૅનિલા આઇસક્રીમ નાખીને ખાઓ એના જેવી એકેય મોજ નહીં. શરદ પૂનમના દિવસે ઠંડા દૂધપૌંઆ અને બટાટાવડાં ખાવાની એક અનોખી મજા છે. પૌંઆ અને મમરા દરેક ગુજરાતીના ઘરની શાન છે, નાસ્તાના ડબ્બાની શોભા છે અને રોજનો ખોરાક છે. મોજમાં હો ત્યારે પણ ખવાય અને માંદા હો ત્યારે પણ. તો બોલો પૌંઆલાલની જય...

mumbai food indian food Gujarati food