મહારાષ્ટ્રિયન ફૂડનો 90 વર્ષ જૂનો ઇતિહાસ સચવાયેલો છે અહીં

02 January, 2020 04:12 PM IST  |  Mumbai | Divyasha Doshi

મહારાષ્ટ્રિયન ફૂડનો 90 વર્ષ જૂનો ઇતિહાસ સચવાયેલો છે અહીં

મામા કાણે રેસ્ટોરન્ટ

૧૯૨૮માં દાદર-વેસ્ટમાં નારાયણ વિષ્ણુ કાણેએ શરૂ કરેલી મામા કાણેનું સંચાલન હવે તો તેમની ત્રીજી પેઢી કરે છે, જોકે અહીંના બટાટાવડાં અને લાલ ચટણી એ જ જૂનો સ્વાદ ધરાવે છે. મર્યાદિત વાનગીઓની વરાયટીવાળી આ ઓલ્ડ-સ્ટાઇલ રેસ્ટોરાંમાં થાલીપીઠ હોય કે મિસળ, હજી ક્યાંય ફ્યુઝન ઘૂસ્યું નથી.

‘અમારી રેસ્ટોરાં સામાન્ય માણસો માટે છે એટલે અહીંનું મેન્યૂ મોટા ભાગે નહીં બદલાય.’ આ શબ્દો છે શ્રીધર કાણેના. દાદર સ્ટેશનની બહાર વેસ્ટમાં નીકળો કે ભીડ અને ઘોંઘાટ તમને ઘેરી વળે. ડગલે ને પગલે ફેરિયાઓ બેઠા હોય એમાંથી રસ્તો કરતાં ફ્લાયઓવરની નીચેથી સામેની ફુટપાથ તરફ જાઓ અને ડાબે વળી જાઓ એટલે બે-ચાર મકાન છોડીને મામા કાણે દેખાશે. સાંજે જાઓ તો ગિરદીની વચ્ચે તમે એ ચૂકીય જાઓ. ખેર આમ તો બે ગાળાની મરાઠી રેસ્ટોરાં છે, પણ તમે અંદર દાખલ ન થાઓ ત્યાં સુધી બેઠક-વ્યવસ્થા દેખાય નહીં. અંદર દાખલ થયા બાદ એક હારમાં ત્રણ કે ચાર ટેબલ અને બાંકડા મૂકેલાં છે એના પર મોટા ભાગે જગ્યા ખાલી મળવી મુશ્કેલ. અહીં તમારે ટેબલ શૅર કરવું પડે. ફટાફટ જે ખાવું હોય એ ખાઈને ટેબલ ખાલી કરી દેવું પડે, કારણ કે બીજું કોઈ રાહ જોતું હોય. અહીં એસી વિભાગ નથી. બાજુમાં નાનકડો હૉલ છે જે લોકો પ્રસંગો માટે ભાડે લેતા હોય છે, પણ એને એસી વિભાગ કરવાનું વિચારી શકાય એમ નથી એનું કારણ જણાવતાં શ્રીધર કાણે કહે છે, ‘અહીં ગાડી તો ઠીક, સ્કૂટર લાવવાનુંય કોઈ વિચારી ન શકે એટલે મેં પહેલાં જ કહ્યું એમ સામાન્ય માણસો જેઓ ચાલતા હોય એ જ આ વિસ્તારમાં આવે. તેમને ધ્યાનમાં રાખીને જ આ રેસ્ટોરાં મારા પરદાદા નારાયણ વિષ્ણુ કાણેએ શરૂ કરી હતી.

૧૯૧૦ની સાલમાં નારાયણ વિષ્ણુ કાણે ગણપતિ પૂળે પાસે આવેલા રીલ નામના નાનકડા ગામને હંમેશ માટે રામરામ કરીને મુંબઈ આવીને વસ્યા. અહીં તેમણે જોયું કે દાદરની આસપાસ કોંકણથી માઇગ્રેટ થઈને આવેલા લોકોને કોંકણી ખાવાનું મળતું નહોતું એટલે તેમણે દક્ષિણી બ્રાહ્મણનું સ્વચ્છ ઉપહારગૃહ શરૂ કર્યું, જે આજે મામા કાણે છે એનાથી બે બિલ્ડિંગ આગળ છે. આજે તો એ મકાન નથી રહ્યું. અહીં તેઓ પૂરીભાજી, વરણ-ભાત અને ચા વેચતા હતા. તેમની પત્ની અને માતા રસોઈ બનાવવામાં મદદ કરતાં. ધીમે-ધીમે તેમનો વ્યવસાય જામી ગયો અને ગ્રાહકો વધવા લાગતાં તેમણે આજે જ્યાં મામા કાણે છે ત્યાં ૧૯૨૮ની સાલમાં સ્મૃતિકુંજ મકાનની નીચે જગ્યા ખરીદી લીધી. ૧૯૩૫ની સાલથી તેમના દીકરા શંકર નારાયણ કાણેએ રેસ્ટોરાંનો કારભાર હાથમાં લીધો અને તેમણે બટાટાવડા અને મિસળ વેચવાનું શરૂ કર્યું. મહારાષ્ટ્રિયન લોકો મોટી ઉંમરની વ્યક્તિને માનથી મામા કહીને બોલાવે અને શંકર કાણેને તેમનો ભાણિયો મામા કહીને બોલાવતો એટલે બધા જ શંકરને મામા કહીને બોલાવવા લાગ્યા. બસ ત્યારથી મામા કાણે નામથી જ આ રેસ્ટોરાં ઓળખાવા લાગી. ત્યાર બાદ શંકરના દીકરાઓ કમલાકર, રામકૃષ્ણ અને મુકુંદે હોટેલ સંભાળી અને હવે કમલાકરના દીકરાઓ શ્રીધર અને દિલીપ હોટેલનો કારભાર સંભાળે છે. તેમના પિતા ગુજરી ગયા, પણ કાકાઓ પણ દેખરેખ રાખે છે. શંકર નારાયણ કાણેએ શરૂ કરેલાં બટાટાવડાં અને લાલ ચટણી ખાવા આજે પણ લોકો આવે છે. શ્રીધર કહે છે કે બદલાવ લાવવાની કેટલી પણ કોશિશ કરીએ, પણ ગ્રાહકોને એ જ જૂની રીતે પીરસાયેલી વાનગી જ જોઈએ. વચ્ચે તેમણે બટાટાવડાની સાથે અપાતી સૂકી લસણની ચટણી બંધ કરી તો લોકોએ તેમનો વિરોધ કર્યો. આજે પણ બટાટાવડા સાથે ફક્ત સૂકી લસણની ચટણી પીરસાય છે. તેમણે યુવાનોને આકર્ષવા માટે દક્ષિણ ભારતીય વાનગીઓ ઇડલી-ઢોસા વગેરે પીરસવાનું શરૂ કર્યું પણ એ ન ચાલ્યું. જોકે મેંદુવડા-સંભાર એકમાત્ર વાનગી આજે પણ લોકો માગે છે એટલે મેન્યૂમાં છે.

ફક્ત એક પાનાનું નાનું મેન્યૂ જેમાં પચાસેક વાનગીઓ મળે છે; પણ સૌથી વધુ વેચાય એ બટાટાવડા, મિસળ, થાલીપીઠ અને તેમની ફુલ થાળી. બટાટાવડાં મોટાં છે અને એમાં વઘાર નથી કરેલો કે ન તો બટાટાનો છૂંદો કરેલો હોય છે. તેલની શુદ્ધતા પણ સ્વાદમાં પરખાઈ જાય. થાલીપીઠ અહીં મોટી ગોળ રોટલી જેવી આવે અને સાથે લસણની સૂકી ચટણી અને કોપરાની ચટણી. સ્ટીલની ડિશમાં સિમ્પલ રીતે પીરસાતી વાનગીઓ ચપોચપ લોકો ખાય. અહીં જગ્યા મળવી મુશ્કેલ હોય છે. મિસળ પણ ખાસ તીખું નથી, પણ સ્વાદિષ્ટ છે. સાથે પીણા માટે અનેક પસંદગી છે, પીયૂષ તો ખરું જ, પણ લીંબુ શરબત, આવળા શરબત, કોકમ શરબત મળે, પણ કોઈ જ કાર્બોનેટેડ પીણાં નથી મળતાં. ગરમમાં ચા-કૉફી પણ ખરી જ. તેમની થાળી ૧૦૦ રૂપિયામાં અને લિમિટેડ થાળી ૭૫ રૂપિયામાં. બટાટાવડાં ૪૫ રૂપિયા. ઠંડાં શરબત તેઓ તૈયાર કરીને નાની કાચની બૉટલમાં ભરી રાખે. ગ્રાહક માગે તો તરત જ પ્લાસ્ટિકનું બૂચ કાઢીને પીરસાય. ૧૫ રૂપિયાથી લઈને ૨૦ રૂપિયામાં મળતાં આ દેશી શરબત બહાર તરફનું એક કાઉન્ટર છે એના પરથી ઉનાળામાં ભરપૂર વેચાય. માર્ચથી મે મહિના દરમ્યાન બેલ શરબત પણ મળે જે સ્વાસ્થ્ય માટે અતિઉત્તમ છે. શિયાળામાં ગાજરની સીઝનમાં ગાજર હલવો તેમની સ્પેશ્યલિટી છે. ગાજરનો સ્વાદ આવે એવો મેવા-મસાલાથી ભરપૂર ગાજર હલવો ખાવા પણ અહીં આવે. એ ઉપરાંત મહારાષ્ટ્રિયન સૂકા નાસ્તા પણ મળે. 

શ્રીધર કાણે કહે છે કે ‘વર્ષોથી અમારા દાદાએ પાડેલી આદત છે કે બજારમાં જઈને સારામાં સારી શાકભાજી અને ફળ લાવવાં. ઉનાળામાં રસપૂરી પીરસીએ એ રસ ક્યારેય ડબ્બાનો નથી પીરસતા. બજારમાંથી સારી કેરી હોલસેલમાં લઈએ અને તાજો રસ કાઢીને પીરસીએ.’

વળી અહીં સ્વચ્છતા સાથે ખોરાકની ગુણવત્તા પણ જળવાય છે તો અહીં મૂલ્ય આધારિત હોટેલ વ્યવસાય થાય છે એ જોઈ શકાય. ‘આ હોટેલમાં કોઈ બાળમજૂર કામ નથી કરતાં’ એવું સ્ટિકર પણ જોવા મળે છે. નવાઈ એ લાગે કે શ્રીધર કાણેએ આઇઆઇટીની ડિગ્રી મેળવી છે અને દિલીપ કાણે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તેમણે પોતાનો વ્યવસાય પણ ચાલુ રાખ્યો છે. સાંજે તેઓ હોટેલ પર આવે. તેમના પિતાજી કમલાકરે સ્વીડન જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી લીધી હતી. શ્રીધર કહે છે કે તેમના દાદાની ઇચ્છા હતી કે તેમના કુટુંબમાં બાળકો ખૂબ ભણે. એમ છતાં મામા કાણે બંધ કરવાનો વિચાર કોઈને આવ્યો નથી. હવે પછી શ્રીધર અને દિલીપ કાણેને દીકરીઓ છે અને તેઓ પણ આ વ્યવસાયને આગળ ચલાવશે એની તેમને ખાતરી છે. ખેર, મામા કાણેમાં  ૧૧૦ વર્ષનો ઇતિહાસ સચવાયેલો છે. બટાટાવડા અને મિસળ ખાતાં એને મમળાવી શકાય. દાદર જાઓ કે દાદરમાં પ્રવાસને થોડો વિરામ આપીનેય આગળ તમારા ગંતવ્યસ્થાને જઈ શકો છો. ૧૦૦ વર્ષથી જે હોટેલ પેઢી દર પેઢી ચાલતી હોય એ કાળની ગર્તામાં કે જન્ક ફૂડમાં ખોવાઈ નહીં જાય એ માટે દુઆ કરીએ. જોકે કાણે પરિવાર ટૂંક સમયમાં ફ્યુઝન મહારાષ્ટ્રિયન વાનગીઓ લાવે તો નવાઈ નહીં. જોકે તેમનાં બટાટાવડાં અને સૂકી લાલ ચટણી તેમ જ મિસળ-પાઉંમાં કોઈ ફરક નહીં આવે એની ખાતરી શ્રીધર કાણે અને ગ્રાહકો બન્નેને છે.

mumbai food indian food dadar