એવી કેક બની કે દીવાલ પર મારો તોય પાછી આવે (મારા કિચનના પ્રયોગો)

27 December, 2012 06:56 AM IST  | 

એવી કેક બની કે દીવાલ પર મારો તોય પાછી આવે (મારા કિચનના પ્રયોગો)



(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)

નવી-નવી ચીજો શીખવાનાં અને બનાવવાનાં શોખીન મૂળ રાજુલાનાં કપોળ વાણિયા જ્ઞાતિનાં કુસુમબહેન દોશીને અખતરા કરવા ખૂબ ગમે છે. તેઓ પોતાના ઘરમાં બેસાડેલા ઠાકોરજી માટે છ સમયના ભોગ બનાવે છે, જેમાં કંઈ ને કંઈ નવું હોય તેમ જ તેમના ઘરમાં પણ બધા ખાવાના શોખીન હોવાને લીધે તેમને નવું બનાવવાનો ઉત્સાહ થાય છે. જોઈએ રસોડામાં તેમને કેવા અનુભવો થયા છે.

પથરા કે કેક?

મને બેકિંગનો ખૂબ શોખ છે એટલે કેક, બ્રેડ, બિસ્કિટ્સ બધું જ ઘરે બનાવું અને એમાં શોખ છે એટલે સારું પણ બને છે. જોકે એક વાર કેક બનાવી હતી જેમાં બેકિંગ પાઉડર નાખવામાં થોડી ભૂલ થઈ ગઈ અને એ કેક એટલી કઠણ બની કે ખાવાની વાત તો દૂર રહી, પરંતુ જો દીવાલ પર ફેંકીને મારો તો પણ પાછી આવે. પહેલી વાર કેકમાં મારાથી આવી ભૂલ થઈ હતી. આ જ રીતે કેટલીક વાર બ્રેડ બનાવવામાં પણ પ્રૉબ્લેમ થઈ જાય છે.

આવો એક બીજો પણ પ્રસંગ છે, જે ખૂબ યાદ રહી ગયો છે. મારી વહુ પ્રેગ્નન્ટ હતી અને આઠમો મહિનો ચાલી રહ્યો હતો. એ ઘરમાં ચકરી બનાવી રહી હતી અને એ જ સમયે બીજા ગૅસ પર કુકરમાં સૂપ માટે ટમેટાં બાફવા મૂક્યાં હતાં. અચાનક કુકર ફાટ્યું અને ઢાંકણું ઊડીને ગરમ તેલમાં પડ્યું, કુકરમાં ટમેટાં હતાં એ સીલિંગ અને દીવાલ પર ચીપકી ગયાં, તેલ આખા રસોડામાં રેલાયું, કુકરનો વાલ ખરાબ થઈ ગયો હતો. જોકે આટલી ઘટનામા મારી વહુને તેલનો એક છાંટોય ઊડ્યો નહોતો. અમે ઘરે આવ્યા ત્યારે ઘરની હાલત જોઈને સૌથી પહેલાં તો હસવું આવ્યું અને પછી ચિંતા થવા લાગી કે આ બધું સાફ કઈ રીતે કરીશું. આ પ્રસંગ હંમેશાં જ યાદ રહેશે.

અખતરા કરવાનો શોખ

મને ખરેખર અખતરા કરવાનો શોખ છે. જે કોઈ નવી રેસિપી જાણવા મળે એને હું જરૂરથી ટ્રાય કરું. ચાઇનીઝ ઘરમાં કોઈને ભાવતું નથી એટલે એ બનાવવાનો મને પણ શોખ નથી, પરંતુ પંજાબી સબ્જીઓ અને બાકીની ફેન્સી આઇટમો હું જરૂર બનાવું. ઘરમાં બધાને મારા હાથની બનેલી બર્મીઝ વાનગી ‘ખાઉસ્વે’ ખૂબ જ ભાવે છે. જોકે એ બનાવવામાં ખૂબ જ સમય માગી લેતી ડિશ છે. એમાં જુદી-જુદી ટાઇપનાં શાકભાજી નાખવાનાં હોવાથી શિયાળામાં એ ખાસ બને, કારણ કે અત્યારે શાક ફ્રેશ મળે. મારો અખતરા કરવાનો શોખ આમ તો હું દસ વર્ષની હતી ત્યારે શરૂ થયો હતો જ્યારે મેં છાપામાં જોઈને પહેલી વાર ઢોકળાં બનાવેલાં.

બધું જ ઘરે બનાવું

ઘરે ઠાકોરજીને ભોગ ધરવાનો હોવાથી હું બધી જ ચીજો બહારથી લાવવાને બદલે ઘરે બનાવવાનું પસંદ કરું છું. પછી એ બ્રેડ હોય, બિસ્કિટ કે પછી કેક. તાજેતરમાં મારા દીકરાના બર્થ-ડે માટે મેં ઘરે જ બ્રાઉની બનાવી હતી. એ ઉપરાંત બ્રેડની સ્લાઇસ અને બન એમ બન્ને ટાઇપનાં બ્રેડ બનાવું છું. મને બેકિંગમાં રસ છે અને એ સારું ફાવી ગયું છે એટલે જુદી ટાઇપની કુકીઝ અને બિસ્કિટ્સ પણ બનાવી લઉં. ઘરમાં પણ બધા મારા આ  એક્સપરિમેન્ટ્સને સારો પ્રતિસાદ આપે છે અને સારું હોય કે ખરાબ એ સામે જ કહી દે છે. બાળકોને આ બધું ભાવે એટલે તેઓ માગે એ પહેલાં જ હું બનાવીને હાજર કરું છું. જેથી તેમને ફરિયાદ કરવાનો કંઈ માગવાનો મોકો જ નથી મળતો.

ક્રૉકરીનો શોખ


મને જુદી-જુદી ટાઇપની ક્રૉકરીઓ ખૂબ ગમે છે. ગાર્નિશિંગનો પણ ભરપૂર શોખ છે, પરંતુ કેકમાં બધી જ ચીજો ઘરની વાપરવાની હોય એટલે ગાર્નિશિંગનો એટલો સ્કોપ નથી મળતો. બાકી નવી-નવી ડિઝાઇનવાળી અને ખાસ કરીને કાચની ક્રૉકરી વાપરવાનો મને શોખ છે.

- તસવીર : નિમેશ દવે