તુવેરના શાકમાં પાણી વધુ પડી ગયું ને બની એક સ્પેશ્યલ રેસિપી (મારા કિચનના પ્રયોગો)

13 December, 2012 06:02 AM IST  | 

તુવેરના શાકમાં પાણી વધુ પડી ગયું ને બની એક સ્પેશ્યલ રેસિપી (મારા કિચનના પ્રયોગો)



(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)

‘રસોઈ બનાવનારી વ્યક્તિ ગુસ્સામાં હશે તો ખાવાવાળાને પણ ગુસ્સો જ આવશે’ આવું વિચારતાં મૂળ સાયલાનાં સ્થાનકવાસી જૈન જ્ઞાતિનાં વનિતાબહેન દોઢીવાલા રસોઈ બનાવવાનાં જેટલાં શોખીન છે એટલાં જ ખાવાનાં પણ શોખીન છે. તેમને એ બધી જ ચીજો બનાવવી ગમે છે, જે તેમનાં બાળકો ડિમાન્ડ કરે. નવી વાનગીઓ ટ્રાય કરવાનો તેમને શોખ છે, જે મોટા ભાગે તો સારી જ પણ બને છે પણ ક્યારેક ગરબડ પણ થઈ જાય છે. જોઈએ કેવી રીતે એક વાર તેમણે બગડતી ડિશને સુધારી બેસ્ટ બનાવી દીધી હતી.

શાકનાં વડાં

શિયાળાની જ સીઝન હતી અને તુવેરના લીલવાનું રસાવાળું શાક બનાવવાનો પ્લાન હતો.  એ શાક મેં થોડી જુદી રીતે બનાવવાનું પ્લાન કર્યું હતું. છાશ ઉમેરીને સરસ રસાવાળા શાકનો પ્લાન હતો, પરંતુ એ શાક મેં વઘાર્યા બાદ એમાં પાણી ઉમેરી દીધું અને એ પણ વધારે પડતું. એ પછી એને શાક તરીકે ઉપયોગમાં લઈ શકાય એમ હતું જ નહીં. શાક વધારે પ્રમાણમાં બનાવ્યું હતું એટલે ફેંકી દેતાં પણ જીવ ન ચાલ્યો. પછી મેં વડાં વિશે વિચાર્યું અને એ જ શાકને ઊકળવા દીધું. ઊકળ્યું એટલે એમાં ઢોકળાનો અને ઘઉંનો લોટ ઉમેર્યો. ત્યાર બાદ લોટને બાફી લીધો અને એના હાથેથી જ વડાં જેવું બનાવી તળી લીધાં. અને અનાયાસે જ સરસ એવાં તુવેરના લીલવાનાં વડાં બની ગયાં. આ વડાં ઘરમાં બધાને એટલા ભાવ્યાં કે પછીથી એ ભૂલભર્યું લીલી તુવેરનું શાક જાણીજોઈને વારંવાર બને છે. ઘરમાં બધાને જ આ લીલવાનાં વડાં ખૂબ ભાવે છે. અવારનવાર ડિમાન્ડ પણ કરે.

ખાવાનો ને બનાવવાનો શોખ

મને જેટલો નવી-નવી રસોઈ બનાવવાનો શોખ છે એનાથી વધારે ખાવાનો શોખ છે અને મારા ઘરમાં બધાને જ ખાવાનો ભરપૂર શોખ છે એટલે ખાવામાં કોઈ કંજૂસાઈ નહીં. તેલ-મસાલા પર કોઈ બંદિશ નહીં, જે બને એ પરફેક્ટ અને સારી રીતે જ બનાવાય જેથી ટેસ્ટી લાગે. અત્યારે ઓળાની સીઝન છે ત્યારે જો એમાં તેલ ઓછું નાખવામાં આવે તો એનો ટેસ્ટ સારો નહીં લાગે એટલે આવી ચીજોમાં તેલ-મસાલા ચઢિયાતાં હોવા જરૂરી છે. મને ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ ફૂડ બનાવવું ગમે છે. ઘરે નૂડલ્સ અને ડ્રાય મન્ચુરિયન બને. અમે જૈન છીએ એટલે આ બધી આઇટમો જૈન બને. મારા હાથની પાંઉભાજી મારા દીકરા અને દીકરી બન્નેને ખૂબ ભાવે છે. પાંઉભાજી તેઓ બહારની પણ ન ખાય, ઘરની જ જોઈએ.

અખતરામાં સપોર્ટ


મને નવી-નવી ચીજો બનાવવાનો એટલે કે અખતરા કરવાનો ભરપૂર શોખ છે અને આ અખતરા કરવા માટે મને ઘરમાંથી ખૂબ પ્રેરણા મળે છે. મારા હસબન્ડ કહે કે તને રસોઈનો શોખ છે તો પૂરો કર. જે બનાવવું હોય એ બનાવ. મારાં બાળકો પણ મને સપોર્ટ કરે અને જે બનાવું એ સારી છે કે ખરાબ એ રિવ્યુ ખાધા બાદ તરત આપી દે. અમુક ચીજો જો બનાવતાં ન આવડતી હોય તો મારો દીકરો અને દીકરી તેમને કેવો સ્વાદ જોઈએ છે એ પ્રમાણે સમજાવીને બનાવડાવે. હું ટીવીમાંથી જોઈને રેસિપીઓ નોટ કરીને પણ રાખું છું.

બધું જ ઘરે

ખાવાનો શોખ છે, પરંતુ બહારનું ખાવાનો નહીં. જે પણ ખાવું હોય એ અમે ઘરે જ બનાવીએ. પછી એ સૂપ હોય, નૂડલ્સ કે પછી આપણી કોઈ પરંપરાગત વાનગી. આ સીઝનમાં મેથીના લાડુ અને સૂંઠનો પાક વગેરે બનશે. એ સિવાય બાળકો જે પણ ખાવાની ડિમાન્ડ કરે એ ઘરે જ બને.

ગાર્નિશિંગ જરૂરી

મારા મતે ગાર્નિશિંગ ખૂબ જરૂરી છે. જો ચીજ સજાવેલી હોય તો એ ખાવામાં પણ મજા આવશે. ડિશ એવી હોવી જોઈએ કે જે જોઈને જ ખાવાનું મન થઈ જાય. હું કોથમીરથી, જુદી-જુદી રીતે કાપેલા સૅલડથી તો ક્યારેક સેવથી ડિશોને સજાવું છું. રસોઈને ટેસ્ટ કરતાં પહેલાં આપણે એને જોઈએ છીએ એટલે એ સુંદર હોય એ જરૂરી છે.

પ્રેમથી બનાવો

રસોઈ બનાવો ત્યારે ખૂબ જ પ્રેમથી બનાવવી જોઈએ. ગુસ્સાથી બનાવશો તો ખાનારને પણ ગુસ્સો આવશે. શાંત મને પ્રેમથી બનાવશો તો એ ડિશનો પણ સ્વાદ એટલો જ મધુર હશે. આ સિવાય રસોડું ચોખ્ખું હોય એ ખૂબ જરૂરી છે. રસોઈ બનાવ્યા બાદ રસોડું ચોખ્ખું કરીએ એ રીતે રસોઈ કરતાં હોઈએ ત્યારે પણ રસોડું ચોખ્ખું જ હોવું જોઈએ.

તસવીરો : વિલ્સન રનભિષે