છૂંદામાં સાકરને બદલે રવો નાખી દીધો (મારા કિચનના પ્રયોગો)

22 November, 2012 06:15 AM IST  | 

છૂંદામાં સાકરને બદલે રવો નાખી દીધો (મારા કિચનના પ્રયોગો)



(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)


‘બે મિનિટનો જીભનો સ્વાદ હેલ્થ બગાડી શકે છે’ આવી વિચારસરણી સાથે જ મૂળ ભાવનગરનાં સૌરાષ્ટ્રબાદ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિનાં હંસા મહેતા રોજ પોતાના પરિવારને હેલ્ધી રસોઈ બનાવીને ખવડાવે છે. તેમનું માનવું છે કે રસોઈ ફક્ત સ્વાદમાં જ નહીં બધી રીતે સારી અને સંતોષકારક હોવી જોઈએ. તેમની ઉંમર હવે ૬૫ની છે અને આંખે બેતાળાં આવી ગયા છે ત્યારે તેમનાથી રસોઈમાં કેવા ગોટાળા થઈ જાય છે એ જાણીએ તેમના જ શબ્દોમાં.

બધું એક જેવું


ઇડલીનો રવો ચોખાનો હોય અને બીજો એક ઘઉંનો રવો હોય, પરંતુ ઇડલી માટે તો ચોખાનો રવો જ પલાળવો પડે, પણ મને એ બન્ને ચીજો એક જેવી જ લાગી અને એક વાર ઇડલી માટે ખીરું પલાળતી વખતે મેં ચોખાને બદલે ઘઉંનો રવો પલાળી દીધો. ઇડલી બનાવવા લીધી ત્યારે ભૂલ ધ્યાનમાં આવી અને ઇડલીને બદલે રવાના ઢોંસા બનાવવા પડ્યા. ચીજ તો વેસ્ટ ન ગઈ, પરંતુ ચશ્માં નહોતાં પહેર્યાં એટલે ગરબડ જરૂર થઈ. આવી જ ગરબડ એક વાર ઘઉંનો રવો અને સાકર ઓળખવામાં થઈ હતી અને ત્યારે પણ મેં ચશ્માં નહોતાં પહેર્યાં. બન્યુ એવું કે છૂંદો બનાવવાનો હતો. બજારમાંથી કેરી ખમણીને લાવી અને એમાં સાકર મિક્સ કરવાની હતી. સાકર ઝડપથી ઓગળે એટલે મેં થોડી ઝીણી સાકર લીધી હતી. અને છૂંદામાં મેં એ સાકરને બદલે બાજુની બરણીમાં રવો પડ્યો હતો એ નાખી દીધો. હાથમાં લાગ્યું ત્યારે ટેક્સચર મને સેમ લાગ્યું. ત્યાર બાદ ચશ્માં પહેર્યાં ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. એક કિલો જેટલો છૂંદો હતો એટલે ફેંકી દેવો પણ ન પરવડે અને એમાં કોઈ સુધારો થવો પણ શક્ય નહોતો. એટલે પછી મેં એમાં થોડો વધુ રવો અને લોટ ઉમેરી નાસ્તા માટેની ખાટી-મીઠી પૂરી બનાવી નાખી, જેમાં ખરેખર ખૂબ મહેનત પડી. અને ત્યાર બાદ છૂંદા માટે બીજી કેરી લાવવી પડી. એ પૂરીઓ તો ઘરમાં બધાને ભાવી પણ દીકરાઓએ કહ્યું કે મમ્મી ચશ્માં પહેરવાં જોઈએને.

હેલ્થ ફર્સ્ટ

મારા હસબન્ડને ડાયાબિટીઝ છે અને મારું શુગર લેવલ પણ બૉર્ડર પર છે. એ ઉપરાંત મારા બન્ને દીકરાઓ ડૉક્ટર છે એટલે મારા ઘરમાં કોઈ પણ ચીજ બનાવવામાં હેલ્થનો સવાલ પહેલું પ્રાધાન્ય હોય. મને મસાલેદાર રસોઈ બનાવવી ગમે, પરંતુ એમાં હેલ્થ પહેલી જોવાની, કારણ કે ક્યારેક જીભને ભાવનારી ચીજ હેલ્થ માટે નુકસાનકારક બની શકે છે. અમારા ઘરમાં કોઈ ચીજમાં ગળપણ નથી વપરાતું, પરંતુ ટેસ્ટ માટે એને બીજી રીતે મસાલા સારા કરીએ. આ ઉપરાંત શાક-દાળમાં પણ વધુપડતું તેલ હોય અને રેલા ઊતરતા હોય એ નથી ચાલતું. હું સૅલડ, સૂપ જેવી ચીજો પણ બનાવું.

બધાને ફેવરિટ

મારા હાથની પાંઉ-ભાજી ઘરમાં બધાને ભાવે છે. આ ઉપરાંત પરંપરાગત ગુજરાતી વાનગીઓ બનાવું એ પણ ભાવે. જો કોઇનો બર્થ-ડે કે કંઈ હોય અને હોટેલમાં જવાની વાત આવે તો મારા દીકરાઓ સામેથી જ કહે કે ત્યાં અડધો કલાક વેઇટિંગમાં ઊભા રહીને અનહેલ્ધી ખાવા કરતાં તું જ ઘરે બનાવ. અમે તને હેલ્પ કરીશું. મારા હિસાબે ફેન્સી વાનગીઓ પણ જો ઘરે બનાવીએ તો એનાથી જ પેટ ન ભરતા એને ફક્ત સ્વાદ માટે ખાવી. ભજિયાં, પાણીપૂરી વગેરે ખાવાનું મન થાય તો સાથે ખીચડી-શાક પણ બનાવવાં. એકલા ભજિયાંથી પેટ ન ભરવું. મને ઇનડોર પ્લાન્ટિંગનો શોખ છે એટલે અજમાનો છોડ વાવ્યો છે. એનાં હું ભજિયાં બનાવું અને જો તેલવાળું ન ખાવું હોય તો ત્રણ-ચાર પાનનું લેયર બનાવી એને પૂડલાની જેમ તવા પર શેકી લઉં. એ દેખાવમાં અને ખાવામાં બન્ને રીતે સ્વાદિષ્ટ લાગે છે.

તૈયારી કરી રાખો

રસોઈ બનાવવામાં ખૂબ જ શાંતિ અને ધીરજની જરૂર પડે છે, જે આજની વર્કિંગ વુમન જો ચાહે તો પણ સમયના અભાવે મેળવી નથી શકતી. માટે રજા હોય એ દિવસે મસાલા, ઘી, તેલ વગેરે જરૂરી ચીજોને નાના ડબ્બાઓમાં કાઢીને રાખવી, જેથી રસોઈ બનાવતી વખતે ઉતાવળ ન થાય અને રસોઈ બગડે નહીં. રસોઈનો બગાડ પણ ન કરવો. આજની મોંઘવારીમાં પ્રમાણસર જેટલું ખવાતું હોય એટલું જ બનાવવું, જેથી વધે નહીં અને જો વધે તો પણ એનો ઉપયોગ કરી લેવો, પણ ફેંકી ન દેવું.

- તસવીર : ઓમકાર ગાવકર