ડબકીવાળા ભાતનો પ્લાન ફ્લૉપ થઈ ગયો (મારા કિચનના પ્રયોગો)

25 October, 2012 06:31 AM IST  | 

ડબકીવાળા ભાતનો પ્લાન ફ્લૉપ થઈ ગયો (મારા કિચનના પ્રયોગો)



(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)


મૂળ અમદાવાદ નજીકના ધડકન ગામનાં ૨૭ એકડા જૈન સમાજનાં માલતી શાહને ઘરમાં બધા બાદશાહના હુલામણા નામથી બોલાવે છે, કારણ કે રસોઈ બનાવવામાં ખરેખર તેમની બાદશાહી જ છે. કોઈ સારી વાનગી બને ત્યારે ઘરમાં બધા ખાધા બાદ તાળી પાડીને ‘ઇનામ દિયા જાએ’ એમ બોલે અને બિરદાવે. તેમને રસોઈ કરવામાં ખૂબ જ રસ પડે છે અને માટે જ કોઈ ને કોઈ નવો અખતરો કરતાં રહે છે. જોઈએ તેમણે રસોડામાં કેવા પ્રયોગો કર્યા છે.

ભાતનાં ભજિયાં

ડબકીવાળા ભાત અમારે ત્યાં અવારનવાર બને. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. આ ભાતમાં મસાલાવાળા કે સાદા ભાત બનાવી એમાં ચણાના લોટની નાની-નાની ડબકી મૂકવાની હોય છે જેમાં ભાતનું પાણી ઊકળે એ ખૂબ જરૂરી છે. મેં બનાવ્યું ત્યારે કદાચ એ પાણી ઊકળ્યું નહોતું. એટલે મેં એમાં ડબકીઓ પાડી, પણ એ ડબકી બની જ નહીં અને ભાતમાં લોટ મિક્સ થઈ ગયો. આમ એ ભાત પણ બગડ્યો. ભાતનું પ્રમાણ વધુ હતું એટલે ફેંકવાનો પણ જીવ ન ચાલ્યો. છેવટે આઇડિયા કરી કે એ ભાતને ગૅસ પરથી ઉતારી એમાં વધુ ચણાનો લોટ ઉમેયોર્ અને મસાલો કરી એ લોટમાંથી ભજિયાં બનાવ્યાં. સરસ ભાતના પકોડા તૈયાર થયા. ઘરમાં બધાને ભાવ્યા તો ખરા, પણ ડબકી ભાતનો પ્રોગ્રામ ફ્લૉપ થયો.

બાળપણની ટ્રેઇનિંગ

મને રસોઈનો શોખ પહેલેથી જ છે. મારો જન્મ આફ્રિકાના સુદાનમાં થયો છે. મને જે પણ કંઈ આવડે છે તે મારી નાનીએ શીખવ્યું છે. ઘરે રસોઇયા હતા એટલે રસોઈ કરવાનો એટલો સ્કોપ તો ન હોય, પરંતુ વેકેશન પડે ત્યારે નાની રસોઇયાઓને રજા આપી દે અને ત્યારે મારે રસોઈ કરવાની જેથી શીખવા મળે. આ રીતે નાનીએ બધું જ બનાવતાં શીખવ્યું. આજે હું પંજાબી, સાઉથ ઇન્ડિયન, અને ઇટાલિયન ક્વિઝિન બનાવું છું. એ સિવાય પાસ્તા, મગની દાળના ઢોંસા, ચીઝ ટોસ્ટ જેવી વાનગીઓ ઘરે જ બનાવું.

ઇનામ દિયા જાએ

ઘરમાં બધાને મારા હાથના કોબીના ઘૂઘરા, સુદાની તામિયા, સ્પાઇસી ઘૂઘરા, સિંધી દાળ, મસાલા ટોસ્ટ આ વાનગીઓ ખૂબ ભાવે છે. નવી-નવી ચીજો ખાવાની મારા હસબન્ડ અને પૌત્રી બન્ને ખૂબ ડિમાન્ડ કરે. જ્યારે કંઈ નવું બનાવું ત્યારે ખાધા બાદ જો ભાવે તો બધા એકસાથે બોલે કે ‘ઇનામ દિયા જાએ’ એનો અર્થ કે તેમને એ ડિશ ભાવી છે અને બીજી વાર બનાવવી. ઘરમાં ખાવાના બધા જ શોખીન છે એટલે ગરમાગરમ પીરસીને જમાડવું મને ખૂબ ગમે. આજેય આ રીતે જમાડવામાં ખૂબ તાજગી અનુભવું છું.

મસાલા તો ઘરના જ

મને મોટા ભાગના મસાલા ઘરે જ બનાવવા ગમે છે. જેમ કે છોલેનો મસાલો, ગરમ મસાલો વગેરે. આ સિવાય હોટેલમાં જે મળે એ ઘરે બનાવીને ખાવું પણ હોટેલનું તો નહીં જ એવો બધાનો આગ્રહ હોય છે. સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ વાનગીઓ ઘરે બને જેથી હોટેલના ખાવાનો ટેસ્ટ મિસ ન થાય.

હેલ્ધી ખાઓ

મને હેલ્ધી ચીજો ખાવાનો શોખ છે. પાલકની પેસ્ટ ઉમેરીને હેલ્ધી પરાઠા બનાવું. એ સિવાય જુદા-જુદા સૂપ પણ બનાવું છું. અમારા ઘરમાં જુદા-જુદા શિયાળુ પાક પણ બને. આ સિવાય રોજબરોજનું જે પણ હોય તે ટેસ્ટમાં સ્પાઇસી હોય તો બધા શોખથી ખાય.

પૅશનથી રસોઈ કરો

રસોઈ કરો ત્યારે પૅશનથી, જુસ્સાથી રસોઈ કરવી. રસોઈ બનાવતા સમયે મનમાં આનંદ હોવો જોઈએ, જો હશે તો રસોઈમાં એ ઊતરશે અને આમ ખાનારનું મન પણ આનંદમય થશે.

વાચકોને આમંત્રણ

જો તમે પણ કિચનમાં આવા પ્રયોગો કર્યા હોય તો ‘મિડ-ડે’ને ૨૪૧૯ ૭૨૧૫ નંબર પર સોમવારથી શનિવાર દરમ્યાન ૧૨થી ૫ની વચ્ચે ફોન કરીને જણાવો

- તસવીર : ઓમકાર ગાવકર