ખાંડવી તો બની જ નહીં, ડબકાંવાળી કઢી બનાવવી પડી (મારા કિચનના પ્રયોગો)

11 October, 2012 06:40 AM IST  | 

ખાંડવી તો બની જ નહીં, ડબકાંવાળી કઢી બનાવવી પડી (મારા કિચનના પ્રયોગો)



(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)

‘રસોઈ કરતી વખતે ધીરજ જરૂરી’ આવું વિચારતાં મૂળ મોરબીનાં દશા શ્રીમાળી જૈન વાણિયા જ્ઞાતિનાં કુંદન મહેતા ખાઈ-પીને ફિટ રહેવામાં માને છે. તેઓ ૮૫ વર્ષની ઉંમરે પણ ક્યારેક રસોઈ કરી લે છે અને બાકીના સમયમાં ધાર્મિક કાર્યો અને બીજી પ્રવૃત્તિઓ કરીને રિટાયર્ડ લાઇફને માણે છે. રસોઈ બનાવવાના શોખીન અને નવા પ્રયોગો કરવામાં એક્સપર્ટ કુંદનબહેને રસોડામાં કેવા અખતરા કર્યા છે એ જાણીએ તેમના જ શબ્દોમાં.

ખાંડવીની કઢી

હું નવી પરણીને આવી હતી. લગ્નને માંડ પાંચ-છ દિવસ થયા હતા. સાસુએ કહ્યું કે ખાંડવી બનાવો. મને કંઈ આવડતું નહોતું. મેં મારી નણંદને પૂછuં તો તેણે કહ્યું કે એક કપ લોટમાં ચાર કપ છાશ નાખી દો એટલે ખાંડવીનો લોટ તૈયાર થશે. મેં આ રીતે કર્યું અને એ મિશ્રણ એટલું ઢીલું બની ગયું કે એમાંથી ખાંડવી તો શું, ઢોકળાં બનાવવા પણ શક્ય નહોતું. પછી મેં મારી નણંદને આ વિશે જણાવ્યું તો તેણે કહ્યું કે હજી બા આવ્યાં નથી; કંઈક બીજું બનાવી નાખો, કોઈને ખબર નહીં પડે. પછી મેં થોડી બુદ્ધિ દોડાવી અને એ મિશ્રણમાંથી થોડા મિશ્રણમાં રવો ઉમેર્યો. બાકીના ખીરાની કઢી બનાવી અને રવાવાળા ખીરામાંથી એમાં ભજિયાં જેવી ડબકીઓ પાડી અને આમ ડબકાં કઢી જેવું બની ગયું. આ કઢી ઘરનાઓને પીરસી ત્યારે સાસુ ખરેખર ખૂબ ખુશ થયાં અને મને શાબાશી આપી. જોકે પછીથી તેમણે મને ખાંડવી તેમ જ બાકીની રસોઈ બનાવતાં શીખવી.

સાસુ મારા મેન્ટર

મારાં સાસુએ મને ખૂબ શીખવ્યું છે. તેઓ હંમેશાં મને પ્રોત્સાહન આપતાં. મારાં મમ્મી નહોતાં એટલે હું માસી, મામી, ફોઈ જેવાં રિલેટિવ્સ સાથે રહીને મોટી થઈ હતી. એવામાં મને રસોઈ તો આવડી ગયેલી, પણ ખરા અર્થમાં બધું જ મને મારાં સાસુએ શીખવેલું.

મારી રસોઈ

હવે ઘરે મહારાજ હોવાથી રસોઈ બનાવવાનો એટલો ચાન્સ મળતો નથી, પરંતુ મને આપણું ભારતીય પરંપરાગત ભોજન બનાવવું ખૂબ ગમે છે. બાકી નૂડલ્સ, ટાકોઝ, પંજાબી નાન જેવી વાનગીઓ પણ મેં બનાવી છે. ઘરમાં આજેય દાળ-શાક મારા જ હાથના ખાવાની બધા ડિમાન્ડ કરે અને દીકરો તેમ જ વહુ હું જો કંઈ નવું બનાવું તો ખૂબ પ્રોત્સાહન આપે. મારી વહુ પણ રસોઈની શોખીન છે. હું કોબી, ગાજર, દૂધી વગેરેના હેલ્ધી સૂપ પણ રોજ બનાવું છું.

અખતરાનો શોખ

મને નવી-નવી ચીજો બનાવવાનો શોખ છે એટલે જો કોઈની પાસે કંઈ નવી રેસિપી સાંભળી હોય તો એ હું ઘરે એક્સપરિમેન્ટ જરૂર કરું. થોડા સમય પહેલાં મેં કોઈના મોઢેથી પાકા ટમેટાની બરફી વિશે સાંભળ્યું હતું અને પછી મેં એમાં મારી બુદ્ધિ દોડાવી ઘરે ટ્રાય કરી અને એ ખરેખર સારી બની. આ રીતે અખતરા કરવામાં ક્યારેક બગડી પણ જાય, પરંતુ આમ બગડે તો એમાંથી શીખવા જ મળે. હું ક્યાંય પણ ફરવા જાઉં તો ત્યાંથી કંઈ તો શીખી જ આવું. મને રસોઈ બનાવાનો શોખ છે એટલે ૭૫ વ્યક્તિઓની રસોઈ પણ કલાક જેટલા સમયમાં બનાવી લઉં. મને મૂળ તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું ખૂબ ગમે છે.

શાંતિથી કરો

રસોઈ કરીએ ત્યારે જો ખૂબ ઉતાવળ હશે તો એ રસોઈ સારી નહીં બને. એના કરતાં શાંતિથી બનાવશો તો એ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનશે. શાક બનાવવું હોય ત્યારે એમાં પાણી નાખી ફટાફટ બાફી લેવાના ચક્કરમાં હશો તો એનો સ્વાદ સારો નહીં બને. એના કરતાં એને તેલમાં જ ચોડવીને રાંધવું જોઈએ. આ સિવાય રસોઈમાં ક્યારેય સોડા કે લીંબુનાં ફૂલ ન વાપરવાં, કારણ કે એ ચીજો હેલ્થ માટે સારી નથી. રસોઈ કરો ત્યારે ધીરજ રાખવી અને એ જ ધીરજ રાખી રસોઈ કરવી જેથી એમાં સ્વાદ આવે.

સીક્રેટ ટિપ

કૂકરમાં લીલાં શાકભાજી બનાવતી વખતે એ રંગે લીલાં જ રહે એવી ઇચ્છા હોય તો શાક વઘાર્યા બાદ એમાં ધાણા-જીરું, હળદર, લાલ મરચું જેવો મસાલો ઉપરથી નાખો પરંતુ મિક્સ ન કરો. કૂકર બંધ કરી દો. ચડી જાય એટલે કૂકર ખોલ્યા બાદ હલાવીને મસાલો મિક્સ કરો. આ રીતે ફણસી, ચોળી, વટાણા જેવાં શાકનો રંગ લીલો જ રહેશે.

- તસવીર : નેહા પારેખ