“હું ખૂબ સિમ્પલ છોકરી છું”

21 August, 2012 06:14 AM IST  | 

“હું ખૂબ સિમ્પલ છોકરી છું”

અર્પણા ચોટલિયા

ખૂબ જ સિમ્પલ પણ સુંદર દેખાતી યામી ગૌતમ પર્સનાલિટીને શોભે એવું સ્ટાઇલિંગ કરવામાં માને છે. તે ક્લાસી સ્ટાઇલિંગમાં માને છે જે ખૂબ ભડકીલું ન હોય, પણ દેખાવમાં સારું લાગે. તેણે મિડ-ડે સાથે શૅર કર્યા પોતાનાં સ્ટાઇલિંગ સીક્રેટ્સ.

બી નૅચરલ

મારા માટે સ્ટાઇલિંગ એટલે કંઈક એવું જે મારા કમ્ફર્ટ ઝોનમાં આવતું હોય. જે પણ ફૅશન કરો એ તમારા વ્યક્તિત્વને શોભતી હોવી જોઈએ. મને બહુ ભપકાદાર સ્ટાઇલિંગ કરવું નથી ગમતું. હું કમ્ફર્ટેબલ લાગે એવાં કપડાં પહેરવાનું પસંદ કરું છું. કોઈએ પણ સારા દેખાવા માટે વધુપડતા પ્રયત્નો ન કરવા જોઈએ. વ્યક્તિનો નૅચરલ લુક જેટલો સારો લાગી શકે છે એટલો આર્ટિફિશિયલી ક્રીએટ કરેલો નહીં.

કૅઝ્યુઅલ ડ્રેસિંગ

શૂટિંગ ન હોય ત્યારે હું મોટા ભાગે હૅરમ પૅન્ટ્સ, કુરતી કે શૉર્ટ્સમાં જોવા મળીશ. ઘણા લોકો શૉર્ટ્સ પહેરવાને બોલ્ડનેસ માને છે, પરંતુ એવું નથી. શૉર્ટ્સ પહેરવામાં કમ્ફર્ટેબલ લાગે છે અને દેખાવમાં ક્યુટ પણ. મને ગર્લી લાગે એવાં ફ્લોરલ પ્રિન્ટનાં ડ્રેસિસ અને ટૉપ્સ પહેરવાં પણ ગમે છે. જુદી-જુદી ડિઝાઇનની કુરતીઓ પણ મને પહેરવી ગમે છે.

સાડી ફેવરિટ

હંમેશાં હું કમ્ફર્ટ ઝોનમાં રહીને અને કૅઝ્યુઅલ ડ્રેસિંગ જ કરું છું એવું પણ નથી. જો કોઈ અવૉર્ડ ફંક્શનમાં જવાનું હોય તો હું મૈસુર સિલ્કની સાડી પહેરવાનું પસંદ કરું છું. અહીં ફાયદો એ છે કે ગાઉન કે બીજો કોઈ ડ્રેસ પહેરવામાં ક્યારેક તમારો ફિયાસ્કો થઈ શકે છે, પરંતુ સાડી ક્યારેય ખોટી ન પડી શકે. સાડીઓમાં સબ્યસાચી મારા ફેવરિટ ડિઝાઇનર છે તેમ જ મસાબા ગુપ્તાની નવી એક્સપરિમેન્ટલ ડિઝાઇનર સાડીઓ પણ મને પસંદ છે. મસાબાની ડિઝાઇનોએ સાડીને એક જુદી જ વ્યાખ્યા આપી છે.

આ સિવાય જ્યારે કોઈ ફૉર્મલ ઇવેન્ટમાં જવાનું હોય ત્યારે પ્રેઝન્ટેબલ લાગે એવાં બ્રૅન્ડેડ કપડાં પહેરવાનું હું પસંદ કરું છું.

ઓછામાં ઓછી ઍક્સેસરીઝ

મને જ્વેલરીનો એટલો શોખ નથી એટલે ઍક્સેસરીઝ બને એટલી ઓછી પહેરું છું. પણ મને સ્ટિલેટોઝ શૂઝ અને ઘડિયાળોનો ખૂબ શોખ છે. મારી પાસે સ્ટિલેટોઝ ઑલમોસ્ટ દરેક કલરમાં છે, જેમાંથી રેડ અને બ્લૅક મારાં ફેવરિટ છે. મને રંગો સાથે એક્સપરિમેન્ટ કરવાનું પણ પસંદ છે. આમ તો કપડાંની બાબતમાં બ્લૅક મારો ફેવરિટ છે, પરંતુ હાલમાં જેનો વધુ ટ્રેન્ડ છે એવા બ્રાઇટ રેડ, ઑરેન્જ, યલો, બ્લુ જેવા રંગો પણ મને ગમે છે.

શૉપોહૉલિક છું

હું પહેલાં શૉપોહૉલિક નહોતી, પણ હવે બની ગઈ છું. મને આપણા દેશમાંથી જ શૉપિંગ કરવું ગમે છે. ઝારા બ્રૅન્ડની ડિઝાઇનો ખૂબ સોબર અને સ્ટાઇલિશ હોય છે એટલે મને એ ગમે છે. બાકી મારું હોમટાઉન ચંડીગઢ શૉપિંગ માટે ફેવરિટ છે. ચંડીગઢમાં જે જોઈએ એ બધું જ મળી જાય છે. કૂલ અને કૅઝ્યુઅલ એવી બધી જ ચીજોનું શૉપિંગ ત્યાં શક્ય છે. ચંડીગઢમાં પણ મોટા ભાગની બધી જ બ્રૅન્ડ મળી રહે છે એટલે મને ત્યાં શૉપિંગ કરવાની ખરેખર ખૂબ મજા આવે છે.

સ્ટાઇલ મંત્ર

સેક્સી કે બ્યુટિફુલ લાગવાની ટ્રાય ન કરો. ટ્રાય નહીં કરો અને જેવા છો એવા જ રહેશો તો એમાં જ સૌથી સુંદર અને સેક્સી લાગશો.