વિન્ટરમાં સેલિબ્રિટી સ્ટાઇલ

23 December, 2011 07:40 AM IST  | 

વિન્ટરમાં સેલિબ્રિટી સ્ટાઇલ



સ્ટાર & સ્ટાઇલ

શિયાળામાં સ્વેટર, શાલ અને લેધર જૅકેટથી આગળ વધીને બીજું ઘણું છે. અહીં તકલીફ એ છે કે બીજી ચીજોને ક્યારેય વિન્ટર-વેર તરીકે જોવાતી જ નથી, આવી પરંતુ એ ચીજોને શિયાળામાં ખૂબ સ્ટાઇલથી પહેરી શકાય છે. વાત છે તાજેતરમાં સેલિબ્રિટીઓએ ઠંડી ન હોવા છતાં પણ કરેલી વિન્ટર સ્ટાઇલ. આમ પણ બૉલીવુડમાં એક કરે એ સ્ટાઇલ બીજા પણ ફૉલો કરે જ છે. તો જોઈએ કેટલીક વિન્ટર સ્પેશ્યલ સ્ટાઇલ્સ.

કાર્ડિગન

લાંબું અને ફ્લો થતું કાર્ડિગન આ સીઝનમાં ખૂબ ટ્રેન્ડી લાગશે. આને તમે બાંધી પણ શકો છો અને ખુલ્લું પણ છોડી શકો છો. કાર્ડિગનને કોઈ પણ બેઝિક ટી-શર્ટ કે ટૅન્ક-ટૉપ સાથે પહેરી શકાય કે પછી શૉર્ટ્સ અને ડ્રેસિસ પર પણ સારું લાગશે. નેવી, બ્લૅક, ગ્રે જેવા બેઝિક રંગો કાર્ડિગનમાં સારા લાગે છે. શિયાળામાં બટન બંધ કરેલું સિમ્પલ કાર્ડિગન પણ સારું રહેશે.

સ્કાર્ફ

શિયાળામાં ચેક્સવાળા સ્કાર્ફનો આઇડિયા ક્યારેય ફેલ નહીં જાય. જો તમને ગળા પાસે કંઈ વીંટાળવાથી તકલીફ ન થતી હોય તો આ સ્ટાઇલ તમારા માટે છે. આ સ્કાર્ફને તમારા ગળા ફરતે વીંટાળીને ખભા પર જ ડબલ કરી દો, જે ખૂબ ઠંડી લાગે ત્યારે એક શાલની પણ ગરજ સારશે.

સ્વેટર ડ્રેસ

જૂના જીન્સ અને સ્વેટરનું કૉમ્બિનેશન ટ્રાય કર્યું હોય તો તમને ખબર હશે કે સ્વેટર-ડ્રેસમાં ઘણું નાવીન્ય ઉમેરી શકાય છે. કાઉલ નેક, ટાઈ-અપ જેવી કેટલીક સ્ટાઇલ ન્યુ યરના સેલિબ્રેશન વખતે પહેરવા માટે ખૂબ સારી રહેશે. એક વાત ધ્યાનમાં રાખો કે આ ડ્રેસ ટાઇટ ફિટિંગમાં હોવો જરૂરી છે. જોઈએ તો નીચે લેગિંગ્સ અને સાથે એક શૉર્ટ લેધર જૅકેટ પહેરી શકાય. અથવા સ્વેટર-ડ્રેસ સાથે એક જાડો સ્ટાઇલિશ બેલ્ટ પહેરો.

ફેધર અને ફર

પીંછાં અને ફર શિયાળામાં પહેરવા માટે એક બેસ્ટ ઑપ્શન છે. જૅકલીનની જેમ ફરનું સ્કર્ટ કે પછી ફર અને ફેધરવાળો સ્કાર્ફ દેખાવમાં સારો લાગશે. સિમ્પલ ટી-શર્ટમાં નેકલાઇન પર અને સ્લીવ પર ફેધર લગાવી શકાય.

લેધર


આ સીઝનમાં તમને કદાચ લાંબા બૂટ્સ પહેરવાનું મન થતું હશે. તો એવામાં ચામડાના લાંબા બૂટ્સ પહેરો. લેધર બૂટમાં જો હિલ્સ ફ્લૅટ હશે તો એ લેગિંગ્સ કે ડેનિમ સાથે સારું લાગશે. પ્લસ અહીં જેટલા બૂટ લાંબા હશે, ઉપર જૅકેટ એટલું જ ટૂંકું પહેરો. અહીં કરીના કપૂર અને બિપાશા બન્નેને ટૂંકાં લેધર જૅકેટ ખૂબ ટ્રેન્ડી લાગી રહ્યાં છે.

ટ્રેન્ચ કોટ

આ સીઝનમાં એક લાંબા ટ્રેન્ચ કોટ કરતાં વધારે સ્ટાઇલિશ અને ટ્રેન્ડી બીજું કંઈ નથી, પણ હા, અહીં ટ્રેન્ચ સાથે પેન્ટ નથી પહેરવાનું. દીપિકા પાદુકોણની જેમ વનપીસની જેમ ટ્રેન્ચને ડ્રેસ તરીકે પણ પહેરી શકાય. ટ્રેન્ચ જરૂરી નથી કે લેધર કે ફરનો જ પહેરો. આવો શૅંટલે લેસવાળો ટ્રેન્ચ કોટ ગમે એ સીઝનમાં પહેરી શકાય.