પવિત્ર દિવસોએ સફેદ પણ પહેરી શકાય

13 November, 2012 06:32 AM IST  | 

પવિત્ર દિવસોએ સફેદ પણ પહેરી શકાય



આજે નવ વર્ષ છે ત્યારે લોકો વાઇબ્રન્ટ અને બ્રાઇટ કપડાં પહેરવાનું પસંદ કરે છે, પરંતુ સફેદ રંગના રૉયલ લુકવાળા ડ્રેસિસ આજના દિવસે ખરેખર ખૂબ સુંદર લાગી શકે છે. એક સ્ત્રીના વૉર્ડરોબમાં ફક્ત એક વાઇટ શર્ટ જ નહીં, પરંતુ વાઇટ ઇન્ડિયન અટાયર પણ હોવું જરૂરી છે. વાઇટ સુંદર લાગે છે અને ભીડમાં નોખા તરી આવવાનો મોકો આપે છે. આજકાલ બૉલિવુડની ઍક્ટ્રેસોમાં પણ આ રંગ ખૂબ ફેવરિટ બન્યો છે. જોઈએ તહેવારોમાં વાઇટ પહેરવો હોય તો કેવા પર્યાય છે.

ફૅબ્રિક

વાઇટમાં કૉટન ન લેતાં થોડું રિચ મટીરિયલ પસંદ કરવું. સિલ્ક, લખનવી ચિકન, બ્રોકેડ, શિફોન જેવા ફૅબ્રિક રિચ લાગશે. વાઇટમાં હાલમાં હેવી લખનવી ચિકન મટીરિયલ ખૂબ ચાલી રહ્યું છે. ચિકનના લાંબા કુરતામાં બાદલો ટંકાવી શકાય. એ સિવાય શિફોનની ઓવરઑલ દોરા અને ટિક્કી વર્કવાળી સાડી પણ ખૂબ રિચ લુક આપશે.

શેડ

વાઇટમાં બ્રાઇટ વાઇટ શેડ પહેરવો જ જરૂરી નથી. થોડો પીળાશ પડતો સફેદ રંગ કે પછી વાઇટિશ બેજ શેડ સારો લાગશે. એ સિવાય સફેદમાં પણ મિલ્કી વાઇટ, પેલ વાઇટ, ક્રીમી વાઇટ જેવા ઘણા ઑપ્શન મળશે.

કૉમ્બિનેશન

વાઇટ સાથે કોઈ પણ રંગ સારો જ લાગે છે, પરંતુ અહીં તહેવારમાં પહેરવાનો છે એટલે બ્રાઇટ શેડ મૅચ કરવા જોઈએ. વાઇટ સાડી કે ડ્રેસમાં રેડ, ગ્રીન, યલો, પર્પલ, પિન્ક, પોપટી જેવા શેડની બ્રોકેડની બૉર્ડર સારી લાગશે. વાઇટ સાથે આ બધા જ ડાર્ક કલર્સ ઊઠીને દેખાશે અને તમારો ડ્રેસ પૂરો સફેદ-સિમ્પલ પણ નહીં લાગે. શિફોન કે જ્યૉર્જેટના વાઇટ અનારકલી ડ્રેસ કે સાડીમાં થોડી જાડી રૉ-સિલ્કની રંગીન કે બ્રોકેડની બૉર્ડર લગાવી શકાય.

ડ્રેસિંગ ઑપ્શન

વાઇટમાં હેવી અનારકલી સૂટ પહેરી શકાય, જેમાં રિચ ગોલ્ડન બૉર્ડર ફેસ્ટિવ ટચ આપશે. વાઇટ અને ગોલ્ડનું કૉમ્બિનેશન આમ પણ સદાબહાર છે. નેટની સાડીઓ પણ અત્યારે ઇન ટ્રેન્ડ છે. નેટની વાઇટ સાડીમાં ડાયમન્ડ વર્ક કરાવી ડિઝાઇનર ચોલી સાથે એને પહેરી શકાય. ચોલીમાં વેલ્વેટનો વપરાશ સુંદર લાગશે. દિવાળી અને ન્યુ યરની ડિનર પાર્ટીઓ માટે આ બેસ્ટ લાગશે.

ફેસ્ટિવલ્સમાં સલવાર કમીઝ હંમેશાં એવરગ્રીન લાગે છે. ચાઇનીસ કૉલરના ચિકનકારીના કુરતા સાથે સ્ટિફ ગોલ્ડ ટોનવાળું ચૂડીદાર સુંદર લાગશે.

સાડી સદાબહાર


સાડીઓ ક્યારેય આઉટ ઑફ સ્ટાઇલ જતી નથી, પરંતુ જો હેવી ઝરી વર્ક અને બ્રાઇટ રંગો તમારી પસંદ ન હોય તો કેરેલા સ્ટાઇલની વાઇટ કૉટનની ગોલ્ડન બૉર્ડરવાળી સાડી સુંદર લાગશે. બંગાળની કાથા વર્ક, તામિલનાડુની કાંજિવરમ, મહારાષ્ટ્રની પૈઠણી કે કેરેલાની કસાવુ સાડીઓ સુંદર લાગશે.

પ્રેગ્નન્સી વેઅર


ફેસ્ટિવલ્સના સમયે પ્રેગ્નન્ટ હોય એ સ્ત્રીઓ હંમેશાં પોતોના ડ્રેસિંગમાં સિમ્પલ રહેવા માગતી હોય છે, પરંતુ તાજેતરમાં કરીનાનાં લગ્નમાં પ્રેગ્નન્ટ અમ્રીતા અરોરાએ જે ટાઇપના ઘાઘરા-ચોળી પર્હેયા હતા, એ બેસ્ટ લાગશે. તેણે ચોળીને બદલે ઘાઘરા સાથે લાંબી કમીઝ પહેરવાનું પસંદ કર્યું હતું, જેથી પેટનો ભાગ ઢંકાય જાય અને ફેસ્ટિવ ટચ પણ મળે.

આઇ-કૅચિંગ ચોલી


વાઇટ લહેંગા-દુપટ્ટો પહેરી એને આકર્ષક બનાવવા માટે પ્રિયંકા ચોપડાની જેમ બ્રાઇટ કલરની ચોલી સાથે મૅચ કરી શકાય. દિવાળીમાં ચમક-દમક સારી લાગશે એટલે વેલ્વેટ કે ગોટાનું ચળકતું મટીરિયલ લગાવી શકાય.