સફેદ રંગ ઘરમાં શીતળતા ફેલાવે

27 September, 2012 06:07 AM IST  | 

સફેદ રંગ ઘરમાં શીતળતા ફેલાવે



દેખાવમાં સુંદર પણ સાચવવામાં ખૂબ અઘરો એવો સફેદ રંગ હોમ ડેકોરમાં વાપરવામાં સૌથી બેસ્ટ ગણાય છે, પરંતુ એની સાચવણીમાં લેવી પડતી એક્સ્ટ્રા મહેનતને કારણે મોટા ભાગે લોકો એને વાપરવાનું ટાળતા રહે છે. આ રંગ નાની જગ્યાને મોટી દેખાડે છે. અંધારું હોય તો અજવાળું ફેલાવવા માટે આ રંગ બેસ્ટ છે. એ ઉપરાંત એ એટલો વર્સટાઇલ છે કે કોઈ પણ બીજા રંગ સાથે મૅચ કરી શકાય છે. જોઈએ ઘરમાં કઈ રીતે આ રંગને ઉપયોગમાં લઈ શકાય.

વાપરો, પણ ધ્યાનથી

જો તમારા ઘરમાં નાનાં બાળકો હોય તો સફેદ રંગ દીવાલ પર વાપરવાનો ખ્યાલ પડતો મૂકવો જ સલાહભર્યું છે, કારણ કે વાઇટ કલર જેટલી આસાનીથી મેલો થાય છે એટલો જ એને સાફ કરવો અઘરો છે. જો સફેદ રંગ વાપરવાનું ધારી જ લીધું હોય તો રૂમના દરવાજા તમે હાજર ન હો ત્યારે બંધ રાખવા તેમ જ વાઇટ ફર્નિચર પર પ્લાસ્ટિકનું પૅનલિંગ કરાવવું જેથી બાળકો એની પહોંચથી દૂર રહે. દીવાલ પર વાઇટ લગાવો તો એ વૉશેબલ કે પ્લાસ્ટિક-કોટેડ હોવો જોઈએ જેથી ડાઘ લાગે તો આસાનીથી સાફ કરી શકાય.

સફેદની રંગછટાઓ

ઘરસજાવટમાં વાઇટ વાપરતી વખતે એનો એક જ શેડ ન વાપરવો, ઓછામાં ઓછા બે કે ત્રણ શેડનું કૉમ્બિનેશન દેખાવમાં સારું લાગશે. વાઇટનો ચળકતો બ્રાઇટ શેડ સ્વચ્છતાની નિશાની છે, જ્યારે થોડો ડાર્ક શેડ રોમૅન્ટિક  વાતાવરણ ઊભું કરે છે એટલે સલાહ એ છે કે સફેદ રંગના ઓછામાં ઓછા બે જુદા-જુદા શેડ વાપરો, જેથી રૂમને જોઈતું ટેક્સ્ચર અને ડાઇમેન્શન મળી રહે. આખા ઘરમાં ફ્ક્ત એક જ વાઇટનો શેડ વાપરવાથી રૂમ ખૂબ શાંત લાગશે, પણ અહીં એય ધ્યાનમાં રાખવાનું છે કે રૂમની સાદગી અને સુંદરતાને ધ્યાનમાં રાખતાં ત્રણ કરતાં વધારે સફેદના શેડ પણ ન વાપરવા જોઈએ. નહીં તો એ કાબરચીતરું લાગશે. જે શેડ દીવાલો પર હોય એ જ રંગ પાછો ફ્લોરિંગ કે સીલિંગમાં ન વાપરવો. આ રીતે જુદા શેડ્સ વાપરવાથી જોનારની મૉનોટોની તૂટશે અને ડેકોરેશન ક્રીએટિવ લાગશે.

શેમાં વાપરી શકાય?


વાઇટની આખી થીમને ધ્યાનમાં રાખતાં ઘરના ફનર્ચિર અને ઍક્સેસરીઝમાં પણ વાઇટનો થોડો ટચ હોવો જોઈએ. બીજી ઍક્સેસરીઝમાં આરસની મૂર્તિઓ, વાઝ, સોફા અને બેડ પરના પિલો વગેરેને તમે ઘરમાં વપરાયા હોય એના કરતાં થોડા જુદા શેડમાં બનાવડાવી શકો છો; પણ આ માટે સોફાનો રંગ સફેદ ન હોય એ ધ્યાનમાં રાખો. સોફો અને પિલો બન્ને વાઇટ હશે તો કંઈ દેખાશે જ નહીં. સોફો વાઇટ હોય તો એના પર ડાર્ક પિન્ક, ગ્રીન, યલો, પર્પલ જેવા શેડના પિલો રાખી શકાય. 

લાઇટિંગ


સફેદ રંગ બીજા કોઈ પણ રંગ કરતાં વધારે લાઇટ રિફ્લેક્ટ કરે છે. એનાથી રૂમ વધારે મોટો અને રોશનીવાળો લાગે છે. રોશનીમાં વધારો કરવા માટે મોટા અરીસા સારું કામ કરશે. રૂમમાં વધારે સૂર્યપ્રકાશ આવે એ માટે વિન્ડોના પડદા પણ ખુલ્લા મૂકી શકાય. વાઇટ રંગ ઠંડક પણ આપે છે એટલે જો વધારે તડકો આવે તો પણ રૂમમાં હાજર વ્યક્તિને ગરમીનો અનુભવ નહીં થાય. ખાસ કરીને સીલિંગમાં વાઇટનો વપરાશ કરવો.

આટલું અવૉઇડ કરો

સફેદ રંગથી ઘરને ડેકોરેટ કર્યા પછી રૂમ હંમેશાં સાફ રહે એ મહત્વનું છે. સફેદ રંગથી આખા ઘરને સજાવ્યા બાદ જો તમે ડેકોરેશનમાં કોઈ એવી ચીજ રાખશો જે આખા ઘરના ડેકોર સાથે મેળ ન ખાતી હોય કે પછી જોનારની આંખોમાં ખૂંચતી હોય તો એ આખા ઘરના લુકની શાંતિમાં ખલેલ પહોંચાડશે. આ રૂલ જે પણ ઘરમાં સફેદ રંગનો વપરાશ થયો હોય એવાં બધાં જ ઘર માટે ઍપ્લિકેબલ છે.