લાઇફ-સ્ટાઇલ એટલે શું?

02 October, 2012 05:44 AM IST  | 

લાઇફ-સ્ટાઇલ એટલે શું?



અર્પણા ચોટલિયા

લાઇફ-સ્ટાઇલ ખૂબ સામાન્ય શબ્દ છે જે દરેક બીજી વ્યક્તિના મોંમાંથી સાંભળવા મળે છે. કેટલાક માટે લાઇફ-સ્ટાઇલનો અર્થ મોંઘાંદાટ બ્રૅન્ડેડ વસ્ત્રો છે તો કેટલાકને સુંદર લોકેશન પર વેકેશન માણવું એ લાઇફ-સ્ટાઇલ લાગે છે. આજે દિયા મિર્ઝા જણાવે છે કે તેના માટે લાઇફ-સ્ટાઇલનો અર્થ શું છે.

ગ્રીન લિવિંગ

મારા હિસાબે વ્યક્તિની લાઇફ-સ્ટાઇલ કોઈ બીજાને નુકસાન ન પહોંચાડે એવી હોવી જોઈએ. હું ગ્રીન લિવિંગના પ્રિન્સિપલ્સ ફૉલો કરું છું જેનો અર્થ એ છે કે હું એવું કંઈ પણ નહીં કરું જેમાં પર્યાવરણને નુકસાન થાય. ઘરે હું જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી દઉં છું. મોટા ભાગે આપણે આવી ચીજો પર ધ્યાન નથી આપતા, પણ એ ખૂબ મહત્વની છે. બીજી એક મહત્વની બાબત એ છે કે હું ખરેખર પ્લાસ્ટિકના ઉપયોગ પર બૅન મૂકવા માગું છું. હું જ્યારે પણ શૉપિંગ કરવા જાઉં ત્યારે જૂટ અથવા કાપડની થેલી સાથે લઈને જાઉં છું. આ હું મારા એક અંકલ પાસેથી શીખી છું. તેઓ હંમેશાં પોતાની સાથે સ્કૂટરની સીટ નીચે કપડાની એક થેલી રાખતા. મેં મારા ઘરે જે કરિયાણા અને શાકભાજીવાળો આવે છે તેમને મોટી કપડાની થેલી આપી રાખી છે જેથી તેઓ ચીજો લાવે ત્યારે એ જ થેલીમાં લાવે. આ રીતે મારે તેમની પાસેથી જુદી-જુદી પ્લાસ્ટિકની થેલીઓ ન લેવી પડે. આ ખૂબ નાની ચીજો છે પણ ગ્રીન લાઇફ-સ્ટાઇલ માટે જરૂરી છે.

ટ્રાવેલિંગ

જો વ્યક્તિને શોખ હોય તો તે એ પ્રત્યે હંમેશાં જાગ્રત રહેશે. નવા-નવા ટ્રેન્ડ્સ અને ખબરો વિશે જાગ્રત રહેવું એ પોતાના પર્સનલ ગ્રોથ માટે જરૂરી છે. ફૅમિના મિસ ઇન્ડિયા જીત્યા બાદ મારી જાગરૂકતામાં ખૂબ ફેરફાર થયો હતો. ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ પર ગયા બાદ  મને જુદા-જુદા દેશ વિશે જાણવા મળ્યું. મારા હિસાબે કંઈક નવું શીખવા માટે ટ્રાવેલિંગ બેસ્ટ ફૉર્મ છે. તમે જેટલું વધુ ટ્રાવેલ કરશો એટલું તમને નવા-નવા લોકો વિશે જાણકારી મળશે, તમે લોકો સાથે કનેક્ટ થઈ શકશો.

કલ્ચર

તમારો ઉછેર જે રીતે થયો હોય એનાથી તમારી પસંદ-નાપસંદ ઊભી થાય છે અને પસંદ પર લાઇફ-સ્ટાઇલ કેવી બનશે એ આધાર રાખે છે. હું મોટી થતી ગઈ એમ મારી પસંદ ચેન્જ થતી ગઈ. હું મિડલ ક્લાસ ઘરમાં ઊછરેલી છું. જ્યાં સુધી મારી પેન્સિલ બે ઇંચ જેટલી નાની ન થઈ જાય ત્યાં સુધી હું બીજી પેન્સિલની ડિમાન્ડ નહોતી કરી શકતી અને હું એ પૈસા બચાવવા નહીં બલ્કે મારી ચીજોનો સહી વપરાશ થાય એ માટે કરતી. મને કોઈ દિવસ મારા પેરન્ટ્સે વધુ ભપકો નથી દેખાડ્યો અને હંમેશાં જે છે એને જ વૅલ્યુ કરતાં શીખવ્યું છે.

પૈસા

પૈસા ખુશી નથી ખરીદી શકતા, પણ એ તમને પસંદ કરવાની ફ્રીડમ આપે છે જેનાથી ખુશી આપોઆપ મળી રહે છે. મને મારી ફૅમિલી માટે ગિફ્ટ ખરીદવી ખૂબ પસંદ છે. હું કપડાં અને હોમ ડેકોરની ચીજો પર ખૂબ ખર્ચ કરું છું. હું ઇન્વેસ્ટમેન્ટ પણ કરું છું. મને પૈસાની બાબતમાં રિસ્ક લેવું પસંદ નથી. હું લાલચી નથી અને કોઈ એક વસ્તુ પાછળ ક્રેઝી પણ નથી બનતી.

પર્સનાલિટી

મારી જરૂરતો ખૂબ સિમ્પલ છે. હું નાની-નાની ચીજોથી પણ ખુશ થઈ જાઉં છું. હું મટીરિયલિસ્ટિક નથી, પણ મને ખબર છે કે હું ફાઇનૅન્શિયલી સ્વતંત્ર છું. લાઇફને પોતાની રીતે જીવવી પણ એક લાઇફ-સ્ટાઇલ છે. લાઇફનો મંત્ર છે દરેક દિવસને એ રીતે માણો કે એ તમારો છેલ્લો દિવસ હોય, કારણ કે એ રીતે તમે ચિંતા ઓછી કરશો. હું ક્યારેય કોઈ ગોલ સેટ નથી કરતી અને એના પર કામ પણ નથી કરતી.