ફેસ પ્રમાણે પહેરો ઇયરરિંગ્સ

07 December, 2011 08:46 AM IST  | 

ફેસ પ્રમાણે પહેરો ઇયરરિંગ્સ



ચહેરા પ્રમાણે ઇયરરિંગ્સ પસંદ કરવા માટે કેટલાક બેઝિક રૂલ છે જે ધ્યાનમાં રાખવા જરૂરી છે. મોટા ભાગની ભારતીય સ્ત્રીઓનો ચહેરો લંબગોળ અથવા ગોળ હોય છે. એના પર સીધાં અને થોડી જ્યૉમેટ્રિકલ ડિઝાઇનવાળાં ઇયરરિંગ્સ ખાસ સૂટ થાય છે, કારણ કે આવાં ઇયરરિંગ્સ ચહેરાને થોડી વધુ લંબાઈ આપે છે; જ્યારે હાર્ટ શેપના ફેસ પર સ્ટ્રેઇટ ઇયરરિંગ્સ સારાં લાગશે. જોઈએ કેટલાક ફેસકટ અને એના પર સૂટ થતી ઇયરરિંગ્સની ડિઝાઇન.

લંબગોળ ચહેરો

આ ફેસકટ સૌથી સારો અને દરેક ચીજ સૂટ કરે એવો હોય છે. સૉફ્ટ શેપ જેવા કે ટિયર ડ્રૉપ્સ, મોતી, સ્ટડ અને કોઈ પણ લંબગોળ શેપના સ્ટોનવાળાં ઇયરરિંગ્સ એના પર સારાં લાગશે. અહીં એ ધ્યાન રાખો કે ઇયરરિંગ્સની ડિઝાઇન એવી હોય જે તમારા માથાની સાઇઝ અને બૉડી-સ્કેલ સાથે બૅલેન્સ થાય.

ગોળ ચહેરો

તમારે લાંબાં ઇયરરિંગ્સ પહેરવાં જોઈએ, જેનાથી તમારો ચહેરો થોડો વધુ લાંબો લાગે અને ફેસને થોડો ઍન્ગલ મળે. લાંબાં, અણીદાર અને લટકતાં ઇયરરિંગ્સ તમારા ફેસ પર સારાં લાગશે. ઝૂમકાવાળા, મોટા અને થોડી બોલ્ડ ડિઝાઇનવાળા સ્ટડ પણ તમારા ચહેરા પર સારા લાગશે.

હાર્ટ શેપ ચહેરો

આ ચહેરો લંબગોળ ચહેરાથી ઘણો મળતો આવે છે, પણ એ ગાલથી નીચેના ભાગમાં સાંકડો અને દાઢી પૉઇન્ટેડ હોય છે તેમ જ કપાળ પહોળું હોય છે. આવો ચહેરો ધરાવતી સ્ત્રીઓએ એવાં ઇયરરિંગ્સ પહેરવાં જે બૉટમમાં પહોળાં હોય. લંબગોળ, ત્રિકોણ કે ડ્રૉપ શેપ તમારા માટે પર્ફેક્ટ રહેશે. તમે વધુ ટ્રેન્ડી લુક માટે પિરામિડ સ્ટાઇલનાં ઇયરરિંગ્સ પણ પહેરી શકો છો.

ચોરસ ચહેરો

ચોરસ ચહેરો ધરાવતી વ્યક્તિએ નાની સાઇઝનાં ગોળ શેપનાં તેમ જ મોટા લંબગોળ શેપનાં ઇયરરિંગ્સ પસંદ કરવાં. તમારે એવાં ઇયરરિંગ્સ પસંદ કરવાં જેની પહોળાઈ એની લંબાઈ કરતાં વધારે હોય.