દીવાલો કેટલી લાલ હોઈ શકે?

01 November, 2012 05:52 AM IST  | 

દીવાલો કેટલી લાલ હોઈ શકે?



કહેવાય છે કે લાલ રંગ પૅશન, રોમૅન્સ અને એક્સાઇટમેન્ટનો છે; પણ સાથે ડેન્જરની નિશાની પણ આ રંગ જ છે. આ કેટલાક એવા રંગોમાંથી છે જે ખૂબ સરળતાથી મૂડ સુધારે છે. કપડાં અને કૉસ્મેટિક્સમાં તો આ રંગ જાદુની જેમ અસર કરે જ છે, પણ છેલ્લાં કેટલાંક વષોર્થી ઇન્ટિરિયરમાં પણ આ રંગનો વપરાશ વધ્યો છે. દીવાલોનો રંગ, પડદા, શો-પીસ વગેરે ચીજોમાં લાલ રંગનો સમાવેશ કરીને ઘરને રેડ હૉટ ટચ આપવામાં આવી રહ્યો છે.

જોખમ

હજીયે ખૂબ ઓછા લોકો છે જેઓ લાલ રંગને હોમ ડેકોરમાં અપનાવવા તૈયાર થયા છે. એનું એક કારણ એ પણ છે કે લોકો આને ડેન્જરનો શેડ માને છે. આ શેડ મેટ હોવાથી વાતાવરણ બંધાયેલું લાગી શકે છે. આ સમસ્યાનું સૉલ્યુશન એ છે કે તમે લાલને એટલી જ માત્રામાં વાપરો જેટલો તમે સહન કરી શકતા હો. ફક્ત એક દીવાલને લાલ રંગ કરી શકાય અથવા કોઈ ઍક્સેસરીમાં આ રંગનો વપરાશ કરી શકાય. દીવાલ પર આ રંગ લગાવો ત્યારે ડ્યુઅલ ટોન પેઇન્ટિંગ સ્ટાઇલ કરાવો, જેમાં લાલને બે જુદા-જુદા શેડનો વપરાશ કરી શકાય.

શેડની પસંદગી

બીજા રંગોની જેમ લાલના પણ બજારમાં અનેક શેડ મળી રહેશે. બ્લશિંગ રેડથી લઈને ક્રીમસન અને રસ્ટિક. ડાર્ક બર્ગન્ડીથી ટૉમેટો રેડ અને ચેરીથી લઈને બ્લડ રેડ સુધીના શેડ આ એક જ રંગના છે અને આમાંથી તમારા ઘરમાં અને તમારી આંખોને કયો શોભશે એ જાણવું જરૂરી છે. અહીં પોતાના પર્સનલ ફેવરિટ કરતાં ઘરમાં બાકીના ફર્નિચરનો રંગ કેવો છે એ ધ્યાનમાં રાખવું વધુ જરૂરી છે. યલો અને વાઇટ સાથે રેડ ઇન્ટિરિયરમાં સુંદર લાગશે. આ સિવાય બ્લૅક સાથે પણ ડ્રામેટિક લુક જોઈતો હોય તો ડાર્ક બર્ગન્ડી રેડ લઈ શકાય. અહીં જે પણ ચીજ વાપરો એમાં ધ્યાન રાખવું કે એ રંગ ઝડપથી ઝાંખો થઈ જાય એવો ન હોવો જોઈએ. રંગ દેખાવમાં જ રિચ લાગવો જોઈએ. એકાદ બેડરૂમમાં જો ગમે તો બધી જ દીવાલોને લાલ રંગથી રંગી શકાય.

સૅમ્પલ

આજકાલ મોટા ભાગની પેઇન્ટ-બ્રૅન્ડ્સ પૅચ-ટેસ્ટની ફૅસિલિટી આપે છે. એટલે તમે લાલના ચાર-પાંચ શેડનાં સૅમ્પલ પૅચ-ટેસ્ટ તમારી દીવાલ પર કરી જુઓ અને ત્યાર બાદ જે રંગ આંખોને વધુ ગમે કે ઘરમાં વધુ સૂટ થાય એનાથી બાકીની દીવાલ પેઇન્ટ કરાવો. સૅમ્પલ-ટેસ્ટ કરાવ્યા બાદ તરત નિર્ણય ન લો, કારણ કે દરેક રંગની દિવસની નૅચરલ અને રાતની આર્ટિફિશ્યલ બન્ને લાઇટમાં ઇફેક્ટ જુદી હશે. આનાથી તમને ખબર પડશે કે તમારે વધુ ડાર્ક કે વધુ લાઇટ રંગની જરૂર છે કે નહીં.

દીવાલને તૈયાર કરો

દીવાલને પેઇન્ટ કરતાં પહેલાં એની નીચે પ્રાઇમર કે બેઝ લગાવવો જરૂરી છે. વાઇટ પ્રાઇમર લગાવ્યા બાદ જો પેઇન્ટ કરશો તો એની ઇફેક્ટ વધુ સારી લાગશે. જો શેડ જેવો દુકાનમાં જોયો હોય એવો જ જોઈતો હોય તો એની નીચે બેઝ લગાવવાની સલાહ છે. રંગ પ્લાસ્ટિક પેઇન્ટ કે વૉશેબલ વરાઇટીમાં સિલેક્ટ કરો, કારણ કે આ રંગ પર કોઈ ડાઘ પડે તો એને ઘસીને કાઢવો આસાન નથી. લાલ રંગ કરતી વખતે જો એ ઘરમાં ક્યાંક પડશે તો ડાઘ નહીં જાય એટલે પેઇન્ટિંગનું કામ ચાલુ હોય એ દરમ્યાન ફ્લોર અને બાકીના ફર્નિચરને જૂની ચાદર કે ન્યુઝપેપરથી કવર કરી લો.

પેઇન્ટિંગ

લાઇટ રંગ કરતાં ડાર્ક શેડમાં જો પૅચ પડશે તો ઊઠીને દેખાશે. એટલા માટે આ રંગના દીવાલ પર બે કોટ કરાવવા. ક્યારેક જોઈતી ઇફેક્ટ માટે ત્રણ કોટ પણ કરાવવા પડી શકે. સ્મૂધ ઇફેક્ટ માટે રોલર જ બેસ્ટ છે. બીજો કોટ કરાવતાં પહેલાં પહેલો કોટ પૂર્ણપણે સુકાઈ જાય એ જરૂરી છે.