વેજિટેબલ બાસ્કેટ સ્કિન કૅર

03 October, 2012 06:28 AM IST  | 

વેજિટેબલ બાસ્કેટ સ્કિન કૅર



હવે બજારમાં શાકભાજી ખરીદવા જાઓ ત્યારે થોડું એક્સ્ટ્રા લઈ લેજો, કારણ કે હવે એ ફક્ત ખાવા માટેનાં જ નહીં, સ્કિન કૅર માટે પણ ઉપયોગમાં લઈ શકાશે. જુદાં-જુદાં ફળોની જેમ શાકભાજીમાં પણ એવા કેટલાક જરૂરી ઍસિડ્સ રહેલા છે જે સ્કિનની અંદર પ્રવેશતાં જ સ્કિનને ચમકાવી દે છે. જોઈએ શાકભાજીની બાસ્કેટમાં એવું શું છે જે પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવી શકે છે.

બટાટા

બટાટા ખૂબ જ યુનિવર્સલ વેજિટેબલ છે. ઑઇલી સ્કિન માટે બટાટા ખૂબ જ ઉપયોગી છે. બટાટામાં રહેલું કેટોન નામનું તત્વ સ્કિનને ક્લીન અને ડિટોક્સિફાય કરે છે, બ્લડ સક્યુર્લેશન ઇમ્પþૂવ કરે છે અને સ્કિન ટોનને મજબૂત બનાવે છે. બટાટા સ્કિન લાઇટ પણ કરે છે. એનાથી ફાઇન લાઇન્સ અને કરચલી દૂર થાય છે. બટાટાથી સ્કિન જો બળી ગઈ હોય તો એમાં ફાયદો થાય છે તેમ જ બટાટા ડાર્ક સર્કલ કે કાળા ડાઘ પણ દૂર કરે છે.

ગાજર

ગાજર હંમેશાં એમાં રહેલાં વિટામિન-એને લીધે સ્કિન કૅર માટે એક્સપર્ટ ગણાયું છે. ગાજરમાં વિટામિન-સી અને પોટૅશિયમ પણ છે. ગાજર સ્કિનના કોષોને રિપેર કરે છે અને મૉઇસ્ચરાઇઝરની ગરજ સારે છે. ગાજર સ્કિન પર ટોનરની ગરજ સારે છે અને સૂર્યના તડકાને લીધે થતા ડૅમેજથી પણ બચાવે છે.

મૂળો

સૅલડમાં મુખ્ય ભાગ ભજવતો મૂળો સુંદરતા મેળવવા માટે ઉપયોગી છે. ડાયેટિંગમાં ફાઇબરથી ભરપૂર એવા મૂળા ખૂબ ફાયદો કરી શકે છે; કારણ કે મૂળામાં કૅલરી, કૉલેસ્ટરોલ અને ફૅટ ઓછી માત્રામાં હોય છે, પરંતુ વિટામિન ભરપૂર હોય છે. મૂળામાં ફાઇબર અને પાણી બન્ને ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. વિટામિન-સીની માત્રા ભરપૂર હોવાને લીધે મૂળો ડિટોક્સિફાયર તરીકે પણ કામ કરે છે. મૂળાનાં પાનમાં એના મૂળની સરખામણીમાં વિટામિન-સી, પ્રોટીન તેમ જ કૅલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે. મૂળાનો રસ ચહેરા પર થતી બળતરામાં રાહત આપે છે તેમ જ ત્વચા પર થયેલા રૅશિસ અને ડ્રાય સ્કિન માટે પણ ફાયદાકારક છે. કાચા મૂળાને મૅશ કરીને ચહેરા પર રિફ્રેશિંગ ફેસ-પૅક તરીકે વપરાશમાં પણ લઈ શકાય.

ટામેટું


દરેક કિચનમાં ખૂબ સામાન્ય રીતે મળી રહેતું નાનકડું ટામેટું સ્કિનને અંદરથી ક્લીન કરે છે. ટામેટું કિચનમાં જોવા મળે એ સામાન્ય વાત છે, પણ જો એ જ ટામેટું ડ્રેસિંગ-ટેબલ પર જોવા મળે તો? છેને થોડી જુદી વાત, પણ છે કામની વાત. કારણ કે ટામેટાંના ગુણો ખરેખર સ્કિન કૅરમાં ખૂબ ઉપયોગી છે. મોટાં રોમછિદ્રોને બંધ કરવાં હોય કે પછી પિમ્પલને ભગાવવા હોય કે પછી તડકામાં થયેલા સનબર્નમાં રાહત મેળવવી હોય તો ટામેટાં બધામાં જ ઉપયોગી છે.

કોળું


કોળાની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઘણી હાઈ છે જે એને એક ઉત્તમ બ્યુટી પ્રોડક્ટ બનાવે છે. કોળામાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને સૌથી વધારે ઉપયોગી એવાં ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો ભરપૂર પ્રમાણમાં મોજૂદ છે જેની શરીરને હેલ્ધી અને યંગ રાખવા માટે ખાસ જરૂર પડે છે. જ્યારે વાતાવરણને લીધે ત્વચા સૂકી અને ડલ થઈ જાય ત્યારે કોળું સ્કિનને નરમ અને સુંવાળી બનાવે છે. આમાં રહેલાં ખાસ કેમિકલ તત્વો યંગર લુક આપે છે તેમ જ ઍસિડિક તત્વો જૂની ત્વચાના લેયરને દૂર કરીને ફ્રેશ અને નવી સ્કિનને બહાર લાવે છે. કોળું સૂકી ત્વચાને સુંવાળી બનાવી ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે. ખીલની તકલીફમાં પણ કોળાની છાલનો ઉપયોગ કરી શકાય છે. કોળામાં રહેલાં ન્યુટ્રિશનો ત્વચામાં થતી બળતરામાં પણ રાહત આપે છે.