એ અજુગતા હેર-ગ્રોથને કહો બાય-બાય

17 October, 2011 08:23 PM IST  | 

એ અજુગતા હેર-ગ્રોથને કહો બાય-બાય



ક્યારેક જો કોઈ બીજાને દેખાઈ જાય અને એ કહે તો એ ખૂબ ઑક્વર્ડ પરિસ્થિતિ હોય છે. કેટલાંક હૉમોર્ન્સમાં વધારા-ઘટાડાને લીધે શરીર આ રીતે વાળ ઊગી નીકળવાની તકલીફ બધાને નથી થતી, પણ સામાન્ય જ છે. આને લીધે તમારે કોઈ હીન ભાવના અનુભવવાની જરૂર નથી. આ ભલે જોવામાં થોડા અજબ લાગે પણ એને કાઢી નાખવાના પણ ઉપાય અઘરા નથી. આ વિશે તમે તમારા હેરડ્રેસર સાથે પણ ચર્ચા કરી શકો છો. જોઈએ મેઇન પ્રૉબ્લેમ એરિયાઓ અને સૉલ્યુશન.

નાક

નાકમાં ઊગી નીકળતા વાળને નાની કાતરથી ટ્રિમ કરી શકાય છે અને આ વાળને તમે જોઈ શકો છો માટે કાતરથી કામ કરવું આસાન પણ રહેશે. આના માટે આગળથી થોડા વળાંકવાળી નાની અને પાતળી કાતરનો ઉપયોગ કરવો. જ્યાં સુધી તમે ફક્ત નાકમાંથી બહાર દેખાતા વાળ કાપો ત્યાં સુધી ઠીક છે, પણ કેટલાક લોકો ખૂબ ઊંડે સુધી કાતર લઈ જાય છે. અહીં મતલબ તો ફક્ત બહાર લટકતા વાળને દૂર કરવાનો જ છે. નાકને ઈજા ન પહોંચે એનું ધ્યાન રાખવું.

આંગળીઓ પર

હાથની તેમ જ પગની આંગળીઓના પાછળના ઉપરના ભાગમાં કેટલાક લોકોને થિક અને લાંબા વાળ ઊગે છે, જે જો ખેંચીને કાઢવામાં આવે તો ખૂબ દુખાવો આપે છે. આ માટે તમે કાતરથી આ વાળને ખૂબ ટ્રિમ કરી શકો છો. જો વાળ ખૂબ કાળા હોય અને કાઢવા જ હોય તો ક્લિપરનો ઉપયોગ કરી શકાય છે.

ગળાની પાછળ

આ એક એવો પાર્ટ છે જ્યાંથી વાળ કાઢવા ખૂબ વધારે અઘરા છે, કારણ કે તમે આ ભાગને જોઈ નથી શકતા. હવે આ માટે હાથમાં એક નાનો અરીસો લો અને મોટા અરીસા સામે ઊંધા ઊભા રહો. આમ તમે બીજા અરીસામાં પહેલા અરીસાનું રિફ્લેક્શન જોઈ શકશો અને ત્યાર બાદ વાળ કાઢવા માટે ટ્રિમર કે રેઝરનો ઉપયોગ કરો. ટ્રિમર કોરી સ્કિન પર વાપરવાનું હોય છે, જ્યારે જો તમે રેઝર વાપરતા હો તો સ્કિન ભીની હોવી જોઈએ. ટ્રિમર ખૂબ નાના વાળ સુધી નહીં પહોંચી શકે પણ રેઝર ખૂબ ઝીણા હેર ગ્રોથને પણ શેવ કરે છે.

ગાલ

પુરુષોને કદાચ આખા ગાલ પર દાઢીના વાળ ઊગી નીકળે એ કદાચ સામાન્ય ગણાતું હશે, પણ ચિકબૉન એટલે કે ગાલનાં હાડકાં પર વાળ ન ઊગવા જોઈએ. અહીં આંખો સુધી શેવિંગ કરવામાં આવે એ નહીં ચાલે. બીજી બાજુ ચીપિયાથી વાળ ખેંચતાં ખૂબ દુખાવો થાય છે. એમાં પણ જો વાળનો ગ્રોથ વધારે હોય તો દુખાવો વધશે. જો પેઇન-ફ્રી ઇલાજ જોઈતો હોય તો ટાઇટ ટ્રિમર વાપરો.

કાન

કાનમાં ઊગતા વાળ દેખાવમાં ખૂબ અજીબ અને અળવીતરા લાગે છે તેમ જ જોઈને થોડું ભદ્દું પણ લાગે છે. વાળ કપાવા જાઓ ત્યારે હેરડ્રેસરને કાનના વાળ કાઢી આપવા માટે રિક્વેસ્ટ કરો એમાં કંઈ ખોટું નથી. કાનના વાળ દર ૬-૮ અઠવાડિયે ટ્રિમ કરાવતા રહેવું પડશે અને અહીં સુવિધા એ છે કે વાળ કપાવવા માટે પણ લોકો નૉર્મલી આટલા સમયનો જ ગૅપ રાખવાનું પ્રિફર કરે છે. જો ઘરે જ આ સમસ્યાનો હલ કાઢવો હોય તો કેટલા વાળ ઊગ્યા છે એને ધ્યાનમાં રાખીને ટ્વિઝરનો ઉપયોગ કરી શકાય. આગળથી ફ્લૅટ કરતા થોડો ટી શેપ આપે એવું ટ્વિઝર વાપરો જેથી એનો પૉઇન્ટ નાનામાં નાના વાળ પણ કાઢી શકો છો.

કાનના વાળ ઉગાડવાનો શોખ

ઉત્તર પ્રદેશનો રાધાકાન્ત બાજપાઈ નામનો આ માણસ દુનિયામાં સૌથી લાંબા કાનના વાળ ધરાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. તેના બન્ને કાનના વાળની લંબાઈ ૨૫ સેન્ટિમીટર છે.