અનઈવન હેમલાઇન

06 June, 2017 05:14 AM IST  | 

અનઈવન હેમલાઇન

ખુશ્બૂ મુલાની ઠક્કર

આજકાલ ટ્રેન્ડમાં છે એ અનઈવન હેમલાઇન એટલે જેનો ઘેરો એકસરખો હોતો નથી. હેમલાઇન એટલે તમે પહેરેલા વસ્ત્રની કિનાર.

અનઈવન હેમલાઇન ટ્રેન્ડમાં તો છે, પરંતુ બહુ ઓછા એને કૅરી કરી શકે છે. અનઈવન હેમલાઇન એક સ્ટાઇલિંગ કહેવાય અને એને એસિમેટ્રિકલ લેન્ગ્થ પણ કહેવાય. લાંબીપાતળી યુવતીઓ પર આ સ્ટાઇલિંગ વધારે સારું લાગે. માત્ર કુરતા કે ફ્લોર-લેન્ગ્થ ડ્રેસ સુધી જ એ સીમિત નથી; ટૉપ્સ, સ્કર્ટ અને જૅકેટમાં પણ આ સ્ટાઇલિંગ જોવા મળે છે. આમાં પણ ઘણા પ્રકાર જોવા મળે છે; જેમ કે સાઇડ, ફ્રન્ટ ઍન્ડ બૅક વગેરે.

(૧) કુરતા

કુરતામાં એસિમેટ્રિકલ હેમલાઇન ઘણી ચાલે છે. એમાં બધી જ લેન્ગ્થ અનઈવન હેમલાઇનવાળી મળે છે, જેમ કે શૉર્ટ લેન્ગ્થથી લઈને લૉન્ગ સુધી. શૉર્ટ લેન્ગ્થમાં સાઇડ અને ફ્રન્ટ બૅક આવે છે. વન સાઇડ અનઈવન હેમલાઇન એટલે જો કુરતાની એક સાઇડની લેન્ગ્થ ૩૬ ઇંચ હોય તો બીજી સાઇડની લેન્ગ્થ ૧૦થી ૧૨ ઇંચ વધારે હોય છે. આવા કુરતા ફ્લોઇંગ ફૅબ્રિકમાં વધારે સારા લાગે છે અથવા તો કૉટન મલ ફૅબ્રિકમાં સારા લાગે જે ફૅબ્રિકનો પોતાનો ફૉલ હોય. ફ્રન્ટ બૅક અનઈવન હેમલાઇન એટલે પાછળની લેન્ગ્થ જો ૪૦ ઇંચ હોય તો આગળની લેન્ગ્થ ૩૬ ઇંચ હોય. આવા કુરતામાં લેન્ગ્થનું વેરિએશન પણ આપી શકાય છે. એસિમેટ્રિકલ કુરતા સાથે ખાસ કરીને ચૂડીદાર સારાં લાગે છે અને એની સાથે હાઈ હીલ્સ પહેરવી. આવા કુરતા સાથે થ્રી-ર્ફોથ સ્લીવ્ઝ સારી લાગે છે અથવા તો સ્લીવલેસ.

(૨) ફ્લોર-લેન્ગ્થ

ફ્લોર-લેન્ગ્થ એટલે જે ટોપની કિનાર જમીનને અડતી હોય. આવા ડ્રેસમાં અનઈવન હેમલાઇન ખૂબ સરસ લાગે છે. ફ્લોર-લેન્ગ્થ ડ્રેસ જો કૅઝ્યુઅલ હોય તો એમાં સિંગલ લેયર એટલે કે ટૉપ ટુ બૉટમ એક જ ફૅબ્રિક હોય છે. આવા ડ્રેસમાં વર્ક બહુ ઓછું હોય છે. માત્ર ફૅબ્રિકનો જ લુક વધારે હોય છે. એસિમેટ્રિકલ હેમલાઇનવાળા ડ્રેસ પ્લેન ફૅબ્રિકમાં તો સારા લાગે જ છે, પરંતુ પ્રિન્ટેડમાં પણ એટલા જ સુંદર દેખાય છે. જ્યારે તમે અનઈવન હેમલાઇનવાળા પ્લેન ડ્રેસ પહેરો છો ત્યારે એને ઍક્સેસરીથી હાઇલાઇટ કરવો પડે છે, જેમ કે નેકમાં કોઈ સ્ટેટમેન્ટ નેકલેસ પહેરી લીધો અથવા લૉન્ગ ઈયર-રિંગ. જે પ્લેન ડ્રેસમાં ડબલ લેયરિંગ હોય એમાં લેયરિંગમાં વેરિએશન હોય છે, જેમ કે નીચેની લેયર સેમ કલર અથવા કૉન્ટ્રાસ્ટ કલરમાં હોય છે. જો તમે મેક ટુ ઑર્ડર કરાવવાના હો તો ખાસ ધ્યાન  રાખવું કે નીચેની લેયરની લેન્ગ્થ લાંબી જ રાખવી અને ઉપરની લેયરમાં વેરિએશન આપવું, જેમ કે એક સાઇડથી લેન્ગ્થ ગોઠણ સુધી તો બીજી સાઇડથી ફુલ-લેન્ગ્થ અથવા તો બન્ને સાઇડથી ફુલ-લેન્ગ્થ; પરંતુ સેન્ટરમાં ડી-શેપ આપવો. અથવા તો ઉપરની લેયર ફ્રન્ટ ઓપન આપી ગોઠણ સુધીની લેન્ગ્થ આપી પાછળથી ફુલ-લેન્ગ્થ આપવી. આગળથી હાફ હૅન્કર્ચીફ લુક આવશે. આવા ડ્રેસ ખાસ કરીને લાંબીપાતળી યુવતીઓ પર વધારે સારા લાગે છે. આવાં ગાઉન મોટે ભાગે ફ્લોઇંગ ફૅબ્રિકમાં બને છે.

(૩) સ્કર્ટ

સ્કર્ટમાં અનઈવન હેમલાઇન બહુ કૉમન છે. સ્કર્ટ કૅઝ્યુઅલ હોય કે પછી ફૉર્મલ હોય, અનઈવન હેમલાઇન કોઈ પણ લુકમાં સરસ લાગે છે. માત્ર સ્કર્ટ પર ટૉપ સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવું. જો કૉટનનું અનઈવન હેમલાઇનવાળું સ્કર્ટ હોય તો એની સાથે કૉટનનું જ ટૉપ સારું લાગશે. કૉટનનું ટૉપ ઘણી વખત મલ ફૅબ્રિકમાંથી બનાવેલું હોવાથી થોડું ટ્રાન્સપરન્ટ લાગે છે. તો એમાં તમે સ્કર્ટના કલરની સ્પૅઘેટી પહેરી એક અલગ લુક આપી શકો. જો અનઈવન હેમલાઇનવાળું ફૉર્મલ સ્કર્ટ હોય તો એની સાથે ફ્લોઈ ફૅબ્રિકવાળું જ ફૉર્મલ ટૉપ સારું લાગશે. જો સુડોળ શરીર હોય તો ઇન્કટવાળું ટૉપ પહેરી શકાય. જો તમારો પેટનો ભાગ થોડો વધારે હોય તો તમે બલૂન પૅટર્નવાળું ટૉપ પહેરી શકો જેના લીધે પેટનો ભાગ દેખાશે નહીં. અનઈવન હેમલાઇનવાળાં સ્કર્ટ શરીરને અનુરૂપ સિલેક્ટ કરવાં. જો લાંબીપાતળી યુવતી પહેરે તો તેના પર સ્કર્ટની પૅટર્ન વધારે સરસ રીતે દેખાય છે. આવા સ્કર્ટ સાથે હાઈ હીલ્સ સારી લાગે અથવા તો ટાઇ અપ્સ સારાં લાગે.

(૪) ટૉપ્સ

ટૉપ્સમાં અનઈવન હેમલાઇન બધી જ લેન્ગ્થમાં આવે છે, જેમ કે શૉર્ટ ટૉપ્સથી લઈને લૉન્ગ સુધી. અનઈવન હેમલાઇનવાળાં ટૉપ્સ ડેનિમ સાથે સારાં લાગી શકે. જો તમારી હેવી બૉડી હોય તો ફ્રન્ટમાં અનઈવન હેમલાઇનવાળું ટૉપ ન પહેરવું. એના લીધે પેટનો ભાગ વધારે દેખાશે. ફ્રન્ટ અનઈવન હેમલાઇનવાળું ટૉપ એટલે કે જેમાં ફ્રન્ટ ઓપન હોય અને ફ્રન્ટમાં ૧૦ ઇંચથી લઈને ૧૫ ઇંચ સુધી બટન આપવામાં આવે અને પછી સ્લિટ હોય, જે પાછળની જે લેન્ગ્થ હોય એને મૅચ કરે. લૉન્ગ અનઈવન હેમલાઇનવાળું ટૉપ ચૂડીદાર સાથે તો સારું લાગે જ છે, પરંતુ સ્કર્ટ સાથે પણ સુંદર લાગે છે. ખાસ ધ્યાન રાખવું કે જો સ્કર્ટનો ઘેરો વધારે હોય તો ટૉપ એ-લાઇનવાળું સિલેક્ટ કરવું અને જો સ્કર્ટ એ-લાઇનવાળું હોય તો ટૉપ તમે ઘેરવાળું પસંદ કરી શકો, જેમાં અનઈવન હેમલાઇન હોય.

(૫) હૅન્કર્ચીફ હેમલાઇન

હૅન્કર્ચીફ હેમલાઇન એટલે જેમાં નીચે મોટા ત્રિકોણ બને. જ્યારે કોઈ પણ રૂમાલને વચ્ચેથી પકડવામાં આવે ત્યારે જે લુક આવે એને હૅન્કર્ચીફ હેમલાઇન કહેવાય. આ પૅટર્ન ખાસ કરીને લાંબીપાતળી યુવતીઓએ જ પહેરવી. મોટે ભાગે આવા ડ્રેસ બનાવવા માટે યોક આપવામાં આવે છે. જો ભરાવદાર યુવતી આને પહેરે તો યોકના હિસાબે ચેસ્ટ તો હેવી લાગશે જ, પરંતુ હૅન્કર્ચીફ પૅટર્નને લીધે ઘેરાવો પણ વધારે લાગશે. જો ભરાવદાર યુવતીને આવો ડ્રેસ પહેરવો હોય તો યોક ન કરાવવો અને હૅન્કર્ચીફ પૅટર્ન ગોઠણથી નીચે જાય એવો બનાવડાવવો. આવા ડ્રેસ સાથે ટાઇ અપ્સ ચંપલ વધારે સારાં લાગશે.

પિન્ક : આ જે પિન્ક કળીદાર ડ્રેસ છે એમાં સાઇડ પર અનઈવન હેમલાઇન આપવામાં આવી છે. આ ખૂબ જ ઘેરાવાળો છે અને નીચે ચૂડીદાર પહેરવામાં આવ્યું છે. એવો ડ્રેસ લાંબીપાતળી યુવતીઓ પર વધારે સારો લાગે, જેથી પૅટર્ન સરસ રીતે દેખાય અને પાતળી યુવતી આને પહેરે એટલે થોડી ભરેલી પણ લાગે.