ટ્રેન્ડસેટર બનો, ફૉલોઅર નહીં

28 August, 2012 06:14 AM IST  | 

ટ્રેન્ડસેટર બનો, ફૉલોઅર નહીં

અર્પણા ચોટલિયા

કલર્સ પર આવતી સિરિયલ ‘સસુરાલ સિમર કા’માં સિદ્ધાર્થનું પાત્ર ભજવતો મનીષ રાયસિંઘાણી ખરા અર્થમાં ફૅશનપરસ્ત છે. એ કોઈને જોઈને ફૅશન કરવામાં નહીં, પણ પોતાની કમ્ફર્ટ મુજબ કપડાં પહેરવામાં માને છે. જાણીએ તે ફૅશનની બાબતમાં શું સલાહ આપે છે.

 સ્ટાઇલ એટલે

મારા માટે સ્ટાઇલ એટલે એ જે નૅચરલી જ તમારામાં હોય. સ્ટાઇલ પોતાના વ્યક્તિત્વ મુજબ કરવી જોઈએ. કોઈનો લુક અપનાવવાને બદલે બીજા માટે ટ્રેન્ડસેટર બનો. લોકોને તમારી સ્ટાઇલ ફૉલો કરતાં શીખવો, તમે કોઈને ફૉલો ન કરો. મેં મારી પહેલી સિરિયલ ‘તીન બહુરાનીયાં’માં રુદ્રાક્ષ પહેરેલો જે ટ્રેન્ડ બની ગયો અને હવે ‘સસુરાલ સિમર કા’માં હું ચેક્સવાળાં ટી-શર્ટ અને સ્પોર્ટ વૉચ પહેરું છું જે લુક પણ ટ્રેન્ડ બની રહ્યો છે.

મારી કોઈ સિગ્નેચર સ્ટાઇલ નથી, પરંતુ મને લોકોએ કહ્યું છે કે મારી ચાલવાની સ્ટાઇલ થોડી અજીબ છે. પણ હજી એવું ફીલ નથી થયું, કારણ કે એ મારી નૅચરલ ચાલ છે. હું મારા સિરયલના કૅરેક્ટર પ્રમાણે સ્ટાઇલિંગ કરું છું જેથી એ પાત્રમાં થોડી રિયલિટી આવે.

સ્ટડ કે સ્પોર્ટી?

હું કોઈ પર્ટિક્યુલર સ્ટાઇલને ફૉલો કરવામાં નથી માનતો. હું સ્ટાઇલિશ લાગવા માટે ડ્રેસિંગ કરવામાં મહેનત કરવા કરતાં આરામદાયક ડ્રેસિંગ કરીને કમ્ફર્ટેબલ લાગવાનું પસંદ કરીશ. જ્યારે સ્પેશ્યલ પ્રસંગો હોય તો એ પ્રસંગ કયો છે અને ક્યાં છે એ પ્રમાણે હું ડ્રેસિંગ કરું છું.

ઍક્સેસરીઝની દીવાનગી

મારી પાસે શૂઝ, વૉચ અને પફ્યુર્મ્સ ત્રણે ચીજોનું ખૂબ મોટું કલેક્શન છે. આવી કબૂલાતથી કદાચ લોકોને લાગશે કે હું આ ત્રણે ચીજો માટે દીવાનો છું. પણ ના, એવું નથી. હકીકતમાં મારા ફ્રેન્ડ્સ અને પરિવારના લોકો ચાહે છે કે હું આવી મોંઘી બ્રૅન્ડેડ ચીજો વાપરું અને માટે જ જો મને કંઈ પસંદ આવી જાય તો તેઓ મને ગિફ્ટ કરી દે છે. પરંતુ મને ગિફ્ટ લેવી પસંદ નથી એટલે કોઈ મને ગિફ્ટ કરે એ પહેલાં હું એ ખરીદી લઉં છું. અને આમ મારી પાસે એ ત્રણે ચીજોનું ખૂબ મોટું કલેક્શન ભેગું થઈ ગયું છે.

ફૅશન ફૉલો કરતાં પહેલાં...

પોતાની રિયલ સ્ટાઇલને ઓળખો. અને જો એ કરી લેશો તો તમે પોતાના જ હીરો છો. અહીં યાદ એટલું જ રાખવાનું છે કે તમે પોતાની સ્કિનમાં કમ્ફર્ટેબલ હો અને સારા લાગવા માટે તમને સારાં કપડાં પહેરવાની જરૂર ન પડે, બલ્કે કપડાં તમારા પર્હેયા બાદ સારાં લાગે. માટે તમારો ઍટિટ્યુડ સાથે પહેરી રાખો અને સ્ટાઇલ તો આપોઆપ તમને ફૉલો કરશે.

પુરુષો અને ફૅશન

લોકો માને છે કે પુરુષોને ફૅશનમાં એટલી સમજ નથી પડતી, પણ હું માનું છું કે એવું નથી. ફૅશન એ વ્યક્તિગત ચૉઇસ છે જે તમે એ ફૉલો કર્યા બાદ કેવા લાગો છો એના પર આધાર રાખે છે. પુરુષોની સ્ટાઇલને બે કૅટેગરીમાં વિભાજિત કરી શકાય, જેમાં એક છે મેટ્રોસેક્સ્યુઅલ મૅન; જે ફૅશન અને સ્ટાઇલિંગમાં વધુપડતો રસ ધરાવે છે. અને બીજા એવા રફ પુરુષો છે જે ઇન્ટરનૅશનલ અને નશૅનલ ફૅશન ટ્રેન્ડ્સ ફૉલો કરવા કરતાં પોતાની રીતે, પોતાના માટે સ્ટાઇલિંગ કરે છે. મારા માટે પુરુષોની આ બન્ને કૅટેગરી પોતાની રીતે સ્ટાઇલિશ છે. અમે ફૅશનને પોતાની નજરથી જોવામાં માનીએ છીએ.