ટ્રેડિશનલી ડિફરન્ટ

13 June, 2017 05:01 AM IST  | 

ટ્રેડિશનલી ડિફરન્ટ

જમાનો હવે રૂટીન ફૅશનમાં કંઈક નવું કરવાનો કે કંઈક નવું પહેરવાનો છે. સલવાર-કુરતા કે ધોતી કે ચૂડીદાર એમાં નવું શું થઈ શકે અથવા તો કંઈક અલગ રીતે કેવી રીતે પહેરી શકાય એ જોઈએ

ખુશ્બૂ મુલાની ઠક્કર

(૧) કુરતા-પાયજામા

કુરતા-પાયજામા કૉમન વેઅર છે. બધા જ પુરુષો પાસે કુરતા-પાયજામા તો હોય જ છે. કુરતા-પાયજામા પહેરાય અથવા તો કુરતા-ચૂડીદાર. કુરતા-પાયજામા સેમ ટુ સેમ કલરમાં પહેરી શકો એટલે કે કુરતા અને પાયજામા બન્ને એક જ કલરના હોય અથવા તો કુરતા-પાયજામા કૉન્ટ્રાસ્ટ કલરમાં હોય. જો તમારી હાઇટ ઓછી હોય તો સેમ કલરના કુરતા-પાયજામા પહેરવા અને જો હાઇટ વધારે હોય તો તમે બન્ને ઑપ્શન અપનાવી શકો. કુરતા-પાયજામાને કંઈક અલગ લુક આપવો હોય તો ચૂડીદાર ઑફ વાઇટ કલરનું હોય તો એની સાથે બ્લૅક અથવા મરૂન કલરનું જૅકેટ પહેરી શકો અથવા તો સ્ટોલ લઈ શકો. ડિપેન્ડિંગ કે તમારા  શરીરનો બાંધો કેવો છે. જો તમારો બાંધો મજબૂત હોય તો કુરતા સાથે સલવાર ન પહેરવી. એનાથી વધારે બ્રૉડ લુક આવશે. જો તમે તમારા લુક માટે કૉન્શિયસ હો તો કુરતા સાથે ચૂડીદાર પહેરવું. અને જો તમે પાતળા છો તમે કુરતા સાથે લૂઝ સલવાર પહેરી શકો. એનાથી થોડો ભરેલો લુક આવશે.

કુરતા-પાયજામા સાથે કોલ્હાપુરી ચંપલ સારાં લાગે અથવા તો લેધરનાં સૅન્ડલ પહેરી શકો.

(૨) શેરવાની

શેરવાની એટલે જેમાં હાઈ કૉલર હોય અને જેની લેન્ગ્થ ગોઠણ  સુધી હોય. શેરવાનીની નીચે મોટે ભાગે ચૂડીદાર જ પહેરવામાં આવે છે. પરંતુ હવે શેરવાની સાથે પૅન્ટ, ધોતી, બ્રીચિઝ કે સલવાર પણ પહેરાય છે. જો તમારો બાંધો મજબૂત હોય તો શેરવાની ન પહેરવી. શેરવાનીમાં હાઈ કૉલરને હિસાબે શોલ્ડર વધારે હેવી લાગશે. શેરવાની ખાસ કરીને લાંબા-પાતળા યુવક પર વધારે સારી લાગશે. શેરવાનીની પૅટર્ન તો એક જ હોય છે, પરંતુ એમાં અલગ-અલગ સ્ટાઇલિંગ આપવામાં આવે છે. જેમ કે જો પ્લેન હોય તો એમાં બટન્સ અને એમ્બ્રૉઇડરી કરવામાં આવે છે. જો પ્રિન્ટેડ હોય તો એમાં મિક્સ ઍન્ડ મૅચ કરવામાં આવે છે અથવા તો અલગ કટ આપવામાં આવે છે.

(૩) પઠાણી

પઠાણી મોટે ભાગે બધાની જ પસંદ હોય છે. રેગ્યુલર પઠાણી ન પહેરતા કંઈક અલગ ટ્રાય કરવું, જેમ કે કલમકારી પ્રિન્ટની સલવાર કરાવવી અને બ્લૅક કલરનો કુરતો લેવો. એમાં બટનપટ્ટી પર અને કૉલરના અંદરના ભાગ પર કલમકારીનું ફૅબ્રિક લેવું. ફુલ સ્લીવને બદલે હાફ સ્લીવ લેવી અને એમાં અમેરિકન ફોલ્ડ આપવો. જે ફૅબ્રિક ફોલ્ડ થાય છે ત્યાં કોઈ કૉન્ટ્રાસ્ટ કલરનું ફૅબ્રિક આપી મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય. પઠાણી પ્લેન કલરમાં ખૂબ જ સુંદર લાગે છે. પઠાણીની સ્ટાઇલ જ એને અટ્રૅક્ટિવ બનાવે છે. નાનાં બાળકોથી લઈને પ્રૌઢને પઠાણી સારું જ લાગે છે. બાંધો મજબૂત હોય તો જાડા નથી લાગતા અને પાતળા હો તો શરીર પર કપડાં લટકતાં હોય એવું નથી લાગતું. પઠાણીમાં શર્ટ કૉલર સાથે આગળ બટનપટ્ટી આપવામાં આવે છે. કંઈક નવું ટ્રાય કરવું હોય તો શર્ટ કૉલરને બદલે થોડો લૉન્ગ કૉલર આપવો અને બટનપટ્ટી બંધ ન કરવી અને થોડી ખુલ્લી રાખવી જેથી ચેસ્ટ દેખાય. ખાસ ધ્યાનમાં રાખવું કે ચેસ્ટ પર વાળ ન દેખાય. ચેસ્ટને શેવ કરવાનું ન ભુલાય. પઠાણી આમ તો કૅઝ્યુઅલ લુક આપે છે. ફૉર્મલ લુક જોઈતો હોય તો એના પર જૅકેટ પહેરી એક અલગ લુક આપી શકાય.

(૪) ધોતી


ધોતી પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે અને ઘણા ઓછા ધોતી કૅરી કરી શકે છે. ધોતી મોટે ભાગે ઊંચા અને પડછંદ પુરુષ પર વધારે સારી લાગે છે. ધોતી સાથે કુરતો બટનપટ્ટીવાળો પહેરી શકો અથવા તો ઓવરલેપિંગ પૅટર્નવાળો પણ પહેરી શકાય. ધોતી પર્ફેક્ટ ટ્રેડિશનલ વેઅર છે. ટ્રેડિશનને મેઇન્ટેન રાખી કંઈક અલગ લુક આપવો હોય તો પૈઠણી અથવા પટોળાની ધોતી કરી શકાય અને સિલ્કનો કુરતો અથવા તો પ્લેન ધોતી અને પ્લેન કુરતો સાથે  પટોળાનો દુપટ્ટો પહેરી શકો. આ બધા લુક ટ્રાય કરવા માટે ખૂબ જ કૉન્ફિડન્સની જરૂર હોય છે અને આવા ડ્રેસ રેડી નથી મળતા, પરંતુ એને સીવડાવવા પડે છે.

તમને કંઈક અલગ પહેરવાનો શોખ હોય તો...


સિલ્કની પ્રિન્ટેડ ધોતી અને એની સાથે અંગરખા સ્ટાઇલમાં લૉન્ગ કુરતો પહેરી શકાય  અને એની સાથે સિલ્કનો દુપટ્ટો. પગમાં કોલ્હાપુરી ચંપલ પહેરી એક અલગ લુક આપી શકાય.

વાઇટ લેંઘો-ઝભો હંમેશાં ડીસન્ટ લુક આપે છે. જો તમને લૂઝ લેંઘો પહેરવો ન ગમતો હોય તો તમે ફિટેડ લેંઘો સીવડાવી શકો અને એની સાથે અબવ ની-લેન્ગ્થનો કુરતો પહેરી શકો. જેમ કે સૉફ્ટ લિનનમાં લેંઘો અને પ્રિન્ટેડ લિનન કે પ્રિન્ટેડ મલમાં કુરતો કરાવી શકાય.

ફૉર્મલ લુક માટે ચૂડીદાર સાથે ની-લેન્ગ્થનો કુરતો અને એની ઉપર જામેવારનું લૉન્ગ ઓપન જૅકેટ, જે કુરતાની લેન્ગ્થ કરતાં લાંબું હોય. આ લુક સાથે લેધરની મોજડી સારી લાગી શકે.

કુરતા સાથે જો ચૂડીદાર ન પહેરવું હોય તો તમે બ્રીચિઝ પહેરી શકો.

ચૂડીદારમાં કંઈક નવું પહેરવું હોય તો ચોરણી પહેરવી જે કાફમાં ૮ ઇંચથી ૧૦ ઇંચ  સુધી ટાઇટ હોય અને ઉપરથી ખૂબ જ લૂઝ હોય. આવી ચોરણી સાથે ની-લેન્ગ્થનો કુરતો સારો લાગે છે, જેથી ચોરણીની ડિઝાઇન દેખાય.