શિયાળામાં રહો સ્ટાઇલિશ

16 November, 2011 08:56 AM IST  | 

શિયાળામાં રહો સ્ટાઇલિશ

 

જોકે આપણા શહેરમાં ઠંડી માટે સ્પેશ્યલી ડ્રેસિંગ કરવાની જરૂર પડતી નથી, પણ ફક્ત વિન્ટર સ્ટાઇલમાં અપડેટ રહેવા માટે કે આઉટ સ્ટેશન ફરવા જવા માટે આ ટિપ્સ કામ આવશે.

લેયર ડ્રેસિંગ

શિયાળાની ઠંડીમાં લેયર્સમાં ડ્રેસિંગ કરવા પર ધ્યાન આપો. લેયર્સમાં ડ્રેસિંગ કરેલું હોય એ ઠંડીથી તો બચાવે છે, સાથે સ્ટાઇલિશ પણ લાગે છે. અંદર ટાઇટ ટી-શર્ટ અને એના પર વુલન કે લેધર જૅકેટ સ્ટાઇલિશ લુક આપશે. શિયાળામાં મોટા ભાગે દિવસે તડકો અને સાંજે ઠંડી હોય છે અને એટલે જ ઓવર-લેયરિંગ સારું લાગશે. યંગ કૉલેજિયન ટાઇપના છોકરાઓ માટે ટી-શર્ટ અને હુડી સારો ઑપ્શન છે, જ્યારે ક્લાસિક લુક જોઈતો હોય તો શર્ટને સ્વેટર કે બ્લેઝર સાથે પહેરી શકાય; પણ આ બધું ટેમ્પરેચરને ધ્યાનમાં રાખીને.

ઍક્ટિવિટી પ્રમાણે ડ્રેસિંગ

જો તમારી દિવસભરની ઍક્ટિવિટીનું પ્રમાણ વધારે હોય તો તમે એ જ પ્રકારનું ફૅબ્રિક પહેરો એ જરૂરી છે. કેટલાંક કૃત્રિમ કાપડ એ રીતે બનાવેલાં હોય છે કે એ તમારા શરીરનો પસીનો શોષી તો લે, પણ તમને એમાં ભીનાશ અને ઠંડી ન લાગે. આ માટે જો તમે ઠંડીની સીઝનમાં જઈને ટેનિસ રમવાના હો તો ટી-શર્ટ પહેરો, પણ કૉટનનું નહીં; કારણ કે કૉટન પસીનાને ઍબ્સૉેર્બ કરે છે અને એ ભીનું તથા હેવી બની જાય છે. આ ફૅબ્રિક ઉનાળામાં સારું રહેશે, કારણ કે એ ઠંડક આપે છે; પણ શિયાળામાં એ સૌથી વધારે અનકમ્ફર્ટેબલ અને અનહેલ્ધી રહેશે.

એકવીસમી સદીનાં ફૅબ્રિક

જૂનાં, અંદરથી કરડે એવાં ઊનનાં સ્વેટર યાદ છે? એ ઠંડીમાં ગરમાશ તો આપતાં પણ ખૂબ અનકમ્ફર્ટેબલ રહેતાં, પણ આજના ફૅબ્રિકમાં ખૂબ ગરમાશ મળવાની સાથે એ લાઇટ વેઇટ હોય છે અને એને બનાવવામાં વપરાયેલું વૂલ ખૂબ સૉફ્ટ અને સારી ક્વૉલિટીનું હોય છે. કૃત્રિમ રીતે બનાવેલા ઊનનો બીજો એક ફાયદો એ છે કે એ ઇકો-ફ્રેન્ડ્લી અને પ્રાણીપ્રેમીઓ માટે બેસ્ટ ઑપ્શન બને છે.

તો સાચા ઊનનું શું?

ઘેટા કે યાકમાંથી મળેલા ઊનની પણ આપણા દેશમાં એટલી જ ડિમાન્ડ છે. કુલુ અને મનાલીમાં હજીયે યાકના ઊનમાંથી સ્વેટર બનાવનારા ઘણા કારીગરો છે. કહેવાય છે કે યાકનું ઊન વધારે સારું હોય છે, કારણ કે એ વધારે વૉટર-રેઝિસ્ટન્ટ હોય છે. મૉરલ ઑફ ધ સ્ટોરી એ કે કૃત્રિમ અને કુદરતી બન્ને પ્રકારનાં ઊન તમને ગરમાશ આપવાનાં છે, પણ એને તમારે તમારી જરૂર પ્રમાણે પસંદ કરવાનાં છે.

જૅકેટ ન ભૂલો

દિવસના સમયે બહાર નીકળો ત્યારે જૅકેટ પહેરવાનું ન ભૂલો, કારણ કે ઠંડા વાતાવરણ કરતાં પણ ઠંડી હવા શરીરને વધારે ત્રાસ આપે છે. એટલે જૅકેટ વિન્ડ-બ્લૉકિંગ ગાર્મેન્ટ બની રહેશે. પછી એ લેધર જૅકેટ હોય, નાઇલોન વિન્ડચીટર કે પછી બ્લૅઝર; જૅકેટ જરૂરી છે.

સ્કાર્ફ ફૉર સ્ટાઇલ

ગળા ફરતે પહેલાં મફલર વીંટાળવાનો ટ્રેન્ડ હતો કે પછી જરૂર હતી એટલે લોકો મફલર વીંટાળતા એમ કહી શકાય. આજે પણ એ મફલરને સ્કાર્ફે જીવંત રાખ્યો છે. આજે મોટા ભાગના કૉલેજ-બૉય્ઝ ઠંડી હોય કે ન હોય સ્કાર્ફ પણ ગળામાં વીંટાળવાનું પસંદ કરે છે. વુલન સ્કાર્ફ કે પછી મશીન વુવન સ્કાર્ફ સારા લાગે છે.

ઠંડીમાં વરદાનરૂપ જીન્સ

જીન્સના શોખીનોને આમ તો ઠંડી હોય, ગરમી કે વરસાદ પણ જીન્સ મસ્ટ જોઈતું જ હોય છે; કારણ કે જીન્સ કૅઝ્યુઅલ અને સેમી-ફૉર્મલ એમ બન્નેમાં પહેરી શકાય છે. શિયાળામાં આ જાડું જીન્સ ખરેખર ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે મટીરિયલ થોડું જાડું હોવાથી એમાં ઠંડી નથી લાગતી. ઠંડીમાં જીન્સ પ્રૉપર ડેનિમ મટીરિયલની જ પસંદ કરવી, થિન ડેનિમ કે ડેનિમ જેવો લુક આપતું મટીરિયલ શિયાળામાં કોઈ ફાયદો નહીં કરે.