થેવા જ્વેલરી

07 December, 2012 08:36 AM IST  | 

થેવા જ્વેલરી




થેવા આર્ટનો ઇતિહાસ ૪૦૦ વર્ષ જૂનો છે. થેવા જ્વેલરીનું ઉદ્ગમ સ્થાન એટલે રંગીલું રાજસ્થાન. થેવાનો અર્થ થાય ‘સેટિંગ.’ આ જ્વેલરીમાં એક જુદી પદ્ધતિથી સોનું અને રંગીન કાચનું એક સુંદર જ્વેલરીનું પીસ બનાવવા માટે ફ્યુઝન કરવામાં આવે છે. કુંદન અને પોલકી જ્વેલરી આવ્યા બાદ આ જ્વેલરીની ડિમાન્ડ ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ કોઈ બીજાનાં લગ્નમાં જવાનું હોય અને સોબર લુક જોઈતો હોય તો થેવા જ બેસ્ટ લાગશે. તેમ જ કૉમન પણ નહીં લાગે. ભારત સરકારે ૨૦૦૪માં થેવા આર્ટના માનમાં એક પોસ્ટલ સ્ટૅમ્પ પણ ઇશ્યુ કયોર્ હતો. એક જ પીસ બનાવવામાં ખૂબ મહેનત માગી લેતી આ જ્વેલરીની બનાવટ વિશે જાણીએ.

શું છે થેવા?

બેઝિક થેવા જ્વેલરી શુદ્ધ સોનાના પતરાને રંગીન કાચ સાથે ભેળવવામાં આવે છે, જે પછી એક જ યુનિટ બને છે. થેવા જ્વેલરી પૂરેપૂરી હાથબનાવટની છે અને કેટલીક વાર ફક્ત એક જ જ્વેલરીનો પીસ બનાવતાં મહિના કરતાં વધુ સમય લાગી જાય છે. જે કાચને સોના સાથે બ્લેન્ડ કરવામાં આવી હોય છે તેના પર પછીથી સ્પેશ્યલ પ્રોસેસથી ડિઝાઇન કરવામાં આવે છે, જે ગોલ્ડની પૅટર્ન હાઇલાઇટ કરે છે. સમય જતાં હવે થેવાના કારીગરો પણ ડિઝાઇન સાથે એક્સપરિમેન્ટ કરતાં શીખી ગયા છે. આજે થેવા કુંદન સાથે પણ બનાવાય છે, જે ટ્રેડિશનલ અને રૉયલ લુક આપે છે. આ લુક ટ્રેડિશનલ થેવાને વધુ નિખારે છે.

થેવા જ્વેલરી રાજસ્થાનમાં જ નહીં, પરંતુ આખા ભારતમાં ફેવરિટ છે. થેવા સાથે હવે વિક્ટોરિયન અને મૉડર્ન સ્ટાઇલને પણ કમ્બાઇન કરવામાં આવી રહી છે. આ કૉન્સેપ્ટને લીધે વિશ્વભરના દેશોએ થેવા માટે પોતાનાં દ્વાર હવે ખોલી નાખ્યાં છે. કેટલાક ઇન્ટરનૅશનલ મ્યુઝિયમમાં પણ થેવા જ્વેલરીને આર્ટ પીસનું સ્થાન મળ્યું છે. આ જ્વેલરીમાં એટલું ભારતીયપણું છે કે પ્રિન્સ ચાર્લ્સે જ્યારે કેમિલા સાથે લગ્ન કર્યા ત્યારે ભારત સરકારે તેમને થેવામાંથી બનેલી સ્પેશ્યલ ચીજ ગિફ્ટ કરેલી.

થેવાની પ્રોસેસ

થેવા જ્વેલરીમાં રહેલી જટિલતા અને નાજુક ડિઝાઇનોને કારણે એને બનાવવાની પ્રોસીજર સમય માગી લેતી અને અઘરી છે. પ્રોસેસની શરૂઆત થાય છે કાચની પેસ્ટ બનાવવાથી. ટેરાકોટાને કેટલાંક કેમિકલ અને તેલ સાથે કમ્બાઇન કરીને જાડી પેસ્ટ બનાવવામાં આવે છે. ત્યાર બાદ ૨૩ કૅરેટ સોનાના નિશ્ચિત થિકનેસવાળા પતરાને આ પેસ્ટ પર સેટ કરવામાં આવે છે. આ ગોલ્ડ શીટ પર પહેલેથી જ ડિઝાઇન બનાવવામાં આવેલી હોય છે, જેના પર ડાર્ક પેઇન્ટ મારવામાં આવેલો હોય છે, જેથી ડિઝાઇનને બરાબર સ્ટેનસિલ્ડ કરી શકાય. ત્યાર બાદ ડિઝાઇન સિવાયનું વધારાનું સોનું કાઢી લેવામાં આવે છે. રંગીન કાચ શરૂઆતમાં સોનાને લીધે થોડી ચમકીલી ઇફેક્ટ આપશે અને જ્યારે એમાં સોનાનું કામ ભળી જાય ત્યારે એ વધુ સુંદર લાગે છે. રંગીન કાચ હકીકતમાં સોનાની કોતરણી નીચે બેઝની ગરજ સારે છે. હવે આ જ્વેલરીને વધુ પ્રેશિયસ બનાવવા માટે કાચને સ્થાને સફાયર, રેમરલ્ડ અને રૂબી જેવા પ્રેશ્યિસ સ્ટોન પણ વપરાય છે. ફાઇનલી સોનાનું એ પતરું બેઝ પર સેટ કરવામાં આવે છે અને આખી પ્રોસીજર પત્યા બાદ એ પીસમાંથી જ્વેલરી બનાવવામાં આવે છે. થેવા જ્વેલરી ગોળ, લંબગોળ, ચોરસ કે લંબચોરસ જેવા જુદા-જુદા શેપમાં મળી રહે છે.

થેવાની થીમ્સ

થેવા જ્વેલરીની ડિઝાઇનોમાં મોટા ભાગે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની ઝલક જોવા મળે છે. આ સિવાય જ્વેલરીમાં લડાઈ અને રોમૅન્સ જેવાં દૃશ્યો પણ જોવા મળે છે. બેઝિક ડિઝાઇન તરીકે કુદરતી દૃશ્યો ફેવરિટ છે. કૃષ્ણ લીલા જેવી થીમમાં પણ થેવાના નેકલેસ અને બીજી જ્વેલરી બને છે. થેવામાં ફૂલ-પત્તીની ડિઝાઇનો જૂની અને જાણીતી છે. એ સિવાય મુગલોમાં જોવા મળતું ફીલિગ્રી વર્ક પણ થેવામાં જોવા મળશે. થેવામાં શિકાર, બારાત, નૃત્ય કરતી સ્ત્રી, મોર અને કળા કરતો મોર જેવી થીમ્સ પણ સુંદર લાગે છે.

વેરિએશન

થેવા જ્વેલરીના મૂળ બેઝને પેન્ડન્ટ તરીકે લઈને એમાં રંગબેરંગી કે સફેદ મોતીની લડીઓ અથવા સોનાનો પટ્ટો મૂકવામાં આવે છે. આ સિવાય પેન્ડન્ટ અને ઈયર-રિંગમાં જેમસ્ટોનનાં લટકણ પણ લગાવી શકાય, જે થેવાને ટ્રેડિશનલ સાથે હાલના ટ્રેન્ડ જેવો લુક આપશે. કેટલાક ડિઝાઇનર્સ થેવા સાથે વાઇટ ગોલ્ડ અને ડાયમન્ડ્સ પણ કમ્બાઇન કરી રહ્યા છે.

કૉમન પણ જુદું

થેવા જ્વેલરીમાં ગોલ્ડનો કોતરણી જેવો લુક ભલે કૉમન લાગે, પરંતુ એની પાછળના બેઝમાં રંગોના પર્યાય મળી રહેવાને લીધે એને દરેક રંગના આઉટફિટ સાથે મૅચ કરી શકાય છે. થેવા જ્વેલરી ઝીણી ડિઝાઇન અને ક્રાફ્ટમૅનશિપને કારણે મોંઘી બને છે. થેવા કોઈ પણ સ્વરૂપમાં એક માસ્ટરપીસ છે.

જ્વેલરી સિવાય

થેવા આર્ટ જ્વેલરીમાં તો ફેવરિટ છે જ, પણ એ સિવાય એમાંથી આર્ટ પીસ પણ બને છે. હોમ ડેકોર માટેની આઇટમોમાં વાઝ, લૅમ્પશેડ, વાઇનના ગ્લાસિસ અને શેન્ડેલિયર પણ બને છે.