ટેરાકોટાનો ચાર્મ અનેરો છે

18 October, 2012 05:51 AM IST  | 

ટેરાકોટાનો ચાર્મ અનેરો છે



ટેરાકોટાનો હોમ ડેકોરમાં ઉપયોગ ખૂબ સુંદર લાગે છે. જો ઘરને ટ્રેડિશનલ લુક આપવો હોય તો લાલ માટીની બનાવેલી ચીજો ડેકોરેશનમાં વાપરી શકાય અને હવે તો ટેરાકોટાને જોઈએ એવો રંગ પણ આપી શકાય છે જેથી એના એક જ એવા લાલાશ પડતા ચૉકલેટી રંગમાં બદલાવ જોઈતો હોય તો એ શક્ય બની શકે છે. માટલાં, કૂંડાં, દિવાળીના દીવા અને નવરાત્રિના ગરબામાં બેસ્ટ લાગતું ટેરાકોટા હવે ઘણાં સ્વરૂપોમાં મળતું થઈ ગયું છે અને એ સારું પણ લાગે છે તો જોઈએ કઈ રીતે એનાથી ઘરને સજાવી શકાય.

ઓલ્ડ ચાર્મ

ટેરાકોટાથી ઘરને ડેકોરેટ કરવાની પદ્ધતિ ખૂબ જૂની છે અને હજીય કાયમ છે. ઑરિજિનલ ટેરાકોટામાં રેડ કલરની માટી મુખ્ય છે. ટેરાકોટા ખૂબ જ નાજુક હોવાથી એને ઘરમાં વધુ સ્થાન નથી આપવામાં આવતું, પરંતુ પહોંચથી થોડા દૂર રાખવાના હોય ત્યારે એમાંથી બનેલાં વાસણો, શો-પીસ તેમ જ બીજી ચીજોને ઘરના શેલ્ફ પર સ્થાન આપી શકાય. પુરાતન કાળના અવશેષોમાં પણ ટેરાકોટાના અનેક અવશેષો મળી આવ્યા છે. પહેલાંના જમાનામાં આ માટીનાં વાસણો ખોરાકને રાંધવા માટે તેમ જ પીરસવા માટે વપરાતાં હતાં. પછીથી એનો વપરાશ છોડવાઓ વાવવા માટેનાં કૂંડા, પાણી ભરવા માટેનાં માટલાં અને દીવડાઓમાં વધુ થઈ રહ્યો છે. જોકે હવે ફરી લોકોએ ટેરાકોટા જેવા નાજુક અને સિમ્પલ લાગતા મટીરિયલને મૉડર્ન હોમ ડેકોરમાં સ્થાન આપી દીધું છે.

ક્યાં સારું લાગશે?

ગાર્ડનમાં કૂંડાંઓ તરીકે ટેરાકોટા બેસ્ટ છે. આ સિવાય ઘરમાં સજાવટ માટે મોટા કન્ટેનર રાખી શકાય, જેમાં પાણી ભરીને ફૂલો તેમ જ ટી-લાઇટ કૅન્ડલ્સ તરાવી શકાય. ટેરાકોટામાં હૅન્ડ મેડ તેમ જ મશીન મેડ ચીજો મળી રહે છે. મશીન મેડ ચીજોનું ટેક્સચર વધુ સારું હોય છે તેમ જ તેમાં ઝડપથી ક્રેક નહીં પડે. ટેરાકોટાનો ચાર્મ ભલે લાલ માટીમાં જ હોય, પરંતુ એના પર જોઈએ એ ટાઇપનું પેઇન્ટિંગ કરીને એને વધુ સુંદર બનાવી શકાય. ટેરાકોટા એવરગ્રીન છે એટલે એ હંમેશાં, કોઈ પણ પ્રસંગે સુંદર જ લાગશે.

મૉડર્ન હોમ ડેકોર

આજના મૉડર્ન હોમ ડેકોરમાં ટેરાકોટાને પણ સ્થાન છે. કેટલાક શોખીનો તો આ માટીમાંથી બનેલી જુદી-જુદી ચીજોને ઘરમાં કલેક્ટર્સ આઇટમ તરીકે સંગ્રહી રાખે છે. ઑફિસના ટેબલ પર, ઘરમાં સ્ટડી ટેબલ પર અને વૉલ યુનિટના શેલ્ફ્સ પર ટેરાકોટાના બનાવેલા લૅમ્પ, વાઝ અને મૂર્તિઓ રાખી શકાય. આ સિવાય માટીમાંથી બનાવેલાં  ઘોડા, પ્રાણીઓ, ચરખો, ઘંટ અને લાલટેન વગેરે પણ સજાવટના ભાગરૂપે સુંદર લાગશે.

સજાવટમાં જ બેસ્ટ

માટીના વાસણમાં રાંધેલો ખોરાક ટેસ્ટમાં બેસ્ટ લાગે છે એ સિવાય ચા પીવાના મગ પણ ટેરાકોટાના વાપરી શકાય. ટેરાકોટા સજાવટમાં જ ઉપયોગ લેવા માટે બેસ્ટ છે. જ્યાં ટેરાકોટાની ચીજો મળતી હોય ત્યાં ચેક કરશો તો જુદી-જુદી ડિઝાઇનની અને આકારની ચીજો મળી રહેશે. જો રસ્ટિક ટાઇપના ડેકોરના શોખીન હો તો ટેરાકોટા ઘરમાં મસ્ટ છે.

ટેરાકોટા એટલે શું?

લાલ માટીમાંથી વાસણો તેમ જ બીજી ચીજો બનાવીને એને ઈંટ કરતાં થોડા ઓછા ટેમ્પરેચર પર ગરમ કરવામાં આવે છે જેને લીધે એના પર પાકો લાલ રંગ આવે છે.  ભઠ્ઠીમાં ગરમ કરવાને લીધે માટી થોડી મજબૂત બને છે અને પૉલિશ્ડ લાગે છે.