પહેલવાન ન લાગે એ માટે વેઇટ-ટ્રેઇનિંગ છોડી દીધી ગુથ્થીએ

10 November, 2014 05:40 AM IST  | 

પહેલવાન ન લાગે એ માટે વેઇટ-ટ્રેઇનિંગ છોડી દીધી ગુથ્થીએ





Fitness Funda - રુચિતા શાહ


કલર્સ પર આવતા ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ નામના શોમાં ગુથ્થીના કૅરૅક્ટરથી અતિ ફેમસ બનેલા સુનીલ ગ્રોવર માટે ફિટનેસ એ બહુ મહત્વનું ઍસ્પેક્ટ છે. જોકે તે પોતે પણ પોતાની એક્સરસાઇઝ રેજિમમાં રેગ્યુલર નથી; પરંતુ બેઝિક ફિટનેસ જળવાય, શરીરમાં સ્ફૂર્તિ રહે એ રીતનું હેલ્થનું ધ્યાન તે રાખી લે છે. પોતાની હેલ્થનું ધ્યાન રાખવા માટે સુનીલ શું કરે છે એ જાણીએ તેના જ શબ્દોમાં.

કસરત થોડી-થોડી

હું નાનપણથી એક્સરસાઇઝ-કૉન્શિયસ નહોતો, પરંતુ મારી લાઇફ-સ્ટાઇલ એવી હતી કે ઑટોમૅટિક કસરત થઈ જતી હતી. જેમ કે કૉલેજમાં હતો ત્યારે મારી પાસે સાઇકલ હતી. રોજની ૧૦થી ૧૨ કિલોમીટર સાઇકલ ચલાવી લેતો. એમાં એક્સરસાઇઝનું ઇન્ટેન્શન નહોતું, પણ એની મેળે જ એ થઈ જતી હતી. સ્ટ્રગલિંગના દિવસો હતા ત્યારે ચાલવાનું પણ ભરપૂર થતું. પુષ્કળ ચાલતો. ઘરમાં ક્યારેય એવો ફિટનેસનો માહોલ મળ્યો નહોતો કે એવી કૉન્શિયસનેસ જાગે.

ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી

હું જ્યારે ઍક્ટિંગની દિશામાં આગળ વધ્યો ત્યારે મને ધીમે-ધીમે ફિટનેસનું મહત્વ સમજાવા લાગ્યું. જોકે સાચું કહું કે ઇન્ટીરિયર ગામડાંના લોકોની પોતાની જીવનશૈલી જ એવી હોય છે કે તેમને ફિટનેસની ડેફિનેશન સમજ્યા વિના ફિટ રહેતાં આવડે છે. શરૂઆતમાં હું જિમમાં જતો હતો, પરંતુ જિમમાં જવાનો કંટાળો આવતો હોવાથી બહુ નિયમિત નહોતો. અઠવાડિયામાં બે દિવસ જિમમાં જતો. જોકે સ્પોર્ટ્સનો મને પુષ્કળ શોખ હતો. સ્ક્વૉશ, બૅડ્મિન્ટન, ક્રિકેટ રમતો. મારા મતે દરેક કૉમન મૅન બીજી કોઈ રીતે એક્સરસાઇઝ ન કરી શકે તો પણ તેણે સ્પોર્ટ્સને તેના રૂટીનમાં લાવવી જોઈએ. સ્પોર્ટ્સ તમારા બૉડી અને માઇન્ડ બન્નેને ચિયર કરે છે.

બૉડી રિસ્પૉન્સિવ

મારી એક ખૂબી છે કે હું મારા શરીર પાસેથી બહુ જ ઝડપી રિઝલ્ટ મેળવી શકું છું. મારે વજન વધારવાનું હોય તો તરત વધી શકે છે. વજન ઘટાડવું હોય તો એ પણ તરત ઘટી શકે છે. મસલ્સ જલદી બની શકે છે. હું કોઈ પણ રિઝલ્ટ બહુ ઝડપથી મારા બૉડી પાસેથી લાવી શકું છું. જોકે અફસોસ છે કે હું મારા રૂટીનમાં જરાય રેગ્યુલર નથી. મારું માનવું છે કે દરેકે પોતાના અમુક રૂટીનને જાળવવાં જોઈએ. હું પણ એ માટેના પ્રયત્ન કરી રહ્યો છું. છેલ્લા થોડા સમયથી જિમમાં એક્સરસાઇઝમાં મારા રૂટીનમાં રેગ્યુલરિટી ભળી હતી અને મસલ્સ બહુ સારા બન્યા હતા, પરંતુ ગુથ્થીના મારા કૅરૅક્ટરમાં એ સારા નહોતા લાગતા. એટલે મારે જિમને છોડવું પડ્યું. છેલ્લા અઢી મહિનાથી હું નિયમિત સ્વિમિંગ કરું છું. એમાં મને મજા પણ આવે છે.

ફૂડી છું, પણ કન્ટ્રોલ સાથે

હું ખાવાનો શોખીન છું. એ અમારા પંજાબીઓનો જન્મસિદ્ધ હક છે. જોકે હું કાળજી રાખું છું. એવું નહીં કહું કે ડૉક્ટરે આપેલા પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે કડક રીતે ડાયટ ફૉલો કરું છું, પરંતુ અમુક બેઝિક નિયમો પાળું છું. જેમ કે ડિનર વહેલું લઈ લેવાનું. વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ વધારે ખાવાનાં. તેલ ઓછું ખાવાનું. તેલ તો અમારા અવાજ માટે પણ બરાબર નથી એટલે એ તો પહેલેથી જ ઓછું ખાઉં છું. મીઠાઈઓ પુષ્કળ ભાવે છે, પરંતુ નથી ખાતો અને બહુ જ ઇચ્છા થઈ હોય તો એક પીસ ખાઈને સંતોષ માની લઉં છું. માત્ર બાફેલું અને મસાલા વિનાનું ખાવાનું નથી ખાતો અને એ તો હું ક્યારેય ખાઈ પણ ન શકું, પરંતુ જે ખાઉં છું એની મર્યાદા નક્કી કરી લઉં છું.

મેન્ટલ હેલ્થ

હું લોકોને હસાવીને ખુશ રાખું છું, પણ મારી મેન્ટલ હેલ્થ માટે શું કરું છું એવો સવાલ મને ઘણા લોકો પૂછી ચૂક્યા છે. મને ફરવાનો પુષ્કળ શોખ છે. એ સિવાય મિત્રો સાથે બેસીને ગપ્પાં મારવાં એ મારો બેસ્ટ ટાઇમપાસ છે. મારી મેન્ટલ હેલ્થ હરવા-ફરવાને કારણે જળવાઈ રહે છે. અમારા જેવા આર્ટિસ્ટ ફરે એમાં એ લોકોને જાત-જાતનું અને ભાત-ભાતનું ઑબ્ઝર્વ કરવા મળતું હોય છે, જેને કારણે પણ માઇન્ડની નવી દિશાઓ ખૂલતી હોય છે.