"મને પુરુષોના પરફ્યુમ્સ લગાવવાં વધુ પસંદ છે"

19 February, 2013 06:41 AM IST  | 

"મને પુરુષોના પરફ્યુમ્સ લગાવવાં વધુ પસંદ છે"



સોની પર આવતી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’માં નતાશાનું પાત્ર ભજવી રહેલી સુમોના ચક્રવર્તી સિરિયલમાં તો ફૅશન-ડિઝાઇનર છે જ, પરંતુ રિયલ લાઇફમાં પણ તેના ફૅશન પ્રત્યેના વિચારો ખૂબ ઉમદા છે. જાણીએ શું વિચારે છે તે ફૅશન વિશે.

કમ્ફર્ટ લેવલ

મારા મતે ફૅશન એટલે વ્યક્તિની પર્સનલ સ્ટાઇલ. જેમાં પોતે કમ્ફર્ટેબલ હો એ તમારી પર્સનલ ફૅશન છે એવું માની શકાય. મારા હિસાબે સારાં કપડાં પહેરવાં જરૂરી નથી, પરંતુ એ કપડાં તમારા પર કેટલાં શોભે છે એ મહત્વની વાત છે. આજકાલ ઘણી ઍક્ટ્રેસો ખૂબ જ લો-કટ ગાઉન પહેરે છે, જે જોવામાં કમ્ફર્ટેબલ ન હોય એવા લાગે છે, પરંતુ જો આવા ગાઉન પહેરીને તમે પોતે કમ્ફર્ટેબલ ફીલ કરતા હો તો તમે એ પહેરી શકો છો. કપડાં કેટલાં પણ ટૂંકાં હોય એ ચાલશે, પરંતુ એમાં તમારો લુક વલ્ગર ન લાગવો જોઈએ. એવું નથી કે શૉર્ટ કે ઉઘાડાં કપડાં પહેરતી યુવતીઓ વલ્ગર લાગે, કારણ કે કેટલીક વાર શરીરને ઢાંકતી સાડી પહેરીને પણ કેટલીક સ્ત્રીઓ વલ્ગર લાગે છે, કારણ કે તેમને સાડી સંભાળતા નથી આવડતી. એટલે અહીં કપડાં નહીં પરંતુ તમે જે રીતે એને પહેરો છો એ ફૅશન માટે મહત્વની બાબત છે.

મારા ફેવરિટ


વાઇટ અને બ્લુ આ બે ફેવરિટ રંગો છે, પણ એનો અર્થ એ નથી કે મને રંગો પસંદ નથી. મને ઑરેન્જ, ફ્લોરોસન્ટ યલો આ ટાઇપના રંગો પણ પસંદ છે, પરંતુ વાઇટ અને બ્લુ પ્રત્યે થોડો વધુપડતો લગાવ છે. આ બે રંગોની વાત આવે ત્યારે હું એ સારું લાગે છે કે ખરાબ એના પર ધ્યાન નથી આપતી. કપડાંમાં મને જીન્સ અને ગંજી કે ટી-શર્ટ પહેરવું ગમે છે. બાકી જ્યારે કોઈ પાર્ટી કે ફંક્શન હોય ત્યારે એ ટાઇપનું એલિગન્ટ ડ્રેસિંગ કરી લઉં છું. હું ડ્રેસિંગની બાબતમાં થોડું ઓછું ધ્યાન આપું છું એમ કહી શકાય, કારણ કે હું જે કમ્ફર્ટેબલ લાગે એ પહેરી લઉં છું. મને હૉટ શૉટ્સ પહેરવા પણ ખૂબ પસંદ છે. મને શૉર્ટ કપડાં પહેરવાં પસંદ છે. ઇન ફેક્ટ મને મારી લાઇફની ફર્સ્ટ ટુ પીસ બિકિની મારા પપ્પાએ ગિફ્ટ કરેલી. અમે શ્રીલંકામાં ફૅમિલી સાથે વેકેશન પર હતાં અને ત્યાં એ ડ્રેસિંગની જરૂર હતી એટલે મને પહેરવા માટે એ અપાવી હતી. જ્યાં સુધી મારો લુક એ કપડાંમાં સારો લાગે ત્યાં સુધી હું શૉર્ટમાં શૉર્ટ કપડાં પણ પહેરી લઉં છું.

નેકલેસ ફેવરિટ


મને ઍક્સેસરીઝ પહેરવી ગમે છે. જોકે હું જ્વેલરી પર્સન નથી. મને મોટા, બીડ્સવાળા અને ચન્કી નેકપીસ પહેરવા પસંદ છે.

મેન્સ પરફ્યુમ

મને ક્લોન લગાવવા પસંદ છે અને એ પણ પુરુષોના. મને સ્ત્રીઓ માટે બનતા પરફ્યુમની સ્વીટ, સૉફ્ટ ફ્લોરલ સ્મેલ પસંદ નથી. પુરુષો માટે બનતા ક્લોન અને પરફ્યુમની સ્મેલ સ્ટ્રૉન્ગ અને લૉન્ગ લાસ્ટિંગ હોય છે, જે મારી ફેવરિટ છે.

નો-ઑનલાઇન શૉપિંગ

મને કપડાં ટ્રાય કર્યા બાદ જ ખરીદવા ગમે છે અને માટે જ હું ઑનલાઇન શૉપિંગ નથી કરતી. આ રીતે શૉપિંગ કરવામાં ક્યારેક પછીથી પસ્તાવાનો વારો આવી શકે છે. એના કરતાં મને જ્યાં હું જાઉં ત્યાં શૉપિંગ કરવી પસંદ છે. હું જ્યારે પણ શૉપિંગ કરવાનો પ્લાન બનાવું ત્યારે મારાથી શૉપિંગ થતી જ નથી. એના કરતાં હું ફિલ્મ જોવા કે મૉલમાં આંટો મારવા જાઉં ત્યારે જે ગમે એ ચીજો ઉપાડી લઉં છું. મને ફ્લી માર્કેટમાંથી શૉપિંગ કરવી પણ ગમે છે, કારણ કે કેટલીક વાર રસ્તા પર જે મળે એ મૉલ પર પણ નથી મળતું.

આમપણ હું બ્રૅન્ડ કૉન્શિયસ નથી. જોકે જીન્સ ફિટિંગનાં કારણોસર બ્રૅન્ડેડ જ પહેરવાનો આગ્રહ રાખું છું.

ફૉલો કરો, દિમાગ લગાવો


મારી ફૅશન આઇકન ઍન્જલિના જોલી છે. એ ફાટેલું જીન્સ પહેરે તો પણ સુંદર લાગે છે. બૉલીવુડમાં મને કંગના રનૌતની સ્ટાઇલ પસંદ છે, કારણ કે એ ખૂબ એક્સપરિમેન્ટલ છે. મને પણ બીજાની ફૅશન ફૉલો કરવી ગમે છે, પરંતુ એ મારા પર સૂટ થશે કે નહીં એ બાબતે જો હું શ્યૉર ન હોઉં તો નથી પહેરતી. માટે જ ફૅશન ફૉલો કરવી હોય તો એના પહેલા એના પર તમારું મગજ દોડાવો, વિચારો કે તમને એ શોભશે કે નહીં અને ત્યાર બાદ જ એ અપનાવો.