બ્યુટિશ્યન નહીં, ડર્મેટોલૉજિસ્ટ પર વિશ્વાસ કરો

07 December, 2011 08:51 AM IST  | 

બ્યુટિશ્યન નહીં, ડર્મેટોલૉજિસ્ટ પર વિશ્વાસ કરો



(અર્પણા ચોટલિયા)

‘મર્ડર-ટૂ’ ફિલ્મથી ફિલ્મોમાં પ્રવેશેલી ટીવી-ઍક્ટ્રેસ સુલજ્ઞા પાણિગ્રહી પોતાની બ્યુટી પ્રત્યે ખૂબ કૉન્શિયસ છે અને માને છે કે શોખ ખાતર બ્યુટીપાર્લર અને સ્પામાં જવું યોગ્ય નથી. એટલે જ તે પોતાની સ્કિન-કૅર પોતાની જાતે નૅચરલ રીતે કરે છે. જાણીએ તે ત્વચા અને વાળની સંભાળ લેવા માટે શું ટિપ્સ આપે છે.

અંદરથી ટ્રીટમેન્ટ

મારા દિવસની શરૂઆત થાય છે એક ગ્લાસ નાળિયેરપાણીથી અને ત્યાર બાદ થોડા ગરમ પાણીથી. હું કસરત કરું છું જેનાથી શરીરમાંથી બધાં જ ટૉક્સિન નીકળી જાય, શરીરની અંદરની સિસ્ટમ સારી બને અને નૅચરલ ગ્લો મળે. હું દિવસ દરમ્યાન ચાર-પાંચ લિટર પાણી પીઉં છું. પ્લસ તરબૂચ, પાઇનૅપલ જેવાં પાણીવાળાં ફળો ખાઉં છું. આનાથી ચહેરા પર લાલાશ આવે છે.

બ્યુટીપાર્લર નહીં

મને બ્યુટીપાર્લરમાં જવું પસંદ નથી, કારણ કે પાર્લરમાં ક્લીન-અપ કરવા માટે પહેલાં તો ત્વચા પર ખૂબ હાર્શ એવી બ્યુટી-પ્રોડક્ટ્સ લગાવવામાં આવે છે અને ત્યાર બાદ ડાયરેક્ટ સ્ટીમ આપવામાં આવે છે, જે જરાય સારી નથી. ચહેરા પર ડાયરેક્ટલી આટલી હીટ મળે તો ત્વચા ડૅમેજ થાય છે તેમ જ રોમછિદ્રો ખૂલી જાય છે. એ ખુલ્લાં રોમછિદ્રોમાં કચરો ભરાય છે એટલે કોઈ પણ રેગ્યુલર બ્યુટીપાર્લરમાં કે સ્પામાં ન જતાં સારા ડર્મેટોલૉજિસ્ટની સલાહ લો, કારણ કે સ્કિન વિશે જેટલું ડર્મેટોલૉજિસ્ટને જ્ઞાન હોય છે એટલું બ્યુટિશ્યનને નહીં.

શિયાળામાં સ્કિનની કૅર

શિયાળામાં સ્કિન ડ્રાય બની જાય છે; પણ મારી ત્વચા ખૂબ ઑઇલી છે અને માટે જ હું આ સીઝનમાં પોતાને ખૂબ નસીબવાન ગણું છું, કારણ કે મારી ઑઇલી સ્કિન શિયાળામાં ઠંડી સાથે આપોઆપ ઍડ્જસ્ટ કરે છે. આ સીઝનમાં હું બૉડી-લોશન અને મૉઇસ્ચરાઇઝરનો ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ કરું છું. દિવસ દરમ્યાન હું ઘરમાંથી બહાર નીકળવાના બે કલાક પહેલાં સનસ્ક્રીન લગાવી રાખું છું અને જો બહાર ન પણ જાઉં તોય ઘરે પણ સનસ્ક્રીન લગાવીને રાખું છું; કારણ કે ઘરમાં કમ્પ્યુટર, ટ્યુબલાઇટ, મોબાઇલ લાઇટથી પણ સ્કિન ડૅમેજ થઈ શકે છે એટલે હંમેશાં સનસ્ક્રીન લગાવો.

સ્કિન પરથી ટૅન દૂર કરો

હું એક વાર જયપુર શૂટિંગ માટે ગઈ હતી અને પાછી આવી ત્યારે તડકાને લીધે મારો આખો રંગ પલટાઈ ગયો હતો. મેં ઘરે આવીને ટમેટાં, મધ તેમ જ હળદર, ચણાનો લોટ, દહીં અને લીંબુનું મિશ્રણ લગાવ્યું હતું. એનાથી મારા શરીર પરની બધી જ કાળાશ દૂર થઈ ગઈ હતી. મારી સલાહ એ જ છે કે ત્વચા પરની કાળાશ દૂર કરવા માટે બહારની કેમિકલવાળી પ્રોડક્ટ્સ કરતાં ઘરની કેમિકલરહિત પ્રોડક્ટ્સ જ વાપરો.

વાળની સંભાળ

મારા વાળ કુદરતી રીતે જ થોડા કર્લી છે, પણ કર્લ્સનો અર્થ એ કે વાળ થોડા બરછટ પણ બની જાય છે. આ માટે હું વાળમાં મિલ્ક-પાઉડરનો ઉપયોગ કરું છું અને અઠવાડિયામાં એક વાર ડીપ કન્ડિશનિંગ કરાવું છું. હેર-કલર, રીબૉન્ડિંગ આ બધું ભલે વાળમાં સારું લાગે; પણ એ નુકસાનદાયક તો છે જ. વાળને જેમ છે એમ જ કુદરતી રહેવા દો. વાળમાં તેલ લગાવો ત્યારે પણ વાળની લેન્ગ્થમાં નહીં, સ્કૅલ્પ પર લગાવો. એ જ પ્રમાણે શૅમ્પૂ સ્કૅલ્પમાં અને કન્ડિશનર વાળમાં લગાવો, કારણ કે જો કન્ડિશનર સ્કૅલ્પને લાગશે તો વાળમાં ડૅન્ડ્રફ થશે.

ઠંડું પાણી ન પીઓ

દિવસ દરમ્યાન વધારેમાં વધારે પાણી પીઓ, પણ ઠંડું નહીં. થોડું હૂંફાળું એવું ગરમ પાણી બેસ્ટ છે. જો ગરમ ન ફાવે તો રૂમ-ટેમ્પરેચરનું પાણી પી શકાય, પણ ઠંડું પાણી તો શરીર અને ત્વચા માટે ઝેર સમાન છે