ટી-શર્ટ પણ બની શકે છે સ્ટાઇલિશ

12 October, 2012 06:22 AM IST  | 

ટી-શર્ટ પણ બની શકે છે સ્ટાઇલિશ



ટી-શર્ટ પહેરનારા પુરુષો બે પ્રકારના હોય છે. એક તો એવા જેમને ટી-શર્ટ પહેરવાનું પસંદ છે અને બીજા એવા જે ટી-શર્ટ પહેરવાનું જ પ્રિફર કરે છે. જોકે બન્ને પ્રકાર ટી-શર્ટપ્રેમીઓનાં જ છે. ટી-શર્ટની ગણતરી કૅઝ્યુઅલ ડ્રેસિંગમાં થાય છે. ટી-શર્ટ ગમે એ રીતે પહેરી નથી દેવાતું, કારણ કે જો વ્યવસ્થિત રીતે ન પહેરવામાં આવે કે એ સ્થાનને અનુરૂપ ન હોય તો ટી-શર્ટ ફૅશન-ડિઝૅસ્ટર બની શકે છે. સિમ્પલ લાગતા પુરુષોના આ ટૉપ-વેઅરને પહેરતી વખતે શું ધ્યાનમાં રાખવું એ જોઈએ.

ક્યાં પહેરવું?

પબ, ક્લબ કે બીચ પર આંટો મારવા અથવા ફિલ્મ જોવા જતા હો ત્યારે ટી-શર્ટ પહેરી શકાય. એવી કોઈ પણ જગ્યા જ્યાં તમે મોજમસ્તી કરવા જતા હો ત્યાં ટી-શર્ટ ચાલશે. શર્ટ કરતાં ટી-શર્ટ બોરિંગ લાગી શકે છે એટલે એની સાથે બાકી જે પણ કંઈ પહેર્યું હોય એ અપગ્રેડ કરવું જરૂરી છે.

લૉગો અને મેસેજ ટી-શર્ટ

મેસેજવાળાં ટી-શર્ટ કેટલાંક સ્થાનો પર ખૂબ ભદ્દાં લાગી શકે છે. ભલે એ ટી-શર્ટ દ્વારા તમે કોઈને એક મેસેજ પહોંચાડી રહ્યા છો, પરંતુ એ ખોટું છે. કોઈ પૉપસ્ટાર કે સ્પોર્ટ ટીમનું ટી-શર્ટ પહેરવાથી તમે લોકોને એ બતાવશો કે તમારો શોખ શું છે અને અજાણ્યા લોકોને ખરેખર કોઈની હૉબી જાણવામાં ખાસ રસ નથી હોતો. પુરુષોએ જો મેસેજવાળાં ટી-શર્ટ પહેરવાં હોય તો કોઈ સારા ઇન્સપરેશનલ ક્વોટ્સ કે પાવરફુલ શબ્દો લખેલાં ટી-શર્ટ પહેરવાં; પરંતુ ડબલ મીનિંગવાળાં વાક્યો ન હોવાં જોઈએ, કારણ કે એ તમારી પર્સનાલિટીની ખોટી છાપ પાડશે.

રંગોની પસંદગી

ટી-શર્ટમાં રંગોથી ડરવાની જરૂર નથી. સૉલિડ કલરનું ટી-શર્ટ હંમેશાં તમારી પહેલી પસંદગી હોવી જોઈએ, પણ એમાં તમારી ફાંદ ન દેખાય એનું ધ્યાન રાખવું. જો આ સમસ્યા હોય તો સ્ટ્રાઇપવાળાં ટી-શર્ટ પહેરો. પટ્ટીઓવાળું ટી-શર્ટ તમને બાકીનાં આઉટફિટ સાથે મૅચ કરવામાં મદદરૂપ થશે. આ એક એવું ગાર્મેન્ટ છે જે મોટા ભાગના પુરુષો પહેરે છે એટલે ભીડમાંથી નોખા તરી આવવું હોય તો રંગીન પહેરો. રેડ, ગ્રીન, યલો, લાઇટ બ્લુ આ બધા જ રંગો ટ્રાય કરવા જેવા જ છે. વાઇટ અને બ્લૅક પણ સારા લાગે છે, પરંતુ એમાં તમને રંગની કમી જરૂર વર્તાશે. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જે રંગ પહેરો એ તમારા સ્કિન-ટોનને સૂટ કરતો હોવો જોઈએ. અહીં જો સ્કિન લાઇટ હોય તો ડાર્ક બ્રાઉન, ડાર્ક ગ્રીન કે મરૂન જેવા ડાર્ક અથવા મિડિયમ રંગો પહેરો અને જો ડાર્ક કૉમ્પ્લેક્શન હોય તો લાઇટ રંગોને વળગી રહો. જો વધારે એક્સપરિમેન્ટ કરવાની ઇચ્છા ન હોય તો બ્લુ, મિડિયમ ગ્રીન, બ્રાઉન આ રંગો સેફ ગણાય છે. વધુ ડાર્ક કૉમ્પ્લેક્શન હોય તો યલો કે બેબી બ્લુ ટી-શર્ટ સ્માર્ટ લાગશે. 

શેની સાથે?

રંગીન ટી-શર્ટના મહત્વની આપણે વાત કરી, પરંતુ જો પહેરેલું ટી-શર્ટ બાકીના પોશાક સાથે બરાબર કો-ઑર્ડિનેટ કરવામાં આવ્યું હોય તો રંગ પર ધ્યાન આપવાની એટલી જરૂર નહીં પડે. ટી-શર્ટને જીન્સ સાથે જ પહેરવું જોઈએ. એક વાર કૉટનનું પૅન્ટ કે કાગોર્ ચાલી જશે, પણ ટ્રાઉઝર સાથે ટી-શર્ટ પહેરવાની હિંમત ન કરવી જોઈએ. ગ્રીન પૅન્ટ સાથે લાઇટ ક્રીમ ટી-શર્ટ સારું લાગશે, ડાર્ક બ્રાઉન ટી-શર્ટ સાથે ખાખી પૅન્ટ પણ સારું લાગશે.

ટી-શર્ટને બેલ્ટ કે સૉક્સ સાથે પણ મૅચ કરી શકાય, પરંતુ સેમ શેડ પહેરવાની પણ જરૂર નથી. થોડું મૅચિંગ કરી શકાય. ટી-શર્ટ પહેરો ત્યારે સ્નિકર્સ કે મોકેસિન શૂઝ સારા લાગશે.

ઍક્સેસરીઝ

પુરુષોની ઍક્સેસરીઝમાં રિસ્ટવૉચ ઉપરાંત બીજી અનેક વસ્તુઓ છે. ટી-શર્ટ પહેરો ત્યારે લેધર કે મેટલનું બ્રેસલેટ, પૅન્ડન્ટ, હૅટ, સનગ્લાસિસ, બૅન્ડાના અને સ્લિંગ બૅગ સારી લાગશે.