જરૂરી છે યોગ્ય સ્ટાઇલિંગ

25 December, 2012 07:08 AM IST  | 

જરૂરી છે યોગ્ય સ્ટાઇલિંગ


ફૅશન ટ્રેન્ડ્સ ફૉલો કરીએ ત્યાર બાદ પણ જો જોઈએ તેટલા સારા લુક્સ ન મળે તો એમાં જરૂર કોઈ ભૂલ થઈ રહી છે એવું સમજવું. અમુક ટ્રેન્ડ્સ એવા હોય છે જેને અપનાવવા માટે કેટલીક ટ્રિક્સ અને નિયમો ફૉલો કરવા જોઈએ, જે રીતે સારી કેક બનાવવા માટે એની રેસિપી અનુસરવી જરૂરી છે એ જ રીતે એક સ્ટાઇલ ક્વીન લાગવા માટે એ પ્રકારે સ્ટાઇલિંગ કરવું જરૂરી છે.

લેયર્સ

જ્યારે પ્લેન ડ્રેસ કે જીન્સ અને ટી-શર્ટ પહેરો ત્યારે એની સાથે બ્રાઇટ કલરફુલ સ્કાર્ફ પહેરવો. આ એક સ્કાર્ફ તમારા ડલ લુકને બ્રાઇટ બનાવશે અને એ પણ પળવારમાં. એક સિમ્પલ કે ટાઇટ ડ્રેસ પર કોઈ જૅકેટ કે સ્કાર્ફ ઉમેરવો એને લેયરિંગ કહી શકાય. આ સીઝનમાં ઍનિમલ પ્રિન્ટ હિટ છે એટલે આવો સ્કાર્ફ પહેરવાથી થોડો ફન લુક મળશે. આ સિવાય સ્કાર્ફ વર્સટાઇલ લાગે છે એટલે ફૉર્મલવેઅર હોય કે પછી કૅઝ્યુઅલ આઉટિંગ એ સારો લાગશે.

 બેલ્ટ અને ડ્રેસ

કોઈ પણ આઉટફિટમાં ઇન્સ્ટન્ટલી એક ચાર્મ ઉમેરવા માટે બેલ્ટ સૌથી આસાન રસ્તો છે. જો ફિગર પાતળું હોય તો બસ્ટ લાઇનની નીચે બેલ્ટ પહેરો અથવા કમર પર પણ સારો લાગશે. કોઈ ડ્રેસમાં મૅચ થાય તો હિપ્સ પાસે પણ પહેરી શકાય. ઓકેજન અને સીઝન પ્રમાણે કલર, ડિઝાઇન અને પ્રિન્ટ સાથે એક્સપરિમેન્ટ કરી શકાય. ક્રિસ્ટલ, સ્ટોન અને જ્વેલ ટોનવાળા બેલ્ટ્સ પાર્ટીવેઅર તરીકે સારા લાગશે.

ગ્લાસિસ અને ગ્લૅમર


કોઈ પણ સાઇઝ અને શેપના ગ્લાસિસ હૉટ ફૅશન ઍક્સેસરી બને છે. ગ્લાસિસ પહેરવાથી તમારો લુક તરત જ સ્ટાઇલિશ લેડીમાં બદલાઈ જાય છે. આ સીઝનમાં બિગ ઇઝ બ્યુટિફુલનો મંત્ર ચાલી રહ્યો છે ત્યારે જુદા-જુદા રંગોની ફ્રેમવાળા ઓવરસાઇઝ ગ્લાસિસ પહેરો અને જો સોબર લુક જોઈતો હોય તો નાની ફ્રેમ પહેરવી. તમારા ચહેરા સાથે જે સૂટ થાય એ પહેરો. આ સીઝનમાં પેસ્ટલ શેડની ફ્રેમ્સ પણ ખૂબ ચાલી રહી છે.

ક્લચ


ઇવનિંગ પાર્ટીવેઅરમાં એક જ્વેલરી જેવું લાગતું ક્લચ ગ્લૅમર ઉમેરશે. ગાઉન હોય કે સિમ્પલ શિફોનની સાડી સારી ક્વૉલિટીનાં ક્લચ એનાં પર સારાં લાગશે. જ્વેલ અને મેટાલિક ટોવાળાં ક્લચ બૅલેન્સ્ડ લાગે છે. જ્યારે જુદા-જુદા રંગોનાં ક્લચ ટ્રેન્ડી લાગશે. જ્યારે ક્લચને આકર્ષણનું કેન્દ્ર બનાવવું હોય ત્યારે ક્રિસ્ટલવાળું કોઈ જુદા જ શેપનું ક્લચ સારું લાગશે.

સ્ટેટમેન્ટ બનાવો

એક જ સમયે હોય તેટલી બધી જ જ્વેલરી પહેરવાને બદલે કોઈ એક સ્ટેટમેન્ટ પીસ પહેરો અને સ્ટેટમેન્ટ પીસ પહેરો ત્યારે બાકીની કોઈ જ્વેલરી ન પહેરવી એ રૂલ છે. પછી એ નેકલેસ હોય, ઇયર રિંગ કે બ્રેસલેટ. ઓવરસાઇઝ્ડ કૉકટેલ રિંગ પણ પહેરી શકાય. રંગીન સ્ટોનવાળો નેકલેસ પણ ઓપન નેકના ડ્રેસ સાથે સારો લાગે છે, પરંતુ એની સાથે ઇયર રિંગ પહેરવાનું ટાળવું. સિમ્પલ લાગશે એટલું જ ગ્લૅમરસ લુક આપશે.

 બૅગની પસંદગી

દર વર્ષે બૅગની પૅટર્નમાં વધારો થાય છે અને નવી ડિઝાઇન માર્કેટમાં આવે છે. આ વર્ષે સ્લિંગો બૅગ ખૂબ ચાલી હતી, પરંતુ સાડી કે પંજાબી ડ્રેસ પર એ સારી ન લાગે. હૅન્ડબૅગમાં પણ અનેક પ્રકારો છે. ફૉર્મલ, કૅઝ્યુઅલ અને પાર્ટીવેઅર આ રીતે જો કપડાં સેગ્રીગેટ કરતાં હો તો એ રીતે બૅગ પણ જુદી-જુદી રાખવી જોઈએ. આખા લુકમાં બૅગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એટલે એની પસંદગીમાં ચીવટ રાખવી જરૂરી છે.

ફેમિનાઇન લાગો

સ્ટાઇલ ક્વીન જેવું ડ્રેસિંગ કરો ત્યારે તમે ફેમિનાઇન ઇમેજને જાળવી રાખો એ જરૂરી છે. ટૉમ બૉય જેવું ડ્રેસિંગ કરવાનું ટાળવું. બને ત્યાં સુધી તમારી ફેમિનાઇન સાઇડને બહાર કાઢો અને એ પ્રમાણે જ ડ્રેસિંગ કરો. જો ફિગર સારું હોય તો બૉડી ફિટેડ ડ્રેસિસ પહેરો અને જો ન હોય તો વધુ એક્સપરિમેન્ટ ન કરવા.