સ્ટ્રેટનિંગ હેરસ્ટાઇલ પુરુષો માટે છે જ નહીં

03 August, 2012 06:44 AM IST  | 

સ્ટ્રેટનિંગ હેરસ્ટાઇલ પુરુષો માટે છે જ નહીં

અર્પણા ચોટલિયા

થોડા સમય પહેલાં સચિન તેન્ડુલકર અને ઝહીર ખાને પોતાના વાળમાં સ્ટ્રેટનિંગ કરાવ્યું હતું જેના પછી ફરી યંગ છોકરાઓમાં વાળને સીધા કરાવવાનું ઘેલું આવી ગયું છે. આ પહેલાં સલમાન ખાન અને જૉન અબ્રાહમ પણ પોતાની ફિલ્મો માટે હેરસ્ટાઇલમાં બદલાવ લાવી ચૂક્યા છે. વાળને સ્ટ્રેટ કરાવવાનો ટ્રેન્ડ જોકે ઘણાં વષોર્ પહેલાં આવી ચૂક્યો છે, પરંતુ બૉલીવુડમાં કોઈના પર એ દેખાય એટલે ટ્રેન્ડને ફરી જીવંત કરવામાં આવે છે. છેલ્લે તુષાર કપૂર કરણ જોહરની પાર્ટીમાં આવા સીધા વાળમાં જોવા મળ્યો હતો.

સેલિબ્રિટી ટ્રેન્ડ

આ સેલિબ્રિટી હેર ટ્રેન્ડમાં જોકે નવું અને આકર્ષક કંઈ નથી તેમ જ એ અમુક લોકો પર જ સૂટ થાય છે. જ્યારે સચિને આ હેરસ્ટાઇલ કરાવી ત્યારે ઘણા લોકોએ તેના લુકને ક્રિટિસાઇઝ પણ કરેલો, કારણ કે વાળને સ્ટ્રેટ કરાવવાનો આ કૉન્સેપ્ટ મૂળ તો સ્ત્રીઓ માટેનો હતો જેમના વાળ વધુપડતા કર્લી અને અનમૅનેજેબલ હતા. પરંતુ ત્યાર બાદ સ્ત્રીઓ એને નવી હેરસ્ટાઇલ તરીકે અપનાવવા લાગી અને પુરુષોમાં પણ વાળને સીધા કરાવવાનો ક્રેઝ આવ્યો. પરંતુ પુરુષો પર આ હેરસ્ટાઇલ સૂટ થતી નથી, કારણ કે તેમના વાળની લેન્ગ્થ ટૂંકી હોય છે.

આ ટ્રેન્ડ વિશે વાત કરતાં હેર એક્સપર્ટ જાવેદ હબીબ જણાવે છે, ‘સેલિબ્રિટીઓ આ હેરસ્ટાઇલ કરાવે છે, કારણ કે તેમની ફિલ્મના રોલની એ જરૂરિયાત હોય છે પરંતુ સામાન્ય પુરુષોએ આ હેરસ્ટાઇલ ન જ કરાવવી જોઈએ.’

ફેસકટ અને મેઇન્ટેનન્સ

આ પ્રકારનો હેરકટ અને હેરસ્ટાઇલ અમુક જ ટાઇપના ફેસકટ પર સૂટ થાય છે. સ્ટ્રેટનિંગ કરાવ્યા બાદ એ હેરસ્ટાઇલને મેઇન્ટેન રાખવી પણ જરૂરી છે, નહીં તો વાળ બે દિવસથી ઓળ્યાં ન હોય એવા થઈ જશે. રોજબરોજ વાળને જેલ લગાવીને સેટ કરવા અને લુક મેઇન્ટેન રાખવો એ આસાન નથી. સમય વધુ લાગશે તેમ જ હેરસ્ટાઇલિસ્ટે બનાવી આપી હતી એવી સ્ટાઇલ પાછી મળશે કે નહીં એ તો સવાલ જ રહ્યો. તેમ જ એક વાર હેર સ્ટ્રેટ કરાવ્યા બાદ એને દર બે-ત્રણ મહિને ટચ અપ કરાવતા રહેવું પડશે, કારણ કે પુરુષોનો હેર ગ્રોથ સ્ત્રીઓના પ્રમાણમાં ઝડપી હોય છે. એના લીધે થોડા જ દિવસોમાં વાળ વધવા લાગશે અને મૂળમાંથી મોટા થતા વાળ કંઈ સ્ટ્રેટનિંગ કરેલા નહીં ઊગે.

આ વિશે જાવેદ કહે છે, ‘હેરસ્ટાઇલિંગની વાત આવે ત્યાં વાળના નૅચરલ ટેક્સચર જેવું બીજું કંઈ જ નહીં, કારણ કે એક વાર વાળ કેમિકલના સંપર્કમાં આવે ત્યાર બાદ એ ડૅમેજ થઈ જાય છે. એ ઉપરાંત જ્યારે વાળમાં સ્ટ્રેટનિંગ કરવામાં આવે ત્યારે થોડા સમય માટે એ સારા લાગશે, પરંતુ કેમિકલની ઇફેક્ટ ઓછી થવા લાગે એટલે લુક ખરાબ થવાનું શરૂ થાય છે.’

પ્રૉબ્લેમનું સૉલ્યુશન

મોટા ભાગે કર્લી વાળ હોય તો કોઈ સારી હેરસ્ટાઇલ કરવી શક્ય નથી બનતી. આવી હેરસ્ટાઇલ મોટા ભાગે એવા પુરુષો કરાવે છે જેમના વાળ વાંકડિયા કે ખૂબ વેવી હોય, ડલ હોય અને બરછટ હોય. આવી ટ્રીટમેન્ટથી વાળમાં એક શાઇન આવશે અને વાળ સીધા થશે તો એ મૅનેજ કરવામાં આસાન રહેશે. પરંતુ જો કુદરતી રીતે જ વાળ થોડા સૉફ્ટ અને સિલ્કી હોય તો એને વધુ સ્ટ્રેટ કરાવવા ન જવું, કારણ કે એમાં વાળ બગડશે. આવા વાળ જો હંમેશાં મેઇન્ટેન્ડ રાખવામાં આવે તો જ સારા લાગે છે. અટલે હેરસ્ટાઇલ કરાવતા પહેલાં તમે એને મેઇન્ટેન કરી શકશો કે નહીં એનો વિચાર કરવો જરૂરી છે. સૅલોંમાં જાઓ એ પહેલાં તમને કેવી હેરસ્ટાઇલ જોઈએ છે એ વિશે મન મક્કમ કરો અથવા નૅચરલ વાળ સારા હશે તો એ પણ ડૅમેજ થશે. જો જાવેદ હબીબના કહેવા મુજબ આવા સ્ટ્રેટનિંગ કરાવેલા વાળ પુરુષો માટે છે જ નહી.

વાળની લેન્ગ્થ

વાળ સ્ટ્રેટ કરાવવા હોય તો વાળની લંબાઈ સારીએવી હોવી જરૂરી છે. ઓછામાં ઓછી બે ઇંચ. ખૂબ ટૂંકા વાળ હોય તો એમાં સ્ટ્રેટનિંગ પ્રોસેસ શક્ય નથી. એક વાર સ્ટ્રેટનિંગ કરી પણ લીધું તો પછી ટૂંકા વાળ માથા પર ઊભા રહેશે અને એ સારું નહીં જ લાગે. તેમ જ વાળ જેટલા હશે એ સ્ટ્રેટ કર્યા બાદ થોડા વધુ લાંબા લાગશે. માટે વાળ લાંબા રહે એ પસંદ હોય તો જ આ હેરસ્ટાઇલ કરાવો.