એવો ટ્રેન્ડ અપનાવો કે લોકો તમને જ ફૉલો કરે

27 November, 2012 06:42 AM IST  | 

એવો ટ્રેન્ડ અપનાવો કે લોકો તમને જ ફૉલો કરે


અપર્ણા ચોટલિયા

રિયલ લાઇફમાં સિમ્પલ, પરંતુ ટ્રેન્ડસેટર બનવામાં માનતી સોનારિકા ભદૌરિયાએ સૌપ્રથમ લાઇફ ઓકે ચૅનલ પર આવતી સિરિયલ ‘તુમ દેના સાથ મેરા’માં અભિલાષાના પાત્રથી ઍક્ટિંગ ક્ષેત્રમાં પગ મૂક્યો હતો અને હવે એ જ ચૅનલની ‘દેવો કે દેવ મહાદેવ’ સિરિયલમાં પાર્વતીના રોલથી જાણીતી બની ગઈ છે. ખૂબ જ સુંદર અને સિમ્પલ લાગતી સોનારિકા આજે ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે તેના ફૅશન સીક્રેટ્સ.

ટ્રેન્ડસેટર બનો

મારો ફૅશન મંત્ર એ જ છે કે કોઈ સેલિબ્રિટીને કૉપી કર્યા વિના જાતે જ એવો ટ્રેન્ડ સ્થાપો કે લોકો તમને ફૉલો કરવા લાગે. ઇન શૉર્ટ હું ટ્રેન્ડસેટર બનવામાં માનું છું. કોઈ બીજાના પર જોયેલી કોઈ ફૅશન પોતાની માટે ઍક્સેપ્ટ ન જ કરો. બીજાને ફૉલો કરવા જતાં ક્યારેક ફિયાસ્કો થઈ શકે છે એટલે પોતાને શું સૂટ થાય છે અને હું શેમાં કમ્ફર્ટેબલ રહીશ એ જોઈને જ હું ડ્રેસિંગ કરું છું.

શૉર્ટ્સ ફેવરિટ

મને શૉર્ટ્સ પહેરવા ગમે છે, પરંતુ હું માઇક્રો મિની પહેરીને બહાર ફરવા નીકળી જાઉં એમાંની નથી, પરંતુ ઘરે હોઉં ત્યારે શૉર્ટ ફ્રૉક્સ, શૉર્ટ ડ્રેસિસ અને શૉર્ટ્સ પહેરવાનું પસંદ કરુ છું. મને જીન્સ વધુ નથી ગમતા. એટલે શૉર્ટ્સ અને ગંજી પહેરવાનું પસંદ કરું છું અને બાકી જ્યારે પાર્ટીમાં જવાનું હોય ત્યારે વન પીસ ડ્રેસિસ પહેરું છું. લગભગ બધી જ છોકરીઓને નૉર્મલી પ્રૉબ્લેમ હોય છે કે આપણી પાસે કોઈ દિવસ પહેરવા માટે કપડાં હોતાં જ નથી. અને મારી સાથે પણ આવું જ થાય છે, પણ પછી મારી મમ્મી મને યાદ અપાવે કે વૉર્ડરોબ ખોલ, જો કોઈક ખૂણામાં કંઈક મળી જશે અને સાચે જ કંઈ સારું મળી જાય. 

તૈયારી નહીં

મેં કોઈ ફંક્શનમાં જવાનું હોય ત્યારે પહેલેથી તૈયારી ક્યારેય નથી કરી. જ્યારે જવા માટે તૈયાર થવાનું હોય ત્યારે વૉર્ડરોબમાં જે સામે દેખાય એ હું પહેરી લઉં. એક વાર કૉલેજમાં કંઈ નવું પહેરવાનું હતું અને મારી પાસે સારાં કપડાં નહોતાં. એ સમયે મેં મારા ૬.૩ ફૂટની હાઇટ ધરાવતા પપ્પાનું એક ટી-શર્ટ પહેરી એના પર સ્ટાઇલિશ બેલ્ટ પહેરી લીધો, શૉર્ટ્સ પહેરીને કૉલેજ ગઈ. મારું એ ડ્રેસિંગ બધાને એટલું ગમ્યું હતું કે બધાએ એ ક્યાંથી લીધું એ વિશે પૂછuું હતું અને હું જવાબ આપીને થાકી ગઈ હતી કે આ તો મારા પપ્પાનું ટી-શર્ટ છે.

બ્લૅક ઍન્ડ વાઇટ

કાળો અને સફેદ આ બે રંગો મારા આખા વૉર્ડરોબ પર રાજ કરે છે. મારો પર્સનલ ફેવરિટ રંગ લાલ છે, પરંતુ કેટલાંક કારણોસર મારી મમ્મી મને એ રંગ પહેરવાની ના પાડે છે અને એટલે જ હું વધુપડતો એ રંગ પહેરવાનું ટાળું છું. બાકી મને કાં તો ખૂબ ડાર્ક રંગો ગમે છે કાં તો ખૂબ લાઇટ. નેવી બ્લુ, રૉયલ બ્લુ જેવા ડાર્ક રંગો તેમ જ બેબી પિન્ક જેવા લાઇટ રંગો મારા પસંદગીના છે.

શૉપોહોલિક

હું શૉપોહોલિક છું અને જો શક્ય હોય તો આખી જિંદગી શૉપિંગ કરવામાં વિતાવી શકું છું. હું વધુપડતી સ્ટ્રીટ શૉપિંગ પણ નથી કરતી અને વધુપડતી બ્રૅન્ડ કૉન્શિયસ પણ નથી. ઝારા, ફોરેવર ન્યુ અને મૅન્ગો આ ત્રણ મારી ફેવરિટ બ્રૅન્ડ છે. આ સિવાય હું જે પણ જગ્યાએ મને જે પણ વસ્તુ ગમી જાય એ ખરીદી લઉં છું. બસ એ મને સૂટ કરતી હોવી જોઈએ. મેં ત્રણ વર્ષ પહેલાં રસ્તા પરથી એક ગંજી જેવું ટી-શર્ટ ખરીદ્યું હતું. એ પણ ફક્ત ત્રીસ રૂપિયામાં અને આજ સુધી હું એ ટી-શર્ટ પહેરું છું અને એ મારું ફેવરિટ છે. મેં મારી પહેલી અર્નિંગમાંથી ૮૦,૦૦૦ રૂપિયાની ગુચી બ્રૅન્ડની હૅન્ડ બૅગ ખરીદી હતી. આ સાંભળીને મારી મમ્મી ખૂબ ગુસ્સે થઈ હતી, પણ પછી મેં તેમને બ્રૅન્ડની વૅલ્યુ સમજાવીને પટાવી લીધાં. મને મારી કોઈ ખરીદીનું ક્યારેય કોઈ રિગ્રેશન નથી થતું. શૉપિંગનો શોખ છે મને.

ઍક્સેસરીઝની શોખીન


એક છોકરી પાસે હોવી જોઈએ એવી બેઝિક ઍક્સેસરીઝ મારી પાસે છે. જ્વેલરી હું ખૂબ ઓછી પહેરું છું. મને ઍક્સેસરીઝમાં બૅગ્સ, શૂઝ અને સનગ્લાસિસનો શોખ વધુ છે. બૅગમાં જેટલી પણ સ્ટાઇલ હોય એ બધામાંની એક તો મારી પાસે હોવી જ જોઈએ એવો મારો આગ્રહ હોય છે.

ફૅશન એટલે કપડાં નહીં

ફૅશન અને સ્ટાઇલનો અર્થ ફક્ત સારાં કપડાં પહેરવાં એટલો જ નથી થતો. તમે એ કપડાંમાં પોતાને કઈ રીતે સંભાળો છો એ પણ મહત્વનું છે. તમે જે પહેરો એમાં સારા લાગવા જોઈએ. ઘણી વાર લોકો એવાં કપડાં પહેરીને બહાર નીકળી જાય છે કે જે તેમને સૂટ જ નથી થતાં. અહીં એ પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ ડ્રેસ જો તમારા માપનો ન હોય તો જબરજસ્તી એમાં ઘૂસવાની ટ્રાય ન કરવી જોઈએ. કાં તો એ ડ્રેસ ફાટી જશે અને નહીં તો તમે વૉર્ડરોબ મલફંક્શનનો ભોગ બનશો.