સ્માર્ટ જૉગિંગ

20 November, 2012 06:28 AM IST  | 

સ્માર્ટ જૉગિંગ



જૉગિંગ કરતા સમયે મોટા ભાગના લોકો ફક્ત યોગ્ય પ્રકારના શૂઝને જ પ્રથમ પ્રાધાન્ય આપતા હોય છે. એ પછી કેટલીક વાર તો નાઇટ ડ્રેસ તરીકે પહેરેલા કુરતા-પાયજામા પર જૉગિંગ શૂઝ પણ ચાલી જાય છે, પરંતુ જૉગિંગ કરવા જાઓ ત્યારે પણ યોગ્ય પ્રકારનાં કપડાં પહેરવા જરૂરી છે. જોઈએ શું પહેરવું આવશ્યક છે.

મોજાં

સિન્થેટિક મટીરિયલમાંથી બનેલાં મોજાં જૉગિંગ કરવા માટે બેસ્ટ રહેશે. કૉટનનાં મોજાં હશે તો પસીનો એમાં શોષાઈ જશે અને મોજાં સતત ભીનાં હોય એવું લાગ્યા કરશે. વધુ પ્રોટેક્શન માટે લેયર્ડ સૉક્સ પણ પહેરી શકાય.

શૂઝ

સ્પોર્ટ્સ શૂઝ અને જૉગિંગ શૂઝમાં ફરક છે એટલે સ્ટોરમાં લેવા જાઓ ત્યારે તમને એ જૉગિંગ માટે જોઈએ છે એ ખાસ જણાવો. તમારા પગ માટે જ ડિઝાઇન થયા હોય એવા રનિંગ શૂઝ પહેરવા જરૂરી છે. તમારા પગના તળિયા ફ્લૅટ હોય, હીલનો ભાગ થોડો ઊંચો હોય કે પછી આંગળીઓ થોડી પહોળી હોય, દરેક પગના આકાર માટે શૂઝ મળી રહે છે.

ટી-શર્ટ

જૉગિંગ માટે શર્ટ કરતાં ટી-શર્ટ જ વધુ કમ્ફર્ટેબલ રહેશે.

ટી-શર્ટની પસંદગી પણ સીઝન અને લોકેશન પ્રમાણે કરવી જરૂરી છે. જો વધુ ઠંડી હોય તો સ્વેટર પહેરી શકાય, પરંતુ એની અંદર ટી-શર્ટ જરૂર પહેરવું. ટી-શર્ટ સીઝન પ્રમાણે કૉટન અથવા સિન્થેટિક પસંદ કરવું.

પૅન્ટ્સ

લુઝ ટ્રૅક સૂટ જૉગિંગ અને વૉકિંગ કરવા જાઓ ત્યારે પહેરવા માટે બેસ્ટ છે. ટ્રૅક પૅન્ટ સ્કિન પર થતો પસીનો શોષી શકતું નથી, પરંતુ કૉટન પૅન્ટ્સથી પસીનામાં રાહત મળી શકે છે. જોકે વધુ કમ્ફર્ટેબલ ટ્રૅક પૅન્ટ જ રહેશે.

શૉર્ટ્સ

જૉગિંગ માટે જો આરામદાયક લાગે તો પૅન્ટની બદલે શૉર્ટ્સ પણ પહેરી શકાય. ખાસ કરીને રનિંગ કરવું હોય ત્યારે, પરંતુ આ શૉર્ટ્સ કૉટનમાંથી બનેલા ન હોય એનું ખાસ ધ્યાન રાખવું.

અંધારામાં જૉગિંગ

સવારના નહીં પણ સાંજે કે રાતના જૉગિંગ કરવા જવાના હો ત્યારે ડાર્ક તેમ જ સિંગલ ટોનના રંગો પહેરવાનું ટાળવું. રાતના સમયે અંધારામાં દેખાય એવા નિયોન રંગોનું ટી-શર્ટ કે ગંજી પહેરી શકાય, જેથી આજુ-બાજુથી જતા લોકો તેમ જ વાહનો તમને જોઈ શકે.

મ્યુઝિક

મ્યુઝિક સાથે જૉગિંગની મજા બમણી થઈ જાય છે. મોબાઇલ અથવા એમપીથ્રી પ્લેયરને સાથે રાખી શકાય. મ્યુઝિકથી માઇન્ડ પણ સારું રહે છે, પરંતુ વૉલ્યુમ વધુપડતું ન રાખવું અને હેડ ફોન્સ લગાવીને જ સાંભળવું ફરજિયાત છે. જેથી તમારા મ્યુઝિકના અવાજથી બીજાને તકલીફ ન પહોંચે.