સ્લીવલેસ આઉટ, ફુલ સ્લીવ ઇન

27 December, 2012 06:59 AM IST  | 

સ્લીવલેસ આઉટ, ફુલ સ્લીવ ઇન




સ્ટાર & સ્ટાઇલ

સાડીને વધુ ગ્લૅમરસ બનાવવા માટે એની સાથે સ્ટ્રેપલેસ અને બૅકલેસ બ્લાઉઝ પહેરાવા લાગ્યા અને પછી વિદ્યા બાલને થ્રી-ફોર્થ સ્લીવનો ટ્રેન્ડ ફરી હિટ બનાવ્યો ત્યાં સુધી કે સ્ટાઇલને બધા વિદ્યા બાલન સ્લીવ તરીકે ઓળખવા લાગ્યા અને હવે આખા હાથ ઢંકાય એવી ફુલ સ્લીવવાળા બ્લાઉઝનો ટ્રેન્ડ આવ્યો છે. અને એ પણ નેટ અને લેસ જેવા મટીરિયલમાં. અહીં સાડીને સિમ્પલ અને બ્લાઉઝને હેવી રાખવામાં આવે છે. જેમ-જેમ સ્ત્રીઓ વધુ ને વધુ સ્ટાઇલ કૉન્શિયસ બની રહી છે એમ આ પ્રકારની નવી ડિઝાઇનો આવતી રહે છે. હાથને પૉલ્યુશન અને તડકાથી બચાવવાનો પણ આ એક ઉપાય છે. અત્યારે ઠંડી છે એટલે પણ આ ટ્રેન્ડ અપનાવી શકાય છે. બૉલીવુડમાં અંગપ્રદર્શનમાં માનનારી ઍક્ટ્રેસો પણ હવે આ રીતે ફુલ સ્લીવના બ્લાઉઝ પહેરી રહી છે. બિપાશાએ યલો કલરની સાડી સાથે કૉન્ટ્રાસ્ટ એવું પિન્ક નેટનું બ્લાઉઝ પહેર્યું છે, જેમાં આગળના ભાગમાં ચુન આપવામાં આવી છે. બાકીની ઍક્ટ્રેસો ફક્ત સ્લીવ જ હેવી હોય એવું બ્લાઉઝ પહેરે છે જેથી હાથમાં કોઈ ઍક્સેસરીઝ પહેરવાની ઝંઝટ ન રહે. ઐશ્વર્યા અવારનવાર આ જ ટાઇપના બ્લાઉઝમાં જોવા મળે છે. જોકે તાજેતરમાં એક ઇવેન્ટમાં તેણે ફુલ સ્લીવના બ્લાઉઝમાં આગળના ભાગમાં થોડાં ફુમતાં લગાવ્યાં હોય એ ટાઇપની ડિઝાઇન કરાવી હતી. આમ તો આવી લાંબી સ્લીવની પૅટર્ન ૮૦ના દાયકામાં વધુ જોવા મળતી, પરંતુ દરેક ટ્રેન્ડની જેમ આ ટ્રેન્ડ પણ ફરી આવ્યો છે. પ્રિયંકા ચોપડાએ એક ફંક્શનમાં આવું જ એક ફુલ સ્લીવવાળું બ્લાઉઝ પહેર્યું હતું.

ફુલ સ્લીવ ફૉર્મલ લુક આપે છે અને ડ્રેસી લાગે છે. કોઈ મોટા ફંક્શનમાં જ્યારે ગાઉન ન પહેરવું હોય ત્યારે આ પ્રકારના બ્લાઉઝ સાથે પહેરેલી સાડી બેસ્ટ લાગશે. ગળાની પૅટર્નમાં ડીપ નેક, બોટ નેક કે આખું પૅક ગળું પણ સારું લાગશે.