આટલું તમારી સ્કિનને રાખશે ચમકદાર

05 October, 2011 05:35 PM IST  | 

આટલું તમારી સ્કિનને રાખશે ચમકદાર

 

અળસીનું તેલ

ફૅટી ઍસિડ, ઑમેગા થþી અને સિક્સથી ભરપૂર એવાં અળસીનાં બી સ્કિન પરની લાલાશ અને ઇરિટેશન દૂર કરવામાં મદદ કરે છે. અળસીનાં બીથી સ્કિનની રફનેસ પણ ઓછી થતી હોવાનું જણાયું છે.

ગ્રીન ટી

ગ્રીન ટી ત્વચાને જરૂરી એવા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. જે સ્કિનને ડૅમેજ કરનારાં કિરણોને નાબૂદ કરે છે જે વૃદ્ધત્વની નિશાનીઓ માટે કારણભૂત બને છે. ગ્રીન ટીમાં રહેલાં ઉપયોગી તત્વો સ્કિનમાં રહેલા સેલ્સને નબળા બનતા રોકે છે. ગ્રીન ટીમાં વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે ચામડીની બળતરામાં પણ રાહત આપે છે.

બેરી

સ્ટ્રૉબેરી, બ્લુબેરી, ગુસબેરી, મલબેરી જેવા પ્રકારના બેરી ગ્રુપનાં ફળોમાં ભરપૂર પ્રમાણમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ જોવા મળે છે. એ ત્વચાનાં રોમ છિદ્રોને બંધ કરવામાં મદદ કરે છે, જેથી બહારનાં તત્વો જેવાં કે ધૂળ, તડકો વગેરેને લીધે સ્કિન ડૅમેજ ન થાય. સ્ટ્રૉબેરીમાં સિલિકા પણ સારા પ્રમાણમાં હોય છે જેથી સ્કિનને જરૂરી એવું મિનરલ પણ મળી રહે.

સેલરી (એક પ્રકારની ચાઇનીઝ ભાજી)

સિલિકાનો ખૂબ સારો સોર્સ એવી સેલરીમાં એવાં મિનરલ મળી આવે છે જે શરીરમાં કનેક્ટિવ ટિશ્યુઓને મજબૂત બનાવે છે અને હેલ્ધી સ્કિન માટે પણ સેલરીનાં તત્વો સારાં છે. સિલિકાનાં બીજા સોર્સમાં લીક, ફણસી, સ્ટ્રૉબેરી, કાકડી, કેરી વગેરેનો સમાવેશ થાય છે.

કાકડી

કાકડીમાં વિટામિન સી અને કૅફિક ઍસિડ મળી આવે છે. આ બન્ને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ સન ડૅમેજ અને કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે. કાકડી ત્વચામાં કોલાજન અને ઇલાસ્ટીનું પ્રમાણ વધારે છે જેના લીધે સ્કિન વાઇબ્રન્ટ દેખાય છે. કૅફિક ઍસિડ ત્વચાને અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચાવે છે. કાકડીનો ગુણધર્મ ઠંડો હોવાને લીધે કાકડીનો રસ ત્વચા પર બહારથી પણ લગાવતાં એ ઠંડક
આપે છે, લાલાશ દૂર કહે છે અને સ્કિનને સુંવાળી બનાવે છે.

ગાજર

વિટામિન એ આંખો માટે ઉત્તમ ગણાય છે, જે ગાજરમાં ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. ગાજર બીટા કૅરેટોન માટેનો પણ રિચ સોર્સ છે. સવારના સમયે ગાજરનો જૂસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમ જ સ્કિન પર કરચલી પડતી અટકે છે. ગાજરમાં રહેલી ઍન્ટિ-કૅન્સર પ્રૉપર્ટી કૅન્સર સામે પણ રક્ષણ આપે છે.

કોળાનાં બી

કોળું ખાઈ લીધા પછી એનાં બીને ફેંકી ન દો. કોળાનાં બીમાં ત્વચા માટે ખૂબ જરૂરી એવું મિનરલ એટલે કે ઝિન્ક મળી આવે છે. ખીલવાળી ત્વચા પર ઝિન્ક ખાસ ઉપયોગી છે. ખીલ એ શરીરમાં ઝિન્કની કમીનું પરિણામ પણ હોઈ શકે છે.

પાણી

સ્કિન માટે ખૂબ જૂનો અને ખૂબ અસરદાર એવો આ ઉપાય સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ રાખવા માટે બેસ્ટ ઉપાય છે. ફ્રૂટના જૂસ, લીંબુપાણી, સાકરવાળાં પીણાં વગેરે કંઈ પણ પીવા કરતાં સૌથી બેસ્ટ ઉપાય છે કે ભરપૂર પાણી પીઓ. પાણી વધારે પ્રમાણમાં લેવાથી સ્કિન હાઇડ્રેટ થાય છે. પાણીથી ત્વચામાંથી ઝેરી તત્વોનો નિકાલ થાય છે, જેનાથી સ્કિન સ્વસ્થ અને ચમકીલી રહે છે.