દાડમથી કરો સ્કિન કૅર

05 September, 2012 05:45 AM IST  | 

દાડમથી કરો સ્કિન કૅર

દાડમને ફ્રેન્ચમાં બીવાળું ઍપલ પણ કહેવામાં આવ્યું છે. પોતાની ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ-ઇન્ફ્લમેટરી પ્રૉપર્ટીઓને કારણે દાડમ ત્વચાને ઊજળી બનાવે છે તેમ જ વૃદ્ધ થતી અટકાવે છે. દાડમ ઘણા સ્કિન-પ્રૉબ્લેમ માટે મદદરૂપ થાય છે; જેમાં ત્વચાની કાળાશ, ખીલ, ડ્રાય સ્કિન, કરચલી, હાઇપરપિગ્મેન્ટેશન અને ખીલના ડાઘનો પણ સમાવેશ છે.

કોષોની બનાવટ

દાડમ ત્વચાના બહારના લેયર એટલે કે એપિડર્મિસને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે તેમ જ એપિડર્મિસ અને ડર્મિસ એટલે કે ત્વચાના અંદરના લેયરમાં નવા કોષો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. સ્ાક્યુર્લેશન વધારી ત્વચાના રોગોમાં રાહત આપે છે. દાડમ ત્વચાના ટિશ્યુ રિપેર કરવામાં પણ મદદરૂપ થાય છે.

સન પ્રોટેક્શન

દાડમમાં રહેલાં સન પ્રોટેક્ટિવ કમ્પાઉન્ડ્સને લીધે એ ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવે છે. એને લીધે ત્વચાને સ્કિન-કૅન્સર, સનબર્ન અને તડકાને થતી ડૅમેજથી બચાવે છે. દાડમનાં બીના તેલમાં રહેલા ઍલર્જિક ઍસિડ અને પૉલિફિનોલ ઍન્ટિ-ઑક્સિડન્ટને લીધે એ ત્વચાના કૅન્સર સામે રક્ષણ આપી શકે છે.

ઍન્ટિ-એજિંગ

સન ડૅમેજને લીધે ત્વચા પર વૃદ્ધત્વની નિશાનીઓ સમય કરતાં પહેલાંથી જ દેખાવા લાગે છે. આવી નિશાનીઓ એટલે કરચલી અને ફાઇન લાઇન્સ. દાડમથી આ અટકે છે અને એજિંગને લીધે થનારા ડાઘ અને હાઇપરપિગ્મેન્ટેશનમાં રાહત મળે છે.

યુવાન ત્વચા

દાડમ ત્વચામાં કોલાજન અને ઇલાસ્ટિનના પ્રોડક્શનમાં વધારો કરે છે જેને લીધા ત્વચા નરમ અને સુંવાળી બને છે.

સૂકી ત્વચા

દાડમ ત્વચાની અંદર સુધી ઊતરી શકે છે અને માટે જ એ સ્કિનની કૅર કરવામાં એક ઍક્ટિવ ઇન્દ્રિડિયન્ટ સાબિત થાય છે. દાડમ મોટા ભાગે બધા જ ટાઇપની સ્કિન પર અસરદાર છે. કઈ સ્કિન ટાઇપ પર દાડમનો વપરાશ ન કરી શકાય એ એમાં મિક્સ કરેલી બીજી સામગ્રીઓ પર આધાર રાખે છે. પૉમેગ્રેનેટ એટલે કે દાડમનું તેલ ચામડીમાં અંદર સુધી ઊતરતું હોવાને લીધે ડ્રાય સ્કિન સુંવાળી બને છે. જો ત્વચા ખરબચડી થઈ ગઈ હોય તો એમાં રાહત થાય છે. દાડમમાં ઑમેગા ફૅટી ઍસિડનું પ્રમાણ પણ રહેલું છે જે સ્કિનને હાઇડ્રેટ કરી મૉઇસ્ચર લૉસમાં રાહત આપે છે.

ઑઇલી અને કૉમ્બિનેશન સ્કિન

દાડમનાં બીનું તેલ જો ત્વચા તૈલી હોય તોય વાપરી શકાય. ખીલ થતા હોય એવી ત્વચા પર પણ દાડમ અસરકારક છે. દાડમના વપરાશથી ખીલને લીધે ખરબચડી બની ગયેલી ત્વચા સુંવાળી બને છે.