શ્રદ્ધા કપૂરનું ફિટનેસ-સીક્રેટ છે સમયસર જમવું ને સમયસર સૂવું

06 October, 2014 05:14 AM IST  | 

શ્રદ્ધા કપૂરનું ફિટનેસ-સીક્રેટ છે સમયસર જમવું ને સમયસર સૂવું



એનર્જીથી ફાટ-ફાટ થતી શ્રદ્ધા કપૂરનું વ્યક્તિત્વ બહુ સરળ છે. શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરેની આ દીકરી બચપણથી જ સ્ટાર્સનાં બાળકો જેવી અકડુ જરાય નથી. હજી પણ તે વાતોડિયણ અને દરેકની સાથે મિક્સ થઈ જાય એવા સ્વભાવની છે. હવે શ્રદ્ધા એટલી બિઝી છે કે તેની પાસે જરાય ટાઇમ નથી.

હેલ્થ ઇઝ વેલ્થ

શ્રદ્ધા હેલ્થ ઇઝ વેલ્થમાં ખૂબબધું બિલિવ કરે છે. તેને મન હેલ્થ એટલે માત્ર વેઇટ-લૉસ કરવું, બૉડીને ફિટ અને સ્લિમ રાખવું કે શરીરમાં તાકાત હોય એટલું જ નહીં; પણ તન-મન-ધન બધી રીતે મનથી ખુશ રહેવું. તેનું કહેવું છે કે તમારો આ ઍટિટ્યુડ આગળ જતાં તમારી પર્સનલ લાઇફ અને પ્રોફેશન બન્નેમાં મદદ કરે છે.

હેલ્થ બાબતે દરેકનો પસ્ર્પેક્ટિવ અલગ હોય છે એની વાત કરતાં તે કહે છે, ‘મારા પપ્પા અને મમ્મીના હેલ્થ-પસ્ર્પેક્ટિવ ડિફરન્ટ છે. પપ્પા હેલ્થ માટે એટલા ક્રેઝી છે કે હંમેશાં ટ્રેડમિલ પર જ હોય, જ્યારે મમ્મી કંઈ કર્યા વિના કુદરતી રીતે જ હેલ્ધી છે. જોકે બન્નેનું માનવું છે કે હેલ્થ ઇઝ વેલ્થ.

ચાન્સ પે ડાન્સ

શ્રદ્ધા જિમમાં નથી જતી એવું નથી. જિમ જવું તેના માટે જરૂરી છે; પણ તેણે વીકમાં ત્રણ દિવસનો પોતાનો મૉડરેટ વેઇટ-ટ્રેઇનિંગ પ્લાન અને જિમ રૂટીન પ્લાન જ નહીં, પાંચ દિવસનો અલગથી કાર્ડિયો પ્લાન પણ બનાવ્યો છે. આ બધાને તે શિસ્તબદ્ધતાથી વળગી રહે એવું નહીં. શૂટિંગનું હેક્ટિક શેડ્યુલ હોય તો પોતાના ગમતા મ્યુઝિક પર પગ થાકે નહીં ત્યાં સુધી તે ડાન્સ કરી લે છે. આમ કરવાથી તેને ખૂબ આનંદ તો મળે છે જ અને સાથે જિમ બન્ક કરવાનું વળતર પણ મળી રહે છે.

સ્પોર્ટ્સ-પર્સન સ્પિરિટ

શ્રદ્ધા લાઇફમાં સ્પોર્ટ્સને ખૂબ મહત્વ આપે છે. જોકે હવે તે સ્પોર્ટ્સ માટે ટાઇમ નથી ફાળવી શકતી, પણ જ્યારે ટાઇમ મળે ત્યારે સ્કુબા-ડાઇવિંગ માટે ગોવા પહોંચી જાય છે. તે ઍડ્વાન્સ્ડ સ્કુબા-ડાઇવર છે. આ કોર્સ તેણે ખોપોલીમાં શરૂ કર્યો હતો અને માલદિવ્સમાં

પૂરો કર્યો હતો.

સ્કૂલના સમયમાં શ્રદ્ધા કૉમ્પિટિટિવ સ્પોર્ટ્સમાં ભાગ લેતી હતી એટલું જ નહીં, કૉમ્પિટિશનમાં જીતવાનો સ્પિરિટ રાખતી. તે ઍથ્લીટ હતી. સૉકર ટીમમાં હતી, બાસ્કેટબૉલ અને હૅન્ડબૉલ પણ રમતી. તે સો મીટર દોડમાં પણ ભાગ લેતી હતી. પોતાના આ સ્પિરિટનો એક પ્રસંગ યાદ કરતાં શ્રદ્ધા કહે છે, ‘હું હંમેશાં કૉમ્પિટિશન જીતવાનો ઍટિટ્યુડ રાખતી. એક વાર ઍથ્લેટિક્સમાં જીત માટે હું ફેવરિટ હતી, પણ સાવ ઓછા પૉઇન્ટ્સથી હારી ગઈ ત્યારે બહુ હર્ટ થઈ હતી. હરીફાઈમાં જીતનો મારો આ ઍટિટ્યુડ મને આગળ જતાં શરૂઆતની મારી ફિલ્મો નિષ્ફળ ગઈ ત્યારે બહુ ઉપયોગી થયો હતો.’

ટાઇમ ટુ ટાઇમ

શ્રદ્ધા ફૂડી જરૂર છે, પણ જમવા અને સૂવામાં નિયમિત રહેવામાં માને છે. એટલી હદે કે તે કહે છે કે જો મને ચોક્કસ સમયે જમવા ન મળે તો મારું મગજ ચાલવાનું બંધ થઈ જાય છે.

શૂટિંગ પર હોય ત્યારે તે શાકાહારી ભોજન જ લે છે, કારણ કે હેક્ટિક શેડ્યુલમાં આ ભોજન પચાવવું સરળ પડે છે. આ કીમતી ટિપ તેને ‘તીન પત્તી’ ફિલ્મ દરમ્યાન ‘ગાંધી’ ફિલ્મવાળા સર બેન કિંગ્સ્લેએ આપી હતી.

સમયસર સૂવાના પોતાના નિયમને લઈને જ તે કોઈ પાર્ટી અટેન્ડ નથી કરતી, કારણ કે મોટા ભાગની પાર્ટીઓ મોડી રાતે શરૂ થતી હોય છે. શ્રદ્ધા વધુમાં વધુ ૧૧ વાગ્યા સુધી જ જાગી શકે છે. એ પછી તેને બગાસાં આવવા લાગે.

 સોશ્યલાઇઝ થવું તેને ગમે છે, પણ એ માટે તે પોતાના મિત્રો સાથે બહાર જવાને બદલે બધાને ઘરે બોલાવી ઘરનું ખાઈને પાર્ટી કરે છે. હવે તે ખાવા બાબતે થોડી ચીવટ રાખે છે. બાકી તેને મહારાષ્ટ્રિયન મટન-કરી અને ચૉકલેટ-કેક બહુ ભાવે છે. તે એ બનાવતાં પણ શીખી છે.

મન જો ચાહે કરો

યુવા ફ્રેન્ડ્સને શ્રદ્ધા એક જ સલાહ આપે છે, ‘તમારા આત્માના અવાજને અનુસરો. તમારા માટે સારું શું છે અને ખરાબ શું છે એની લાખો સલાહ લોકો તમને આપશે, પણ એમાંથી કેટલી સલાહ લેવી એ તમારા પર છે. તમારા માટે શું સારું છે અને શું ખોટું છે એ તમે નક્કી કરો. ઇટ્સ યૉર લાઇફ. તમને સારું લાગે એ જ કરો, મન જે ચાહે એ જ કરો.