પુરુષોમાં છે ટૂંકાં પૅન્ટ્સ ડિમાન્ડમાં

10 September, 2012 06:28 AM IST  | 

પુરુષોમાં છે ટૂંકાં પૅન્ટ્સ ડિમાન્ડમાં



ન અડધું ન આખું એવું પૅન્ટ જો પહેરો તો જોકર લાગો. સાચી વાતને? પણ ના, હવે એવું નથી રહ્યું, કારણ કે હવે આ પ્રકારનું ટૂંકું પૅન્ટ ખૂબ ડિમાન્ડમાં છે. પૅરિસ અને લૉસ ઍન્જલસથી લઈને મુંબઈ સુધીના ફૅશન રનવે પર આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઍન્કલ દેખાય એવા પૅન્ટ પહેરવાનું પુરુષો મોટા ભાગે ટાળતા હોય છે, પરંતુ આજના મૉડર્ન પુરુષો કોઈ પણ ફૅશન સાથે એક્સપરિમેન્ટ કરવા માટે તૈયાર છે અને માટે જ તેમણે મૅન્કલ્સનો આ ટ્રેન્ડ અપનાવી લીધો છે. જાણીએ આ સ્ટાઇલ વિશે.

વીક-એન્ડ સ્ટાઇલ

દેખાવમાં ફૉર્મલ ટ્રાઉઝર્સ જેવાં જ પણ લંબાઈમાં એનાથી થોડાં ટૂંકાં એવાં આ પૅન્ટ્સ એટલે ઍન્કલ ટ્રાઉઝર્સ. આ સ્ટાઇલ ફૉર્મલ જરૂર છે, પણ પૂર્ણપણે નહીં. ઍન્કલ ટ્રાઉઝર્સની આ સ્ટાઇલ વીક-એન્ડ ઑફિસ-વેઅર કે સેમી-ફૉર્મલ વેઅર તરીકે સારી લાગશે. કોઈ પણ સ્ટાઇલને પ્રસંગોપાત્ત અપનાવવી જોઈએ. જે કપડાં આપણે લગ્નમાં પહેરીએ એ ઑફિસમાં તો નહીં જ પહેરીએ.

પ્રૉપર બૉડી

એક્સપટોર્ના મતે જો આ ટ્રેન્ડ અપનાવવો હોય તો પહેલાં દસ વાર વિચાર કરજો, કારણ કે આ પ્રકારનાં પૅન્ટ્સ ઍથ્લેટ બૉડી ધરાવતા પાતળા અને વેલ બિલ્ટ પુરુષોને જ સૂટ થશે. જો ફાંદ હોય તો આ પૅન્ટ નહીં પહેરતા, કારણ કે એ સાચે જ જોકર જેવું લાગશે.

છોકરી જેવું કંઈ નથી

છેલ્લા થોડા સમયથી આવાં ઍન્કલ લેન્ગ્થ ટ્રાઉઝર્સ અને પૅન્ટ્સનો યુવતીઓમાં ખાસ ક્રેઝ છે. સોનમ કપૂર મોટા ભાગે આવાં પૅન્ટ્સ પહેરેલી જોવા મળે છે. આવો છોકરીઓનો ટ્રેન્ડ શું છોકરાઓ અપનાવવો જોઈએ કે નહીં એવો પ્રશ્ન થતો હોય તો જાણી લો કે શૉર્ટ્સ છોકરાઓનો પહેરવેશ છે. તો પછી છોકરીઓ એ કેમ પહેરે છે? માટે જ ફૅશનમાં છોકરા કે છોકરી જેવું કંઈ નથી હોતું. બધા બધો જ ટ્રેન્ડ અપનાવી શકે છે. ફક્ત એ તમને સૂટ કરતો હોવો જોઈએ.

સ્ટાઇલ આઇકન

આજકાલ ફિલ્મોમાં જોઈને યુવાનો ફૅશન કરવા પ્રેરાય છે અને એમાં પણ યુવાનોમાં ખાસ ક્રેઝ છે. આજનું જનરેશન મિડિયા, ઇન્ટરનેટ અને ફિલ્મોના માધ્યમથી બધી જ ચીજો સુધી આસાનીથી પહોંચી શકે છે. એટલે કોઈ પણ સ્ટાઇલને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એને ફિલ્મમાં દેખાડવામાં આવે છે. ફિલ્મમાં પોતાના સ્ટાઇલ આઇકને જે પહેર્યું હોય એ સ્ટાઇલ અપનાવવી ખૂબ આસાન બની જાય છે. આ સ્ટાઇલ યંગ પ્રોફેશનલ્સ માટે ખાસ ઇફેક્ટિવ છે.

એક્સપરિમેન્ટ કરો

પુરુષોની સ્ટાઇલમાં એક્સપરિમેન્ટ કે અખતરા ખૂબ ઓછા પ્રમાણમાં થાય કે નથી જ થતા. એટલે અહીં સલાહ છે કે અખતરા કરો. આવાં પૅન્ટ્સ નૅરો બૉટમ અથવા સ્ટ્રેઇટ હોવાં જોઈએ. સાથે એને થોડા ફોલ્ડ કરીને પણ પહેરી શકાય. આ પૅન્ટ પહેરો ત્યારે લુઝ ટી-શર્ટ અથવા શર્ટ ન પહેરવાં. બૉડી-ફિટિંગ ટી-શર્ટ સારું લાગશે.

સ્ટાઇલ ચેક

આ સ્ટાઇલ ખૂબ આસાન છે, પણ એ ફૉલો કરતાં પહેલાં કેટલીક ચીજો ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌથી પહેલી વાત એ કે આવાં ઍન્કલ પૅન્ટ્સ પહેરો ત્યારે શૂઝ સાથે સૉક્સ ન પહેરવાં. પૅન્ટની લંબાઈ ઓછી હોય ત્યારે એમાંથી મોજાં દેખાય એ બેહૂદું લાગશે.

ઍન્કલ ટ્રાઉઝર્સ સાથે પેસ્ટલ કલર્સનાં ટી-શર્ટ્સ મૅચ કરો. બેજ કે ખાખી કલરનાં પૅન્ટ્સ સાથે બ્લુ, પિન્ક જેવા શેડ્સ સારા લાગશે.

આ પૅન્ટ્સ કોઈ પણ સ્ટિફ મટીરિયલમાંથી બનેલાં હોય એ જરૂરી છે. કૉટન ડ્રિલ, કૉટન શીનો કે પછી લિનન આ પૅન્ટ્સ માટે સારાં રહેશે. પૉલિયેસ્ટરનું મટીરિયલ આ ટ્રાઉઝર્સ માટે છે જ નહીં.

આ પૅન્ટ્સ ખૂબ લૂઝ ન હોવાં જોઈએ. પ્રૉપર ફિટ હશે તો લુક સારો લાગશે. આમ પણ જે કપડાં પહેરો એ જો તમને યોગ્ય રીતે ફિટ થતાં હોય તો જ એ સારાં લાગે છે.

કેમ મૅન્કલ્સ?

મેન્સનાં સૅન્ડલ્સ એટલે કે મૅન્ડલ્સ અને મેન્સની બિકિની જેવું આઉટફિટ એટલે મૅન્કિની પરથી મૅન્કલ આ શબ્દ પણ ઉદ્ભવ્યો છે. આનો અર્થ એટલે મેન્સનાં ઍન્કલ્સ. આ પૅન્ટ્સ રોલ-અપ ટ્રાઉઝર તરીકે પણ જાણીતાં છે. પ્રતીક તેમ જ અભય દેઓલ જેવા સ્ટાર્સ આવાં પૅન્ટ્સમાં જોવા મળે છે