ક્યારેક ટ્રાય કરો શર્ટ-બ્લાઉઝ

27 June, 2017 06:14 AM IST  | 

ક્યારેક ટ્રાય કરો શર્ટ-બ્લાઉઝ

ખુશ્બૂ મુલાની ઠક્કર

સાડી સાથે શર્ટ-બ્લાઉઝ પહેરવા માટે એક ચૉઇસ જોઈએ અથવા તો એમ કહી શકાય કે જે સ્ત્રીને કંઈક હટકે પહેરવાનો શોખ હોય તે શર્ટ-બ્લાઉઝ પહેરી શકે. શર્ટ -બ્લાઉઝ પહેરવા માટે ચોક્કસ કલર-કૉમ્બિનેશનની જરૂર નથી હોતી. સાડી જે કલરની હોય એનાથી એકદમ કૉન્ટ્રાસ્ટ કલરનું શર્ટ-બ્લાઉઝ પહેરી શકાય. જેમ કે પિન્ક અને પર્પલ કલરની સાડી હોય તો એની સાથે વાઇટ કલરનું શર્ટ-બ્લાઉઝ પહેરી શકાય અથવા તો પર્પલ કલરનું શર્ટ-બ્લાઉઝ પહેરી શકાય. શર્ટ-બ્લાઉઝમાં કૉલર હોવો જરૂરી છે અને આગળ બટન પણ હોવાં જોઈએ. શર્ટ-બ્લાઉઝ કેટલું લૂઝ હોવું જોઈએ એ પર્સનલ ચૉઇસ છે અને તમારા શરીરનો બાંધો કેવો છે એના પર પણ આધાર રાખે છે. જો તમે બ્લૅક કલરની સાડી પહેરવાના હો તો એની સાથે ઑરેન્જ કલરનું શર્ટ-બ્લાઉઝ પહેરી શકાય.

સ્લીવ્ઝ

શર્ટ-બ્લાઉઝમાં સ્લીવ્ઝનું વેરીએશન ઘણું કરી શકાય. ફુલ સ્લીવ્ઝ, થ્રી-ફોર્થ અને શૉર્ટ સ્લીવ્ઝ. જો તમારી રેડ કલરની પ્લેન સાડી હોય તો ઑફ વાઇટ કલરનું ફુલ સ્લીવ્ઝનું શર્ટ-બ્લાઉઝ કરાવવું અને બ્લાઉઝમાં સાડીને મૅચિંગ એમ્બ્રૉઇડરી કરાવવી એટલે કે ઑફ વાઇટ કલરના બ્લાઉઝ પર રેડ એમ્બ્રૉઇડરી. ફુલ સ્લીવ્ઝ જો લૂઝ ન રાખવી હોય તો સ્લીવ્ઝમાં રેડ કફ્સ આપી શકાય, જેથી થોડો ફિટેડ લુક આવે. થ્રી-ફોર્થ સ્લીવ્ઝમાં અલગ-અલગ સ્ટાઇલિંગ આપી શકાય; જેમ કે બેલ સ્લીવ્ઝ, ફિટેડ, બલૂન વગેરે. આ બધી જ સ્લીવને એક્સપરિમેન્ટલ લુક કહી શકાય. બેલ સ્લીવ્ઝ, ફિટેડ અને બલૂન સ્લીવ્ઝ તમે ફ્લોઇંગ સાડી સાથે પહેરી શકો. જો તમારું સુડોળ શરીર છે તો તમે બેલ સ્લીવ્ઝ પહેરી શકો. તમારો બાંધો થોડો ભરેલો હોય તો તમે ફિટેડ સ્લીવ્ઝ પહેરી શકો. સાડી સાથેનું મૅચિંગ બ્લાઉઝ ન કરાવવું, પરંતુ કૉન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરવું.

નેકલાઇન અને કૉલર

શર્ટ-બ્લાઉઝમાં નેકલાઇન કે કૉલરમાં વધારે કોઈ પૅટર્ન આવતી નથી, પરંતુ થોડો ફેરફાર કરી પહેરી શકાય. જેમ કે શર્ટનો રેગ્યુલર કૉલર ન પહેરવો હોય તો કૉલર નાનો કે મોટો કરાવી શકાય અથવા તો કૉલરનો શેપ બદલાવી શકાય. શર્ટ-બ્લાઉઝનું લૂઝિંગ કઈ રીતે રાખવું છે એ પર્સનલ ચૉઇસ છે અને તમારી બૉડી-ટાઇપ પ્રમાણે પહેરવું. જો તમે લાંબાંપાતળાં હો તો શર્ટ-બ્લાઉઝ પહેરવાના ઘણા ઑપ્શન છે જેમ કે ક્લોઝ નેકલાઇન કૉલર સાથે પહેરી શકો અને આ ફિટિંગવાળું વધારે સારું લાગશે. જો તમને પ્રૉપર શર્ટ-બ્લાઉઝ લુક જોઈતો હોય તો તમે રેગ્યુલર નેકલાઇન સાથે રેગ્યુલર કૉલરવાળું બ્લાઉઝ પહેરી શકો. આમ સરખું લૂઝિંગ હશે તો જ સારું લાગશે. જો તમારો બાંધો મજબૂત હોય તો તમે ફિટેડ શર્ટ લુક અપનાવી શકો.

કેવી રીતે અને ક્યાં પહેરવાં શર્ટ-બ્લાઉઝ

એક ચોક્કસ ઇવેન્ટમાં જ પહેરાય. તેમ જ બધાં શર્ટ-બ્લાઉઝ કૅરી કરી પણ નથી શકતાં. કોઈ કૉકટેલ પાર્ટીમાં પહેરી શકાય અથવા તો કિટી પાર્ટીમાં શર્ટ-બ્લાઉઝ - સાડીની થીમ રાખી શકાય. આ ડ્રેસ સાથે નો-જ્વેલરી લુક સારો લાગી શકે અથવા તો હાથમાં કોઈ સ્ટેટમેન્ટ કડું પહેરાય. શર્ટ-બ્લાઉઝ જેવી રીતે એક્સપરિમેન્ટલ છે એવી જ રીતે તમે સાડી-ડ્રેપિંગમાં પણ અલગ-અલગ લુક આપી શકો. જ્યારે શર્ટ-બ્લાઉઝ સાડી સાથે પહેરવાનું હોય ત્યારે હાઈ બન વાળવું જેથી બ્લાઉઝની પૅટર્ન સારી રીતે દેખાઈ શકે. નેકમાં સાડીને અને ફંક્શનને અનુરૂપ નેકલેસ પહેરવો અને ઇઅર-રિંગ ન પહેરવાં. જો ઇઅર-રિંગ પહેરવાનાં હો તો નેકલેસ ન પહેરવો.