મારા પર શું સારું લાગશે એનો નિર્ણય લેવામાં જ હું કાચો પડું છું : શાહિદ કપૂર

15 October, 2012 06:18 AM IST  | 

મારા પર શું સારું લાગશે એનો નિર્ણય લેવામાં જ હું કાચો પડું છું : શાહિદ કપૂર



સુપર્બ ડાન્સર, હૅન્ડસમ લુક બૉલિવુડનાં લવરબૉયની ઇમેજ ધરાવતો શાહિદ કપૂર વધુપડતી ફૅશન ફૉલો ન કરતાં ફક્ત આરામ અનુભવાય એ રીતે ડ્રેસિંગ કરવામાં માને છે. હંમેશાં થોડી ઑફ-બીટ ચીજો પહેરેલો જોવા મળતો શાહિદ આજે આપણી સાથે શૅર કરે છે તેની ફેવરિટ ડ્રેસિંગ સ્ટાઇલ અને રંગો વિશે.

રંગ જરૂરી છે

કોઈ પણ રંગ પહેરવા માટે એ પ્રકારનું વાતાવરણ હોવું જરૂરી છે. બ્લુ અને ગ્રીન મારા ફેવરિટ રંગો છે. હું નાનો હતો ત્યારે બ્લુ મને હંમેશથી જ ગમ્યો છે. હું મીન રાશિનો છું, એટલે જ કદાચ માછલીની જેમ પાણીનો બ્લુ રંગ મને પસંદ છે. મારા માટે રંગની સાથે હું કઈ જગ્યાએ જઈ રહ્યો છું એ પણ મહત્વનું છે. કોઈના ઘરની દીવાલ પર જોયો હોય એ રંગ કોઈનાં કપડાંમાં જોવો તો નહીં જ ગમેને, કારણ કે એ રંગ ત્યાં જુદો લાગશે. મારી પાસે લાલ રંગની સ્પોર્ટ્સ કાર છે અને એ રંગ કાર પર ખૂબ સારો લાગે છે. પણ હું એ રંગ શરીર પર પહેરીશ તો કેવો લાગીશ કે મારા ઘરની દીવાલો પર એ રંગ ક્યારેય રંગીશ? રંગ ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવે છે એના પર જ એની પસંદગી આધાર રાખે છે.

કમ્ફર્ટ માટે ડ્રેસિંગ

મારા પર શું સારું લાગશે એ નિર્ણય લેવામાં હું કાચો છું. મોટા ભાગે મને લોકો કહે છે કે મારા પર શું સારું લાગે છે અને હું એ જ માનીને આગળ વધુ છું અને એમાં કોઈ તટસ્થતા નથી, એ હંમેશાં બદલાયા કરે છે. ડિઝાઇનરો ઍક્ટરો પર હંમેશાં જુદા-જુદા રંગોના પ્રયોગ કરતા રહે છે. અને મારો ડિઝાઇનર સૉફટ રંગોનો વપરાશ વધુ કરે છે. સ્પેશ્યલી છોકરાઓ પર ડીપ ગ્રીન, નેવી, બેજ કે ડેનિમના શેડ્સ સારા લાગે છે. હું એવી વ્યક્તિઓમાંનો છું, જે કમ્ફર્ટ માટે ડ્રેસિંગ કરે છે અને માટે જ હું ક્યારેય ભડકાઉ રંગમાં નહીં જોવા મળું.

વધુપડતું નહીં

મારા ઘરમાં પણ વધુપડતા રંગો જોવા નહીં મળે. મારા ઘરમાં ફ્લોરિંગ બ્લૅક છે જ્યારે બાકીની ઍક્સેસરીઝ બ્લૅક. એક જ દીવાલ ગ્રીન છે અને બાકીનું મોટા ભાગનું ફર્નિચર વાઇટ. મને ખૂબ રંગોથી ભરેલો હોય એવો રૂમ પસંદ નથી. બે કે ત્રણ બેઝિક રંગોનો વપરાશ પૂરતો છે. માટે જ ઘરમાં એક થીમ હોવી જોઈએ જેનાથી રંગનું પ્રમાણ ઓછું અને સારું લાગશે. મારા ઘરની ઍક્સેસરીઝમાં પણ બ્લૅક, વાઇટ અને ગ્રીન આ ત્રણ બેઝિક રંગોનું જ વર્ચસ્વ છે. બાકી જે છે એ મારું ફેવરિટ છે. ઉદાહરણ તરીકે મારું ફ્રિજ લાલ રંગનું છે અને એ મારું ફેવરિટ છે.

ફિલ્મી દુનિયા

મારા ઘરનો ફેવરિટ ખૂણો એ છે જ્યાં હું બેસીને હું ફિલ્મો જોઉં છું. મારો પાળેલો કૂતરો હંમેશાં સોફા પર બેસે અને અમે બન્ને સાથે બેસીને ફિલ્મો જોઈએ.