સાડી લાગશે સદાબહાર

16 October, 2012 05:44 AM IST  | 

સાડી લાગશે સદાબહાર



ચણિયા ચોળી કરતા સાડીઓ જ વધુ વહાલી હોય તો. આ છે પરફેક્ટ દિવસ. પરંપરાગત ગુજરાતી ઢબે પહેરેલી સાડી સુંદર લાગે છે. બાંધણી અને પટોળા પહેરવા માટે જો કોઇ પ્રસંગ ન મળતો હોય તો નવરાત્રી પરફેક્ટ છે. આજે ગરબા રમવા જાઓ ત્યારે ચણિયા ચોળીને બદલે ફોર અ ચેન્જ સાડી ટ્રાય કરજો. જોઇએ કેવા પ્રકારની સાડી નવરાત્રીમાં વધુ શોભશે.

પટોળા

પટોળા આ પ્રકાર જ ખૂબ સુંદર અને જાજરમાન છે. છેલા જી રે.. વાળો ગરબો તો સાંભળ્યો જ હશે. એમાંય પટોળાનો ઉલ્લેખ છે. પટોળું આપણે ત્યાં આજેય જાણે રિવાજની જેમ પહેરાય છે. મરૂન, ગ્રીન, યલો, બ્લેક જેવા કલર્સ પટોળામાં જોવા મળે છે અને આ રંગો ગરબામાં ખાસ સારા લાગશે. પટોળા હાથવણાટનાં હોય છે અને એમાં કરવામાં આવતી ડિઝાઇન નવરાત્રિમાં શોભે એવી જ હોય છે.

રાજસ્થાની કોટા

રાજસ્થાનની ફેમસ કોટાની સાડીઓ ટ્રેડિશનલ લુક આપે છે. મરૂન, ગ્રીન, યલો જેવા રંગોની કોટાની સાડીઓ પર હલકી પ્રિન્ટ કે થોડું દોરાવર્ક કર્યું હશે તો સાડીનો લુક વધારે સુંદર લાગશે. આ સાડી પર આભલા અને કચ્છી ભરત પણ કરાવી શકાય. નેટ જેવું કાપડ હોવાને લીધે એનાં પર કચ્છી વર્ક સુંદર રીતે થઇ શકે છે. આ સાડીઓ થોડી કડક હોવાથી શરીર પાતળું હોય તો વધારે સૂટ થશે અને જો શરીર હેવી હોય તો કોટા સાડી પર્હેયા બાદ એ વધુ ફુલેલું લાગશે.

લ્હેરીયું:


હાલમાં જયપુરનાં ફેમસ એવી લ્હેરીયા સાડીનો ટ્રેન્ડ છે. આ સાડીની સ્ટાઇલ આમ તો ખૂબ જૂની છે. પરંતુ એનાં પર બોર્ડર કે થોડું હેન્ડ વર્ક કરીને નવરાત્રીમાં પહેરી શકાય. પરંતુ અહીં પ્યોર જ્યોજોર્ટ કે શિફોનનું પાતળું પારદર્શક મટિરીયલનું લ્હેરીયુ પહેરવા કરતાં થોડું જાડું ફેબ્રિક પસંદ કરવું. આમાં ક્રેપ તેમજ ઇટાલિયન ક્રેપનાં ઑપ્શન મળી રહેશે. લ્હેરીયા પર કોન્ટ્રાસ્ટ કલરમાં રૉ-સિલ્કની બોર્ડર પણ મુકી શકાય. લાલ, પિળુ, લીલુ, ગુલાબી, જાંબલી આ રંગો લ્હેરીયામાં સારાં લાગશે.

બાંધણી

બાંધણી તો જાણે નવરાત્રી માટે જ બનેલી છે. બાંધણીમાં સિલ્ક હોય કે કોટન બધુ જ સારું લાગે છે. પણ ગરબા રમવા જાઓ ત્યારે સિલ્ક પહેરવું થોડું જોખમી છે. પસીનાને કારણે સિલ્કના મટીરિયલની હાલત બગડે છે એટલે ગઢવાલ સિલ્ક, કૉટન કે જ્યૉર્જેટના મટીરિયલ પર આરી-વર્ક અને મિરર-વર્ક કરેલી સાડીઓની આ વખતે ડિમાન્ડ વધારે છે. ગજી સિલ્ક પણ સારું રહેશે. જો કે એ થોડું બલ્કી લાગે છે. જે સ્ત્રીઓ બાંધણીની સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે તેમના માટે જ્યૉર્જે‍ટ કે ક્રૅપ સિલ્કની બાંધણી સારી રહેશે. આ વર્ષે દેશી ભરતની મોર, હાથી, પોપટ વગેરે બનાવેલી ઉનનાં ભરતકામ વાળી બોર્ડર ટ્રેન્ડમાં છે. રંગબેરંગી ઉનથી કરેલા મિરર-વર્કની બૉર્ડર, પારસી-વર્કની બૉર્ડર અને પૅચિસ તેમ જ કચ્છી-વર્ક સારું લાગશે.

હાથવણાટની સાડીઓ.


કૉટનની કે કોઇ બીજી હાથવણાટની સાડીઓને ઇસ્ત્રી કરવાની જરૂર પડે છે. એક વાર ધોયા બાદ જો એમાં કાંજી કરીને એને ઇસ્ત્રી કરવામાં આવે તો એ પર્હેયા બાદ વ્યવસ્થિત લાગે છે. કૉટનની સાડીઓમાં હંમેશાં થોડું જાડું હોય એવું કૉટન પસંદ કરવું, જેથી એ બેસી ન જાય. કૉટનની પ્લેન સાડીઓ પર કચ્છી-વર્ક, મિરર-વર્ક કે દેશી ભરત કરાવી શકાય. નાના દોરાઓથી કરેલું મિરર-વર્ક અને આરી વર્ક કૉટનની સાડીઓને ચણિયા-ચોળીનો લુક આપશે. જો હેવી ચણિયા-ચોળી જેવો લુક આપવો હોય તો હેવી મિરર-વર્ક અને પૅચવાળી બૉર્ડર અલગથી સાડી પર મુકાવવી. જો સાડી પ્લેન હોય તો ચણિયા ચોળીનું ભરેલું બ્લાઉઝ આની સાથે પહેરી શકાય.

બ્લાઉઝનું ફ્યુઝન:

સાડી ભલે આ પહેરો પણ એની સાથે બ્લાઉઝને ચોલી જેવો લુક આપો. પાછળથી દોરી વાળુ, બેક લેસ અથવા પટ્ટી વાળુ બ્લાઉઝ પહેરો. મરૂન કે બ્લેક કલરનું ગાવઠી વર્ક કરેલું બ્લાઉઝ પહેરી શકાય. બ્લાઉઝની સ્લીવ કોણી સુધીની રાખવી. શોર્ટ બ્લાઉઝ નવરાત્રીમાં નહી સારા લાગે. પરંતુ કોણી સુધી આવતા સ્લીવ પુરી થઇ જવી જોઇએ. કારણકે જો પોણીયા સ્લિવ કે ફુલ સ્લીવ હશે તો ગરબા રમવામાં મજા નહી આવે.