ગરબા માટે ભાડાનો ડ્રેસ? આઇડિયા બુરા નહીં હૈ

01 October, 2019 05:51 PM IST  |  મુંબઈ | રુચિતા શાહ

ગરબા માટે ભાડાનો ડ્રેસ? આઇડિયા બુરા નહીં હૈ

ઉમેશ દવે પત્ની અને દીકરી સાથે.

ટ્રેડિશનલ ચણિયાચોળી અને કેડિયું પહેરીને ગરબા રમવાની મજા રમનારને તો આવે જ, પણ જોનારને પણ આવે. ગુજરાતમાં ઘણા નવરાત્રિના આયોજકો દ્વારા પરંપરાગત ડ્રેસ કમ્પલ્સરી રાખવામાં આવે છે. ચણિયાચોળી વિના તમારી પાસે પાસ હોય તો પણ ગરબા ગ્રાઉન્ડમાં તમને એન્ટ્રી જ ન મળે. મુંબઈના આયોજકો આટલા તો આકરા નથી થયા, પરંતુ મુંબઈના ખેલૈયાઓ જોકે પરંપરાગત ડ્રેસને પ્રાધાન્ય આપતા થયા છે. કૉમ્પિટિશનમાં ભાગ લેતા અને બેસ્ટ ડ્રેસનો ખિતાબ જીતનારા ગરબાપ્રેમીઓ સિવાયના પણ ગરબાલવર્સમાં ટ્રેડિશનલ ડ્રેસ ઇનથિંગ છે. એમાં પણ હવે જાતે ખરીદીને લાવવા કરતાં ભાડે લાવીને શોખ પૂરો કરનારાઓની સંખ્યા વધી રહી છે. શું કામ ભાડે ડ્રેસ લેવાનો? એટલી રકમમાં પોતાનો જ ન આવી જાય? રેન્ટ પર મળતા નવરાત્રિના ડ્રેસની જાણવા જેવી વાતો પર એક નજર કરીએ. 

સાઇઝનો પ્રૉબ્લેમ ન નડે
દર વર્ષે બેસ્ટ ડ્રેસમાં અચૂક નૉમિનેશન્સમાં આવતી ચારકોપમાં રહેતી ગાયત્રી માસ્ટર માટે નવરાત્રિ આખા વર્ષનો સૌથી મહત્ત્વનો ઉત્સવ છે. રેન્ટ પર ડ્રેસ એ સૌથી સરળ અને ઓછામાં ઓછો માથાનો દુખાવો થાય એવો ઑપ્શન છે એમ જણાવીને ગાયત્રી કહે છે, ‘આમ તો મારું નવરાત્રિનું બજેટ હોય છે અને હું પોતાના નવા ડ્રેસ દર વર્ષે સિવડાવું છું. દર વર્ષે નવેનવ દિવસ જુદાં-જુદાં કપડાં પહેરવાનો મારો નિયમ છે. જોકે એ પછીયે તમે એકદમ રબારી સ્ટાઇલનાં કપડાં પહેરવા માગતાં હો અને સાથે મોટા-મોટા હાથીદાંતના ઑર્નામેન્ટ્સ પણ પહેરવાની ઇચ્છા હોય તો એમાં બેસ્ટ ઑપ્શન છે રેન્ટનો. હું તો ખેર, નવા ડ્રેસ સિવડાવું છું, પરંતુ એવા અનેક લોકોને ઓળખું છું જે સંપૂર્ણ રેન્ટ પર અવલંબિત છે. ૯૦થી ૯૫ ટકા લોકો રેન્ટ પર ડ્રેસ લાવીને ગરબામાં પહેરે છે. થોડાક પૈસામાં તમારો શોખ પૂરો થઈ જાય અને એક રકમ ડેડ ઇન્વેસ્ટમેન્ટ પણ ન બની જાય. હું મારી નાની દીકરી માટે તો દર નવરાત્રિએ રેન્ટ પર જ કપડાં લઉં છું, કારણ કે જો સિવડાવું તો એ બીજા વર્ષે નાનાં પડી જાય અને પૈસા માથે પડે. બીજું એ કે કોઈ નવી ડિઝાઇન આવી હોય તો એ ડિઝાઇન માટે કંઈ નવાં કપડાં ન ખરીદવા જવાય, એ રેન્ટ પર લઈએ એ જ સારું પડે. જેમ કે રામ લીલા આવ્યા પછી દીપિકાના ઘાઘરાની પૅટર્ન ઇનથિંગ હતી તો એ શોખ મેં રેન્ટ પર લાવીને જ પૂરો કર્યો હતો.’
પર્યાય કોને ન ગમે?
ચશ્માંના માર્કેટિંગનું કામ કરતા ઉમેશ દવેનો ગરબાપ્રેમ અને ગરબા માટેનો ડ્રેસપ્રેમ તમને તાજુબમાં મૂકી દેશે. અત્યારે જો તમે તેમના ઘરે જાઓ તો તમને એ ઘર ઓછું અને નવરાત્રિનાં કપડાંની દુકાન વધુ લાગે. તેમના આખા પરિવારને નવરાત્રિ માટે વિશેષ લાગણી છે. તેમની પાસે કમ સે કમ બે ડઝન નવરાત્રિમાં પહેરાય એવાં પરંપરાગત કેડિયાં, ધોતિયાં વગેરે છે. તેમની પત્ની પાસે જાતે કસ્ટમાઇઝ કરેલાં અઢળક ચણિયાચોળી છે અને તેમની દીકરી પાસે પણ. ‘મિડ-ડે’ને ઉમેશભાઈ કહે છે, ‘હું ૪૫નો છું પરંતુ ગરબા માટેનું મારું પૅશન આજે પણ યુવાનો જેવું જ તેજતર્રાર છે. આ વર્ષે અમે નવરાત્રિનાં કપડાંનું શૉપિંગ કરવા પહેલાં સુરત ગયાં. ત્યાં મેળ ન ખાધો એટલે અમદાવાદ ગયાં અને અમદાવાદથી છેલ્લે કચ્છના અંજાર ગયાં. કપડાંની ખરીદી સિવાય કોઈ ગોલ નહોતો.’
અહીં તેમણે લગભગ ત્રણ જણનાં ટ્રેડિશનલ કપડાં માટે ૩૫ હજારનું બિલ કર્યું. જોકે એ સિવાય ઍક્સેસરીઝ અને જુદી-જુદી ડેકોરેશનની વસ્તુ લીધી એ અલગ. નવરાત્રિમાં બેસ્ટ ડ્રેસ માટે અનેક ઇનામો અને ટ્રોફીઓ મેળવી ચૂકેલા ઉમેશભાઈએ નવીનતા લાવવા ૧૫ કિલો વજન ધરાવતો પત્નીનો ઘાઘરો ધોતિયા સાથે મિક્સ મૅચ કર્યો છે. દર વખતે તેમણે કંઈક હટકે કર્યું હશે એ માટે તેમના ગ્રુપના લોકોમાં પણ ઉત્કંઠા હોય છે. આ બધા વચ્ચે પણ ભાડે કપડાં લેવાનું તો બને જ છે, એ કેવી રીતે એ વિશે ઉમેશભાઈ કહે છે, ‘આપણી પાસે ગમે તેટલું હોય તો પણ કંઈક તો ઓછું જ લાગે. આ વખતે અંજારથી શૉપિંગ કર્યું છે, પરંતુ એકાદ દિવસ તો એવો હશે જ્યારે લાગશે કે મારી પાસે કંઈ નથી. એ સમયે અમે લાવીશું રેન્ટ પર કપડાં. દર વર્ષનો આવો જ ક્રમ છે.’

ડ્રેસવાળાની તૈયારીઓ વિશે પણ જાણવા જેવું છે
કાંદિવલીમાં ૪૫ વર્ષ જૂની ભાડા પર કપડાં આપતી શ્રીજી ડ્રેસવાલાની દુકાનના વ્રજેશ શાહ અને તેમના દીકરા ઉત્સવને છેલ્લાં ત્રણેક મહિનાથી શ્વાસ લેવાનો પણ સમય નથી હોતો. નવરાત્રિના ચારેક મહિના પહેલાં ઓછાંમાં ઓછાં સાડાત્રણસો નવાં ચણિયાચોળીઓ બનાવવાનું કામ ધમધોકાર ચાલતું હોય છે. વ્રજેશભાઈ કહે છે, ‘છેલ્લાં થોડાંક વર્ષોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો ઉત્સાહ લોકોમાં વધ્યો છે. અત્યાર સુધી સ્ટેજ પ્રોગ્રામ માટે અને ગ્રુપમાં ડાન્સ કરવા માગતા લોકો પાસેથી અને સ્કૂલોમાંથી ભાડા પર ડ્રેસની ડિમાન્ડ આવતી, પરંતુ હવે વ્યક્તિગત ધોરણે સિંગલ યુનિક પીસ લેવા માટે ઘણા લોકો આવે છે. આજકાલ સોસાયટીમાં પણ કૉમ્પિટિશન થાય છે તો એમાં પણ એકસરખા ડ્રેસ લેવા આવનારા વધ્યા છે. ડિમાન્ડ વધી છે એટલે લોકોની વરાઇટી માટેનો આગ્રહ પણ વધ્યો છે.’
અહીં ઉલ્લેખનીય છે કે હજારો જોડી કપડાં ગરબા રમવામાં કોઈ પહેરે ત્યારે એ પસીનાથી ભીનાં થઈ ગયાં હોય છે. પરંતુ વર્ક અને કપડાંના રંગોને કારણે એને ધોવાં શક્ય નથી. જોકે એ પછીયે એ હાઇજીનિક હોય, એમાં વાસ ન આવે અને અન્ય માટે પહેરવાલાયક રહે એટલે એને સ્ટીમ વૉશ અને ડ્રાયક્લીન કરવામાં આવે છે.

navratri fashion